"પ્લેયરોને બુકીઓથી દૂર રહેવા કહો, ન સમજે તો પાઠ ભણાવો"

19 October, 2012 03:01 AM IST  | 

"પ્લેયરોને બુકીઓથી દૂર રહેવા કહો, ન સમજે તો પાઠ ભણાવો"



લંડન: આઇસીસીના ચીફ એક્ઝિક્યુટિવ ડેવ રિચર્ડસને થોડા દિવસ પહેલાં ઇન્ડિયા ટીવી ચૅનલના સ્ટિંગ-ઑપરેશનમાં મૅચ-ફિક્સિંગની તૈયારી સાથે પકડાયેલા છ અમ્પાયરોવાળા કિસ્સાનો ગઈ કાલે લંડનના એક સમારંભમાં ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ક્રિકેટમાં ફિક્સિંગના નામે જાણીતો ભ્રષ્ટાચાર કેટલી હદે વકરી ગયો છે એનું સૌથી સારું ઉદાહરણ છે.

આઇસીસીની ચૅમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ (મિની વલ્ર્ડ કપ) આવતા વર્ષે ઇંગ્લૅન્ડમાં યોજાશે અને એની ટ્રોફીનું ગઈ કાલે અનાવરણ કરવા માટે લંડનમાં યોજવામાં આવેલા સમારંભમાં રિચર્ડસને કહ્યું હતું કે ‘અત્યારે આઇસીસીનું ફિક્સિંગના દૂષણ સામે ખુલ્લું યુદ્ધ ચાલી રહ્યું છે. આ ફિક્સિંગરૂપી ભ્રષ્ટાચાર એટલો બધો ફેલાઈ ગયો છે કે પિચ ક્યૉરેટર તરીકે ઓળખાતા પિચ બનાવનારાઓ તેમ જ વિકેટ તથા મેદાનની સાફસફાઈનું કામ કરતા માળીઓ સુધીની દરેક પ્રકારની વ્યક્તિ પર હવે શંકા થતી હોય છે. બીજી રીતે કહું તો આવી દરેક પ્રકારની વ્યક્તિ પૈસાની લાલચનો શિકાર થઈ શકે.’

૫૩ વર્ષના રિચર્ડસન સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટકીપર છે. તેઓ ૧૯૯૨થી ૧૯૯૮ દરમ્યાન ૪૨ ટેસ્ટમૅચ અને ૧૨૨ વન-ડે રમ્યા હતા. તેમણે ગઈ કાલના પ્રવચનમાં એવું પણ કહ્યું હતું કે ‘અમે અમારી ઍન્ટિ-કરપ્શન યુનિટમાં વધુ અધિકારીઓનો ઉમેરો કરીને અને વધુ ફન્ડ તેમ જ બહોળો ડેટાબેઝ તૈયાર કરીને આ યુનિટ વધુ મજબૂત બનાવી છે. ઇન્ટરનૅશનલ પ્લેયરોને અમે ફિક્સિંગથી બચવા માટેના ઉપાયો સમજાવતા રહીએ છીએ. અમે બધા દેશોના ક્રિકેટ બોર્ડોને કહી દીધું છે કે તમારા દેશના બુકીઓને શોધી કાઢો, તેમને પ્લેયરોથી દૂર રાખો અને જો આ બુકીઓ ખેલાડીઓની નજીક આવે ત્યારે ખેલાડીઓને ચેતવી દો. અમે વિવિધ દેશોના ક્રિકેટ-સત્તાધીશોને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે પ્લેયરો જો બુકીઓથી દૂર રહેવાની ચેતવણી અવગણે તો એવા પ્લેયરો સામે કડક હાથે કામ લો.’

બુકીઓનો ટાર્ગેટ બધી વ્૨૦ ટુર્નામેન્ટો રિચર્ડસને બુકીઓની નવી સ્ટ્રૅટેજીની વાત કરતા કહ્યું હતું કે ‘અમે દરેક સિરીઝ અને ટુર્નામેન્ટમાં પ્લેયરોને બુકીઓથી દૂર રહેવા સમજાવીએ છીએ અને એ રીતે દરેક મૅચને ફિક્સિંગ-મુક્ત રાખવામાં સફળ થઈએ છીએ. આઇસીસીએ ઇન્ટરનૅશનલ સિરીઝો અને ટુર્નામેન્ટોમાં ફિક્સિંગને ડામવા પગલાં લેવાની શરૂઆત કરી છે ત્યારથી બુકીઓએ વિવિધ દેશોની વ્૨૦ લીગ ટુર્નામેન્ટોને નિશાન બનાવી છે. ફિક્સિંગનો ગુનો કરતી વ્યક્તિઓ સાથે સખત હાથે કામ લેવાની બાબતમાં અમારી પાસે પોલીસ દળ જેવી સત્તા નથી, પરંતુ અમે આવી વ્યક્તિઓને ઉઘાડી પાડવા માળખું બહુ સઘન બનાવ્યું છે.’

અમે સારા વકીલ જેવા છીએ : રિચર્ડસન

ટીવી ચૅનલો કે અખબારોના સ્ટિંગ-ઑપરેશનો મારફત ફિક્સિંગકાંડ બહાર આવતું હોય છે, પરંતુ ક્યારેય આઇસીસી કેમ કોઈ ફિક્સરને પકડતી નથી? એવી જે ટીકા ક્રિકેટની આ સવોર્ચ્ચ સંસ્થા વિશે થતી હોય છે એ સંદર્ભમાં રિચર્ડસને લંડનના સમારંભમાં કહ્યું હતું કે ‘અમે હંમેશાં પ્લેયરોને ફિક્સિંગના દૂષણથી દૂર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે એક રીતે સારા વકીલ જેવા છીએ. કોઈ વ્યક્તિની કોર્ટ સુધી આવવાની રાહ જુએ અને એ આવતાં જ તેનો કેસ પોતાના હાથમાં લેવા તેને જાળમાં ફસાવી લે તેને સારો વકીલ ન કહેવાય. સારો વકીલ તેને કહેવાય જે પોતાના અસીલને કોર્ટની માથાકૂટ અને માયાજાળથી દૂર રાખે. અમારી ઍન્ટિ-કરપ્શન યુનિટ આવું જ કામ કરે છે. હું કબૂલ કરું છું કે અમારી આ યુનિટ બધી ગેરરીતિઓ ટાળવામાં સફળ નથી થઈ અને આ કામ સ્ટિંગ-ઑપરેશનોએ કરી બતાડ્યું છે.’

આઇપીએલ અને સાઉથ આફ્રિકામાં ચાલતી ચૅમ્પિયન્સ લીગ જેવી વ્૨૦ ટુર્નામેન્ટોને કારણે ક્રિકેટમાં ફિક્સિંગનો ફેલાવો થઈ રહ્યો હોવાની લોકોમાં દહેશત ફેલાઈ છે એવા આઇસીસીના તાજેતરના અહેવાલ પછી હવે રિચર્ડસનના ફિક્સિંગ વિશેના વિધાનો ક્રિકેટ-સત્તાધીશોની વધેલી સતર્કતાનો સ્પષ્ટ સંકેત આપે છે.