17 December, 2025 10:11 AM IST | Rameswaram | Gujarati Mid-day Correspondent
ICC મેન્સ T20 વર્લ્ડ કપ ટ્રોફી રામસેતુ પર
ભારત અને શ્રીલંકામાં રમનારા મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટેની ટ્રોફી-ટૂરનો પ્રારંભ ICCએ અનોખા અંદાજમાં કર્યો છે. બન્ને દેશ વચ્ચે આવેલા રામસેતુથી ટ્રોફી-ટૂરનો શુભારંભ કરવામાં આવ્યો. ટૂ-સીટર પૅરૅશૂટ પર ગોઠવીને ટ્રોફીને આકાશી સફર પણ કરાવવામાં આવી હતી. ટ્રોફી-ટૂર ભારત, શ્રીલંકા, કતર, ઓમાન, નેપાલ, બાહરિન અને મોંગોલિયા સહિત સમગ્ર એશિયામાં પ્રવાસ કરશે જેનાથી ચાહકોને આઇકૉનિક સિલ્વર ટ્રોફીને નજીકથી જોવાની તક મળશે. એક અનોખી પહેલ હેઠળ ટ્રોફીને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેનારા ખેલાડીઓ સાથે સંકળાયેલી સ્કૂલો અને કૉલેજોમાં પણ લઈ જવામાં આવશે.
ICC અન્ડર-19 મેન્સ વન-ડે વર્લ્ડ કપ 2026 માટે કાઉન્ટડાઉન ઑફિશ્યલી શરૂ થઈ ગયું છે. હાલમાં ઝિમ્બાબ્વેના હરારેમાં એક ઇવેન્ટમાં પરંપરાગત ડાન્સ વચ્ચે ટુર્નામેન્ટની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સહ-આયોજિત આ ઇવેન્ટ ૨૦૨૬ની ૧૫ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી સુધી ચાલશે અને એમાં ૧૬ ટીમ ભાગ લેશે. ભારત આ ટુર્નામેન્ટમાં ૧૬માંથી ૯ વખત ફાઇનલ મૅચ રમ્યું છે અને સૌથી વધુ પાંચ વખત ચૅમ્પિયન બન્યું છે.