જૂન-જુલાઈથી ક્રિકેટમાં લાગુ થઈ રહી છે નવી પ્લેઇંગ કન્ડિશન્સ

02 June, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

DRSના નિયમોમાં પણ આગામી સમયમાં સુધારો થશે જેની વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. 

પ્રતીકાત્મક તસવીર

ICCએ તમામ દેશના ક્રિકેટ બોર્ડને જૂન-જુલાઈથી ક્રિકેટમાં લાગુ થઈ રહેલી નવી પ્લેઇંગ કન્ડિશન્સની માહિતી મોકલી છે. આ કન્ડિશન્સ આ જૂન મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ બાદ ટેસ્ટ-ફૉર્મેટમાં અને જુલાઈ ૨૦૨૫થી લિમિટેડ ઓવર્સના ફૉર્મેટમાં લાગુ થશે.

કન્કશન સબ્સ્ટિટ્યુટ ઃ ટીમોએ હવે મૅચ પહેલાં ઇન્જર્ડ પ્લેયર્સના રિપ્લેસમેન્ટ માટે પાંચ કન્કશન પ્લેયર્સ પસંદ કરવાના રહેશે - એક વિકેટકીપર, એક બૅટ્સમૅન, એક ફાસ્ટ બોલર, એક સ્પિનર ​​અને એક ઑલરાઉન્ડર. એનાથી કન્કશન સબ્સ્ટિટ્યુટના નિયમનો દુરુપયોગ ઘટશે અને સમાન ક્ષમતા ધરાવતા પ્લેયર્સ જ રિપ્લેસમેન્ટ તરીકે મેદાન પર ઊતરશે.

વન-ડે ઇનિંગ્સમાં હવે ૩૪ ઓવર સુધી બે બૉલનો ઉપયોગ કરી શકાશે, પરંતુ બાકીની ૧૬ ઓવર એક જ બૉલ પસંદ કરીને એનો ઉપયોગ કરવો પડશે. અત્યાર સુધી સંપૂર્ણ ઇનિંગ્સમાં બન્ને છેડેથી ૨૫-૨૫ ઓવર જુદા-જુદા બૉલનો ઉપયોગ થતો આવ્યો છે. આ ફેરફારનો હેતુ વન-ડેમાં રિવર્સ સ્વિંગ ફરીથી દાખલ કરવા અને બૅટ તથા બૉલ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો છે.

આ સિવાય બાઉન્ડરી કૅચ રેગ્યુલેશન્સ અને ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS)ના નિયમોમાં પણ આગામી સમયમાં સુધારો થશે જેની વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. 

sports news sports indian cricket team test cricket board of control for cricket in india cricket news