T20 વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત ૨૦૦+નો સ્કોર બનાવીને સાઉથ આફ્રિકાએ કરી ધમાકેદાર શરૂઆત

10 February, 2026 11:32 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાએ વર્તમાન સીઝનનો ૬૬ રનનો હાઇએસ્ટ પાવરપ્લે અને ૨૧૩ રનનો હાઇએસ્ટ ટીમ-સ્કોર નોંધાવ્યો, કૅનેડાને ૫૭ રને પરાજય આપ્યો

સાઉથ આફ્રિકાનાે લુન્ગી ઍન્ગિડી ૪ વિકેટ લઈને મૅચનો હીરો બન્યો હતો

અમદાવાદમાં ગઈ કાલે સાંજે કૅનેડા સામેની પહેલી T20 ટક્કરમાં સાઉથ આફ્રિકાએ ૫૭ રને જીત મેળવીને T20 વર્લ્ડ કપની શાનદાર શરૂઆત કરી હતી. સાઉથ આફ્રિકાએ કૅપ્ટન એઇડન માર્કરમની શાનદાર ફિફ્ટીના આધારે ૨૧૩-૪નો સ્કોર કર્યો હતો. એના જવાબમાં કૅનેડાની ટીમ ૮ વિકેટે ૧૫૬ રન કરી શકી હતી. સાઉથ આફ્રિકાએ T20 વર્લ્ડ કપમાં રેકૉર્ડ છઠ્ઠી વખત ૨૦૦+નો સ્કોર કર્યો હતો. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ ૩-૩ વખત આ કમાલ કરી શક્યાં છે.

સાઉથ આફ્રિકા તરફથી કૅપ્ટન એઇડન માર્કરમે ૩૨ બૉલમાં ૧૦ ફોર અને એક સિક્સની મદદથી ૫૯ રન કર્યા હતા. ડેવિડ મિલરે ૨૩ બૉલમાં ૧ ફોર અને ૩ સિક્સ ફટકારીને ૩૯ રન અને ટ્રિસ્ટન સ્ટબ્સે બે ફોર અને બે સિક્સની મદદથી ૧૯ બૉલમાં ૩૪ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. વડોદરામાં જન્મેલા ૨૩ વર્ષના સ્પિનર અંશ પટેલે ૩૧ રન આપીને ૩ વિકેટ લઈને કૅનેડા તરફથી T20 વર્લ્ડ કપનું બેસ્ટ બોલિંગ-પ્રદર્શન નોંધાવ્યું હતું.

ચંડીગઢમાં જન્મેલા નવનીત ધાલીવાલે કૅનેડા માટે ત્રીજા ક્રમે રમીને ૪૯ બૉલમાં ૭ ફોર અને એક સિક્સની મદદથી ૬૪ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લુન્ગી ઍન્ગિડીએ ૪ વિકેટ અને માર્કો યાન્સેને બે વિકેટ ઝડપી હતી. 

t20 world cup international cricket council world cup south africa canada cricket news sports sports news