હું આવી જ એક્સાઇટિંગ જીત અપાવવાની તલાશમાં હતી : ઍશ ગાર્ડનર

18 March, 2023 07:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડરે અણનમ ૫૧ બનાવ્યા પછી બે વિકેટ લઈને ગુજરાતને બીજો વિજય અપાવ્યો

ઍશ ગાર્ડનરે ગુરુવારે છેલ્લી ઓવરના ચોથા બૉલમાં દિલ્હીની અંતિમ વિકેટ લીધી હતી. આશિષ રાજે

ગુરુવારે બ્રેબર્ન સ્ટેડિયમમાં ડબ્લ્યુપીએલની એક મહત્ત્વની મૅચમાં પૉઇન્ટ્સ-ટેબલની નંબર-ટૂ દિલ્હી કૅપિટલ્સની ટીમ ફક્ત ૧૧ રનના તફાવતથી હારી ગઈ એ માટે ગુજરાત જાયન્ટ્સની સાઉથ આફ્રિકન ઓપનર લૉરા વૉલ્વાર્ટ (૫૭ રન, ૪૫ બૉલ, એક સિક્સર, છ ફોર) તો કારણરૂપ હતી જ, ઑસ્ટ્રેલિયન  સ્પિન ઑલરાઉન્ડર ઍશ ગાર્ડનર વધુ ખતરારૂપ બની હતી અને છેવટે ગાર્ડનર જ ગુજરાતને  જિતાડીને રહી. ગાર્ડનરે ૩૩ બૉલમાં ૯ ફોરની મદદથી અણનમ ૫૧ રન બનાવ્યા હતા, એક કૅચ પકડવા ઉપરાંત તેણે બે વિકેટ પણ લીધી હતી અને દિલ્હીએ જે અંતિમ ઓવરમાં ૧૩ રન બનાવવાના હતા એમાં એક જ રન થઈ શક્યો હતો અને ગાર્ડનરે એમાં ચોથા બૉલમાં છેલ્લી વિકેટ લઈને દિલ્હીને પરાજય જોવડાવ્યો હતો.
ગુજરાત જાયન્ટ્સે ૪ વિકેટે ૧૪૭ રન બનાવ્યા પછી દિલ્હી કૅપિટલ્સની ટીમ ૧૮.૪ ઓવરમાં ૧૩૬ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી. પહેલાં વૉલ્વાર્ટ-ગાર્ડનરની ત્રીજી વિકેટ માટેની ૮૧ રનની પાર્ટનરશિપ અને પછી ગાર્ડનરની બે વિકેટ દિલ્હીની હાર માટે જવાબદાર હતી.
૮ માર્ચે બ્રેબર્નમાં બૅન્ગલોર સામે ૧૫ બૉલમાં ૧૯ રન બનાવ્યા બાદ ૩૧ રનમાં ત્રણ વિકેટ લઈને ગુજરાતને જિતાડવામાં મોટી ભૂમિકા ભજવનાર ઑલરાઉન્ડર ઍશ ગાર્ડનરે ગુરુવારની જીત પછી કહ્યું, ‘હું આવી જ એક્સાઇટિંગ મૅચ અને રોમાંચક જીતની તલાશમાં હતી. હું આ ટુર્નામેન્ટમાં સતત સારું નથી રમી શકી, પણ બોલિંગ બાદ હવે બૅટિંગથી પણ જીત અપાવી એ બદલ ખૂબ ખુશ છું. અમે પહેલી વાર હરીફ ટીમને ઑલઆઉટ કરી એટલે હું વધુ ખુશ છું.’
ગઈ કાલે ડબ્લ્યુપીએલમાં એક પણ મૅચ નહોતી રમાઈ. આજે બે મૅચ રમાશે, પરંતુ રવિવારે ફરી રેસ્ટ-ડે છે.

sports news sports cricket news australia