T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ૨૦૦ રન ફટકારનાર પહેલી અસોસિએટ નેશન ટીમ બની સ્કૉટલૅન્ડ

10 February, 2026 11:17 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપ ડેબ્યુ કરનાર ઇટલીએ ૨૦૮ના ટાર્ગેટ સામે ૨૧ રનની અંદર અંતિમ સાત વિકેટ ગુમાવી દીધી હતી, ૧૩૪ રને ઢેર થતાં ૭૩ રને સ્કૉટલૅન્ડ સામે હાર્યું

સ્કૉટલૅન્ડના માઇકલ લિસ્કે ૪ ઓવરમાં ૧૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી

કલકત્તામાં ગઈ કાલે સવારે સ્કૉટલૅન્ડે વર્તમાન વર્લ્ડ કપની પોતાની પહેલી જીત ઇટલી સામે મેળવી હતી. પહેલી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે હારનાર સ્કૉટલૅન્ડે ૪ વિકેટ ગુમાવીને T20 વર્લ્ડ કપમાં પોતાનો અને અસોસિએટ નેશન ટીમ તરફથી આ ટુર્નામેન્ટનો સૌથી મોટો સ્કોર કર્યો હતો. પહેલી વખત અસોસિએટ નેશન તરફથી ૨૦૦ રનનો સ્કોર કરવાનો રેકૉર્ડ પહેલી વખત વર્લ્ડ કપ રમનાર ઇટલી સામે જ થયો હતો. T20 વર્લ્ડ કપ રમનાર પચીસમી ટીમ બનેલી ઇટલી ૧૬.૪ ઓવરમાં ૧૩૪ રને ઢેર થઈ ગઈ હતી.

સ્કૉટલૅન્ડ તરફથી ઓપનર જ્યૉર્જ મુન્સેએ ૫૪ બૉલમાં ૧૩ ફોર અને ૨ સિક્સની મદદથી ૮૪ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. ઇટલીના ૭ બોલરમાંથી ચારને એક-એક વિકેટ મળી હતી. એમાંથી ભારતીય મૂળના અલી હસને ૪ ઓવરમાં માત્ર ૨૧ રન આપીને એક સફળતા મેળવી હતી.

ઇટલી તરફથી ૪ બૅટર્સે ડબલ ડિજિટનો સ્કોર કર્યો હતો. એમાંથી બહેન મેનેન્ટી ૩૧ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સની મદદથી બાવન રન કરીને હાઇએસ્ટ સ્કોરર બન્યો હતો. તેણે T20 વર્લ્ડ કપમાં ઇટલી તરફથી પહેલી ફિફ્ટી પણ નોંધાવી હતી. ૧૩થી ૧૭ ઓવર દરમ્યાન ઇટલીએ માત્ર ૨૧ રનની અંદર અંતિમ ૭ વિકેટ ગુમાવી દીધી હતી. સ્પિનર માઇકલ લિસ્કે ૪ ઓવરમાં ૧૭ રન આપી સૌથી વધુ ૪ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. 

પહેલી જ મૅચમાં ઇટલીના સુકાનીને મોટી ઇન્જરી થઈ

ઇટલીનો વેઇન મૅડસન વર્તમાન વર્લ્ડ કપનો ૪૨ વર્ષ ૩૮ દિવસ સાથેનો સૌથી ઓલ્ડેસ્ટ કૅપ્ટન છે. જોકે પોતાની પહેલી વર્લ્ડ કપ મૅચમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ફીલ્ડિંગ દરમ્યાન ચોથી ઓવરમાં તે પ્રૅક્ટિસ-પિચ પર ઘાયલ થયો હતો. તેનો ડાબો ખભો ડિસલોકેટ થયો હોવાથી તે ફરી મેદાન પર ઊતરી શક્યો નહોતો.

ઇટલીનો આ બૅટર સાઉથ આફ્રિકા માટે ૨૦ વર્ષ પહેલાં હૉકી વર્લ્ડ કપમાં પણ રમી ચૂક્યો છે. સાઉથ આફ્રિકાના ડર્બનમાં જન્મેલો વેઇન મૅડસન પોતાની જન્મભૂમિ માટે ૩૯ હૉકી-મૅચ પણ રમ્યો હતો. તેણે ૨૦૦૬ની કૉમનવેલ્થ ગેમ્સ સાથે વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો હતો. સાઉથ આફ્રિકામાં ડોમેસ્ટિક ક્રિકેટ અને ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાનમાં T20 લીગ રમ્યો હોવાથી તે ૨૦૨૩માં ઇટલી માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ-ડેબ્યુ કરી શક્યો હતો. તેના ૩ અંકલ અને એક કઝિન ભાઈ ક્રિકેટ સાથે જોડાયેલા છે.

t20 world cup international cricket council world cup scotland italy cricket news sports sports news