15 February, 2025 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન્સ ટ્રોફી
ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટા પ્રાઇઝ મનીની જાહેરાત કરી છે. ૧૯ ફેબ્રુઆરીથી આયોજિત ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ICCએ રોકડ પુરસ્કારમાં ૫૩ ટકાનો વધારો કર્યો છે. છેલ્લે ૨૦૧૭માં આ ટુર્નામેન્ટના કુલ પ્રાઇઝ મની ૪.૫ અમેરિકન મિલ્યન ડૉલર (૨૮.૮૮ કરોડ રૂપિયા) હતા જે હવે વધીને ૬.૯ મિલ્યન અમેરિકન ડૉલર (૫૯.૯૩ કરોડ રૂપિયા) થઈ ગયા છે.
૯ માર્ચની ફાઇનલ મૅચ જીતીને જે ટીમ ચૅમ્પિયન બનશે એને ટ્રોફી સાથે ૨.૨૪ મિલ્યન ડૉલર (૧૯.૪૫ કરોડ રૂપિયા) રૂપિયા મળશે, રનર અપ ટીમને ૧.૧૨ મિલ્યન ડૉલર (૯.૭૨ કરોડ રૂપિયા) મળશે; જ્યારે સેમી ફાઇનલ મૅચ હારનારી ટીમને ૫.૬૦ લાખ ડૉલર ( ૪.૮૬ કરોડ રૂપિયા) મળશે.
ગ્રુપ સ્ટેજમાં જીત મેળવીને એક ટીમ ૩૪ હજાર ડૉલર (૩૦ લાખ રૂપિયા) મેળવી શકશે. આઠ ટીમમાંથી પાંચમા-છઠ્ઠા ક્રમે રહેનારી ટીમને ૩.૫૦ લાખ ડૉલર (ત્રણ કરોડ રૂપિયા), સાતમા-આઠમા ક્રમે રહેનારી ટીમને ૧.૪૦ લાખ ડૉલર (૧.૨ કરોડ રૂપિયા) મળશે. આ સિવાય ટુર્નામેન્ટમાં ભાગ લેનાર પ્રત્યેક ટીમને ૧.૨૫ લાખ ડૉલર (૧.૦૮ કરોડ રૂપિયા)ની રોકડ રકમ આપવામાં આવશે.