વર્લ્ડ કપની યાદગાર અને ભૂલી જવી પડે એવી ક્ષણો

31 March, 2015 06:20 AM IST  | 

વર્લ્ડ કપની યાદગાર અને ભૂલી જવી પડે એવી ક્ષણો



યાદગાર ક્ષણો ઑસ્ટ્રેલિયા પાંચમી વખત વર્લ્ડ કપ જીત્યું અને કૅપ્ટન માઇકલ ક્લાર્કે શાનદાર ૭૪ રન કરીને વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને વિજય પોતાના ભૂતપૂર્વ સાથીખેલાડી સ્વ. ફિલ હ્યુઝને અર્પણ કર્યો.

પ્રથમ વખત વર્લ્ડ કપ રમનારી અફઘાનિસ્તાનની ટીમ ભલે ઑસ્ટ્રેલિયા સામે ૨૭૫ રનથી હારી ગઈ, પરંતુ એણે શ્રીલંકા અને બંગલા દેશ જેવી ટીમોને જોરદાર ટક્કર આપી હતી. પૂંછડિયા બૅટ્સમેનોની મદદથી શાપૂર ઝદરાને સ્કૉટલૅન્ડને હરાવીને જે રીતે મેદાનમાં દોટ મૂકી હતી એ દૃશ્ય પણ યાદગાર હતું. પોતાના ટૅટૂ અને બૅન્ડને કારણે હામિદ હસન પણ ઘણો જાણીતો બન્યો હતો.

મોટા કદનું બૅટ અને ફીલ્ડિંગના નિયમોને કારણે વર્લ્ડ કપ બૅટ્સમેનો માટે સ્વર્ગ સમાન સાબિત થયો હતો. ત્રણ વખત ૪૦૦ કરતાં વધુ રન થયા હતા. એક વખત ઑસ્ટ્રેલિયા તો બે વખત સાઉથ આફ્રિકાએ આ આંકડો પાર કર્યો હતો.

ભૂલી જવી પડે એવી ક્ષણો

પોતાના ગ્રુપમાં રહેલી ટેસ્ટ રમતા ચાર દેશોને હરાવવામાં નિષ્ફળ જતાં ઇંગ્લૅન્ડની ટીમ પહેલા રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગઈ હતી. સૌથી ખરાબ બંગલા દેશ સામેની હાર હતી. ઇંગ્લૅન્ડની ટીમ ૨૭૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ૨૬૦ રને ઑલઆઉટ થઈ હતી.

ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં પાકિસ્તાનના બોલર વહાબ રિયાઝ અને ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન શેન વૉટ્સન સામે દંડ લેવાના ICCના નિર્ણયની ઘણી ટીકા કરવામાં આવી હતી. વળી ખુદ ICCના અધ્યક્ષ મુસ્તફા કમાલે બંગલા દેશ સામેની મૅચમાં અમ્પાયરોના નિર્ણયની ટીકા કરી હતી તેમ જ ભારત સામેની હાર પૂર્વઆયોજિત હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

સ્ટાર ખેલાડીઓ નિષ્ફળ


ડેલ સ્ટેન અને વિરાટ કોહલી વર્લ્ડ કપમાં સૌથી સારું પ્રદર્શન કરશે એવું માનવામાં આવતું હતું, પરંતુ છેલ્લાં છ સપ્તાહ દરમ્યાન આ બન્ને ખેલાડીઓ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નહોતા. સ્ટેને આઠ મૅચમાં માત્ર ૧૧ વિકેટ લીધી. વળી ન્યુ ઝીલૅન્ડ સામેની સેમી ફાઇનલમાં તેણે ૭૬ રન આપ્યા હતા. એમાં છેલ્લી ઓવરમાં ગ્રાન્ટ એલિયટે મારેલી સિક્સર પણ સામેલ છે. કોહલીએ પાકિસ્તાન સામેની પહેલી મૅચમાં શાનદાર સદી સાથે શરૂઆત કરી, પરંતુ બાકીની મૅચમાં ૪૬ કરતાં વધુ રન નહોતો કરી શક્યો. ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી મૅચમાં તે ૧૩ બૉલમાં માત્ર ૧ રન કરીને આઉટ થયો હતો.