‘વચન આપો, વર્લ્ડ કપમાં તમારી ટીમને ભારત મોકલશોને?’

01 June, 2023 12:55 PM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

પીસીબીએ હાઇબ્રિડ મૉડલની જીદ પકડી છે એટલે પીસીબી પાસે ખાતરી મેળવવા આઇસીસીના અધિકારીઓ પાકિસ્તાન પહોંચ્યા

લાહોરમાં પીસીબીની હેડ ઑફિસમાં પીસીબીના ચૅરમૅન નજમ સેઠી સાથે આઇસીસીના અધ્યક્ષ ગ્રેગ બાર્કલે. તસવીર એ.એફ.પી.

આગામી ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનારા વન-ડેના વર્લ્ડ કપ માટે પાકિસ્તાન પોતાની ટીમની મૅચો માટે હાઇબ્રીડ મૉડલનો અમલ કરશે એવા સંકેતો મળતાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચૅરમૅન ગ્રેગ બાર્કલે અને સીઈઓ જ્યૉફ ઍલ્લાર્ડાઇસ લાહોર પહોંચી ગયા છે અને ત્યાં તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) પાસે એવું વચન માગી રહ્યા છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં વર્લ્ડ કપ બાબતમાં હાઇબ્રિડ મૉડલ નહીં અપનાવે.

ભારતે સપ્ટેમ્બરના એશિયા કપ માટે પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલવાનું નક્કી કર્યું છે. જોકે પાકિસ્તાને હાઇબ્રિડ મૉડલ સૂચવ્યું છે જેમાં એણે એવું કહ્યું છે કે ‘પાકિસ્તાન પોતાની મૅચો ઘરઆંગણે જ રમે અને ભારત પોતાની મૅચો ન્યુટ્રલ ગ્રાઉન્ડમાં રમે.’ પીસીબીનું એવું પણ કહેવું છે કે ભારત વિનાની પહેલી ચાર લીગ મૅચ અને એમાં પણ ખાસ કરીને પાકિસ્તાન-નેપાલ મૅચ લાહોરમાં રમાય અને ત્યાર પછીની મૅચો ન્યુટ્રલ ગ્રાઉન્ડ પર રમાય. જોકે ભારતને પાકિસ્તાનનું હાઇબ્રિડ મૉડલ સ્વીકાર્ય નથી અને બીસીસીઆઇનું એવું સૂચન છે કે આખી એશિયા કપ ટુર્નામેન્ટ શ્રીલંકામાં જ રમાય. બીજી તરફ, પીસીબી હાઇબ્રિડ મૉડલની હઠ પકડીને બેઠું છે અને ન્યુટ્રલ ગ્રાઉન્ડ તરીકે યુએઈને પસંદ કરે છે.

પાકિસ્તાને હાઇબ્રિડ મૉડલ માત્ર એશિયા કપ માટે સૂચવ્યું છે, પણ આઇસીસીને ડર છે કે જો એશિયા કપ માટે અપનાવાશે તો પાકિસ્તાન વર્લ્ડ કપ માટે પણ એ અપનાવવાની જીદ કરશે.
પીસીબીના ચૅરમૅન નજમ સેઠીએ થોડા દિવસ પહેલાં સાફ શબ્દોમાં કહ્યું કે ‘જો રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનના પ્રવાસે નહીં આવે તો અમે અમારી ટીમને વર્લ્ડ કપ માટે ભારત નહીં મોકલીએ.’

sports news sports indian cricket team cricket news world cup international cricket council