03 June, 2026 01:57 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અમદાવાદમાં IPL 2026 ફાઇનલ દરમ્યાન યોજાયેલી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની મીટિંગમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. હાલમાં ICCએ આ ફેરફાર વિશે જાહેરાત કરી છે. આ ફેરફાર આગામી ૧ ઑક્ટોબરથી લાગુ થશે.
ટેસ્ટ-મૅચમાં ઘણી વખત સાંજના સમયે ઓછા પ્રકાશને કારણે રેડ-બૉલ દેખાતો નથી. એના માટે ટેસ્ટ-મૅચમાં ખરાબ પ્રકાશને કારણે વેડફાતા સમયને બચાવવા માટે વચ્ચેથી પિન્ક બૉલથી રમવાની ટ્રાયલ ધોરણે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય બન્ને ટીમના કૅપ્ટન્સની મંજૂરીથી થશે.
મધ્યમ સ્તરના ઓછા પ્રકાશને કારણે રમતમાં અવરોધો ઘટાડવા માટે મૅચ અધિકારીઓ અને સ્ટેડિયમ માટે લાઇટિંગ ટેક્નૉલૉજીમાં સંશોધન શરૂ કરવામાં આવ્યું છે.
મૅચ અધિકારીઓ ગેરકાયદેસર બોલિંગ ઍક્શનની જાણ કરવાનું વિચારી રહ્યા હોય ત્યારે હૉક-આઇ ડેટાની ઍક્સેસ આપવામાં આવશે.
T20 મૅચની જેમ હવે લૉન્ગ ફૉર્મેટની મૅચોમાં પણ ડ્રિન્ક્સ-બ્રેક દરમ્યાન હેડ કોચ ખેલાડીઓને સલાહ આપવા મેદાન પર આવી શકશે.
T20 ઇન્ટરનૅશનલ મૅચની બે ઇનિંગ્સ વચ્ચેનો બ્રેક ૨૦ મિનિટથી ઘટાડીને ૧૫ મિનિટ કરવામાં આવ્યો છે.
T20 લીગોના વિસ્તરને કારણે નૅશનલ ટીમો વચ્ચેની દ્વિપક્ષીય ક્રિકેટ-સિરીઝ જોખમમાં મુકાય છે. ફ્રૅન્ચાઇઝ ક્રિકેટ અને ICCના ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ (FTP) સાથે સુમેળ સાધવા માટે એક સ્પેશ્યલ સમિતિની રચના કરવામાં આવશે.
ભ્રષ્ટાચાર અને શાસનભંગ બદલ ક્રિકેટ કૅનેડાને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જોકે તેઓ ICC ઇવેન્ટમાં ભાગ લઈ શકશે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડની ચૂંટણીઓનું અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડની વર્તમાન પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ICC અધિકારીઓને મોકલવામાં આવ્યા છે.
પાકિસ્તાનમાં આયોજિત વિમેન્સ T20 વર્લ્ડ કપ 2028 માટે ૧૨ ટીમોના ક્વૉલિફિકેશનની પ્રોસેસ, ICC મહિલા ચૅમ્પિયન્સ ટ્રોફી 2027 જૂન-જુલાઈને બદલે ૧૪થી ૨૮ ફેબ્રુઆરીમાં યોજવી અને ICC મહિલા ઇમર્જિંગ નેશન્સ ટ્રોફી 2026 પાંચ ફુલ મેમ્બર નેશન અને પાંચ અસોસિએટ નૅશનલ ટીમો વચ્ચે કરવાના નિર્ણયો પણ લેવાયા છે.