05 July, 2023 12:33 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમ
આગામી ઑક્ટોબરમાં ભારતમાં રમાનારા વન-ડેના વર્લ્ડ કપમાં રમવા ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં દાવો કરી રહેલા દેશોમાંથી વેસ્ટ ઇન્ડીઝ રેસની બહાર થઈ ગયા પછી ગઈ કાલે ઝિમ્બાબ્વે પણ સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયું હતું. સ્કૉટલૅન્ડે એને સુપરસિક્સની મૅચમાં ૩૧ રનથી હરાવીને પોતાનો દાવો મજબૂત કર્યો હતો. વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થવામાં સફળ રહેલા શ્રીલંકા બાદ હવે સ્કૉટલૅન્ડ તથા નેધરલૅન્ડ્સ વચ્ચે હરીફાઈ થશે. આ બે ટીમ વચ્ચે આવતી કાલે (બપોરે ૧૨.૩૦ વાગ્યાથી) મુકાબલો થશે.
ઝિમ્બાબ્વેએ ૨૦૧૮ની સાલની જેમ છેલ્લી બેમાંથી એક મૅચ જીતવાની હતી, પરંતુ ક્વૉલિફાઇંગ રાઉન્ડની શરૂઆતથી ગઈ કાલ સુધીમાં એનો સાતમાંથી છેલ્લી બે મૅચમાં પરાજય (જીત, જીત, જીત, જીત, જીત, હાર-શ્રીલંકા સામે અને હાર-સ્કૉટલૅન્ડ સામે) થતાં એણે સ્પર્ધાની બહાર થઈ જવું પડ્યું હતું. ઝિમ્બાબ્વેના સુપરસ્ટાર ખેલાડી સિકંદર રઝાની બધી મહેનત પાણીમાં ગઈ છે. ગઈ કાલે સ્કૉટલૅન્ડે માઇકલ લીસ્કના ૪૮ રનની મદદથી ૮ વિકેટે ૨૩૪ રન બનાવ્યા ત્યાર બાદ રાયન બર્લના ૮૩, રઝાના ૩૪ અને વેસ્લી મેડવેહીરના ૪૦ રન છતાં ઝિમ્બાબ્વે ક્રિસ સોલની ત્રણ, બ્રેન્ડન મૅક્મુલનની બે અને લીસ્કની બે વિકેટને કારણે ૪૨મી ઓવરમાં ૨૦૩ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું.