09 February, 2026 09:36 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
૪૮ રનના સ્કોર પર રમી રહેલા ટિમ સાઇફર્ટનો કૅચ છોડ્યા બાદ સ્પિનર રાશિદ ખાન નિરાશ થયો હતો, T20 ઇન્ટરનૅશનલમાં ટિમ સાઇફર્ટે ચેપૉકમાં ૬૫ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમીને ૨૦૦૦ રન પૂરા કર્યા હતા
ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં ૨૧,૨૬૬ દર્શકો ગઈ કાલે સવારે ૧૧ વાગ્યાની ન્યુ ઝીલૅન્ડ અને અફઘાનિસ્તાનની રોમાંચક મૅચ જોવા ઊમટી પડ્યા હતા. ન્યુ ઝીલૅન્ડે પાંચ વિકેટે મૅચ જીતીને T20 વર્લ્ડ કપ અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. ગુલબદ્દીન નાયબે ૩૫ બૉલમાં ૩ ફોર અને ૪ સિક્સની મદદથી ૬૩ રન કરીને ટીમનો સ્કોર ૧૮૨-૬ કર્યો હતો. કિવી ટીમે ઓપનર ટિમ સાઇફર્ટે ૭ ફોર અને ૩ સિક્સની મદદથી ૪૨ બૉલમાં ફટકારેલી ૬૫ રનની ઇનિંગ્સના આધારે ૧૭.૫ ઓવરમાં ૧૮૩ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
૧૮૩ રનના હાઇએસ્ટ સ્કોર સાથે ચેપૉક સ્ટેડિયમમાં હમણાં સુધી રમાયેલી ઇન્ટરનૅશનલ T20 મૅચોમાં આ સૌથી વધુ ૩૬૫ રનવાળી મૅચ બની હતી. T20માં અફઘાનિસ્તાન સામે ચેઝ થયેલો આ સૌથી મોટો ટાર્ગેટ હતો. અફઘાની ટીમ પહેલી વખત ૧૮૦ પ્લસનો ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં અસફળ રહી હતી. આ પહેલાં અફઘાની પ્લેયર્સે ૨૫ વખત આવો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ન્યુ ઝીલૅન્ડે પહેલવહેલી વાર ૧૭૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરી દેખાડ્યો છે.