હૃતિક રોશન બન્યો FC પુણે સિટી ટીમનો નવો કો-ઓનર

10 October, 2014 06:18 AM IST  | 

હૃતિક રોશન બન્યો FC પુણે સિટી ટીમનો નવો કો-ઓનર




અત્યાર સુધી ઇન્ડિયન સુપર લીગ (ISL)ની આઠ ફ્રૅન્ચાઇઝી ટીમમાંથી રાજેશ વાધવાન ગ્રુપની માલિકીની પુણે ફ્રૅન્ચાઇઝીના કો-ઓનર તરીકે સલમાન ખાનનું નામ ચર્ચાતું હતું. જોકે ગઈ કાલે સલમાન ખાને સ્પષ્ટતા કરી હતી કે તે કોઈ ટીમમાં માલિક તરીકે સંકળાયો નથી. દરમ્યાન પુણે ટીમના માલિકોએ ગઈ કાલે હૃતિક રોશનને ‘ફૂટબૉલ ક્લબ (FC) પુણે સિટી’નો નવો કો-ઓનર બનાવ્યો હોવાની જાહેરાત મુંબઈમાં કરી હતી.

ISLની ટીમની ઓનરશિપ વિશે સ્પષ્ટતા કરતાં સલમાન ખાને ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘મારા મિત્રો ધીરજ તથા કપિલ વાધવાને મને ‘FC પુણે સિટી’ના માલિક બનવા માટે જણાવ્યું હતું, પરંતુ ISLના સ્પૉન્સર્સ સુઝુકી તથા થમ્સ અપ સાથે મારા કૉન્ટ્રૅક્ટ હોવાને કારણે હું ‘FC પુણે સિટી’ ટીમ સાથે જોડાઈ શકું એમ નહોતો. એમ છતાં હું નીતા અંબાણીના ફૂટબૉલને છેવાડાના લોકો સુધી લઈ જવાના આ વિઝનને મારું સમર્થન આપું છે.’

દરમ્યાન પુણે ટીમના કો-ઓનર બન્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપતાં હૃતિક રોશને કહ્યું હતું કે ‘ISL સાથેના આ જોડાણને હું મારું ગૌરવ સમજું છું. આ ભારતની પ્રથમ પ્રોફેશનલ ફૂટબૉલ ટુર્નામેન્ટ છે જે દેશના નવા ફૂટબૉલ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનું કામ કરશે.’

સલમાન ખાનને બદલે હૃતિક રોશનને નવો કો-ઓનર બનાવવા વિશે એવી ચર્ચાઓ ચાલતી હતી કે અભિષેક બચ્ચન, જૉન એબ્રાહમ તથા રણબીર કપૂર અનુક્રમે ચેન્નઈ, ગુવાહાટી તથા મુંબઈ જેવી પોતપોતાની ફ્રૅન્ચાઇઝી ટીમો માટે જેટલો સમય કાઢી શકે છે એટલો સમય સલમાન ખાન કાઢી શકતો નહોતો એટલે હૃતિક રોશનને પુણેની ટીમનો નવો કો-ઓનર બનાવવામાં આવ્યો હતો.