ભારતમાં ટેસ્ટ-સિરીઝ જીતવી ગમશે : સ્મિથ

09 April, 2020 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં ટેસ્ટ-સિરીઝ જીતવી ગમશે : સ્મિથ

સ્ટીવ સ્મિથ

સ્મિથનું કહેવું છે કે ભારતમાં ટેસ્ટ-સિરીઝ જીતવી તેને ગમશે. ઑસ્ટ્રેલિયાની ટીમ છેલ્લે ૨૦૦૫માં ભારતમાં ટેસ્ટ-સિરીઝ રમવા આવી હતી જેમાં તેમણે ચાર મૅચ જીતી હતી. એક વર્ષના પ્રતિબંધ બાદ સ્મિથે એશિઝ સિરીઝમાં કમબૅક કર્યું હતું અને શાનદાર ૭૭૪ રન બનાવ્યા હતા. ઇશ સોઢી સાથે વાત કરતાં સ્મિથે કહ્યું કે ‘ભારતમાં ટેસ્ટ જીતવી મને ગમશે. એક ઑસ્ટ્રેલિયન ક્રિકેટર તરીકે અમારા માટે એશિઝ અને વર્લ્ડ કપ વધારે મહત્ત્વના હોય છે, પણ ભારત વિશ્વમાં નંબર વન ટીમ છે. તેની સામે ટેસ્ટ મૅચ રમવી અઘરી છે માટે હું ઇચ્છીશ કે અમે તેમની સામે જીતીએ.’

આઇપીએલમાં જયસ્વાલ અને પરાગને રમતો જોવા ઉત્સુક સ્મિથ

સ્ટીવન સ્મિથ આઇપીએલની ૧૩મી સીઝનમાં યુવા પ્લેયરને રમતા જોવા ઘણો ઉત્સુક છે. ખાસ કરીને ઑલરાઉન્ડર રિયાન પરાગ અને બૅટ્સમૅન યશસ્વી જયસવાલને. ૧૭ વર્ષના પરાગે ગયા વર્ષે રાજસ્થાન રૉયલ્સ માટે રમી આઇપીએલમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. એ વખતે તેની બૅટિંગ અને બોલિંગ જોઈને સ્મિથ ઘણો ઇમ્પ્રેસ થયો હતો. આ વિશે વાત કરતાં સ્મિથે કહ્યું કે ‘૧૭ વર્ષના છોકરા પોતાના હાથમાં ટેડીબેર લઈને ફરતા હોય છે, પણ જ્યારે આ યુવા પ્લેયરને રમવાની આઝાદી આપવામાં આવી ત્યારે તેણે પોતાનું ટૅલન્ટ બતાવ્યું અને એ વાતની ખુશી તેના ચહેરા પરથી દેખાઈ આવતી હતી. તેણે જે પ્રમાણે બોલિંગ કરી એ પ્રમાણે મહેન્દ્ર સિંહ ધોની એ વખતે લગભગ આઉટ થઈ ચૂક્યો હતો. આવા યુવા પ્લેયરો સાથે રમવાની ઘણી મજા આવે છે. અન્ડર ૧૯ ટીમમાં સૌથી વધારે રન બનાવવામાં જયસ્વાલ સૌથી આગળ છે. તે એક ક્વૉલિટી પ્લેયર છે માટે ફિંગર ક્રૉસ. આ વર્ષે આઇપીએલ રમાય અને આ યુવાઓ સાથે ફરીથી રમવાની તક મળે તો સારું.’

શેન વૉર્ન બાદ જે ૧૨-૧૩ સ્પિનરો ટ્રાય કરવામાં આવ્યા એમાંનો એક હું પણ હતો : સ્ટીવન સ્મિથ

ઑસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથને આજે તેની શાનદાર બૅટિંગ માટે આપણે સૌ ઓળખીએ છીએ, પણ સ્મિથે પોતાના ટેસ્ટ-કરીઅરની શરૂઆત એક બૅટ્સમૅન તરીકે નહીં, પણ એક સ્પિનર તરીકે કરી હતી. ન્યુ ઝીલૅન્ડના સ્પીનર ઇશ સોઢી સાથે વાત કરતાં સ્મિથે કહ્યું કે ‘હું બોલર કરતાં વધારે એક બૅટ્સમૅન છું. હું ટીમમાં એક બોલર તરીકે સિલેક્ટ થયો હતો. મારી પહેલી બે ટેસ્ટ મૅચ હું સ્પેશ્યલિસ્ટ સ્પીનર તરીકે રમ્યો હતો. એ દિવસોમાં ઑસ્ટ્રેલિયન ટીમમાં શેન વૉર્નના રિટાયરમેન્ટ બાદ તેની ખાલી પડેલી જગ્યા માટે સ્પીનરની શોધ ચાલી રહી હતી. આજની તારીખમાં અમારી પાસે નેથન લાયન જેવા સારા સ્પીન બોલેરો છે, પણ એ સમયે વૉર્નની જગ્યાએ ૧૨-૧૩ સ્પીનરો ટ્રાય કરવામાં આવ્યા હતા તેમાંનો એક હું પણ હતો. જોકે પછીથી મને ડ્રૉપ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ મેં મારી બૅટિંગ પર વધારે કામ કરવાનું નક્કી કર્યું હતું. પહેલાં હું મારી બૅટિંગ અને બોલિંગમાં સરખો સમય આપતો હતો, પણ મને ડ્રૉપ કર્યા પછી મેં મારું ધ્યાન માત્ર મારી બૅટિંગને ડેવલપ કરવામાં લગાડી દીધું. ત્રણ કલાકના ટ્રેઇનિંગ સેશનમાં હું બેથી અઢી કલાક બૅટિંગ કરવામાં જ વિતાવવા લાગ્યો. હા, એ માટે મારે મારી મેથડ સુધારવી પડી અને એમાં સમય પણ લાગ્યો. ન્યુ સાઉથ વેલ્સ માટે હું મિડલ ઑર્ડરમાં પણ રમ્યો. જેમ-જેમ મારો કૉન્ફિડન્સ વધતો ગયો તેમ-તેમ હું સારા રન પણ બનાવતો ગયો અને ટીમમાં મારું સ્થાન બનાવતો ગયો.’

cricket news sports sports news steve smith