હું મારું બેસ્ટ ક્રિકેટ રોહિતના નેતૃત્વમાં રમ્યો છું : હાર્દિક

08 June, 2020 04:38 PM IST  |  Mumbai Desk | Agencies

હું મારું બેસ્ટ ક્રિકેટ રોહિતના નેતૃત્વમાં રમ્યો છું : હાર્દિક

હાર્દિક પંડ્યા

ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું કહેવું છે કે તે પોતાનું બેસ્ટ ક્રિકેટ મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માના નેતૃત્વમાં રમ્યો છે. ૨૦૧૫થી હાર્દિક રોહિતના નેતૃત્વમાં મુંબઈ ઇન્ડિયન્સમાં રમી રહ્યો છે.

આ વિશે વાત કરતાં હાર્દિકે કહ્યું કે ‘રોહિતના નેતૃત્વમાં રમવામાં મને સૌથી વધારે મજા આવે છે. તે એક સારો કૅપ્ટન છે. અમે ગેમ વિશે વધારે ચર્ચા નથી કરતા, પણ મેં મારા ક્રિકેટનાં સૌથી સારાં વર્ષો રોહિતની લીડરશિપમાં વિતાવ્યાં છે. જસપ્રીત બુમરાહની વાત કરું તો તે ઘણો ઠંડો અને નૉલેજેબલ માણસ છે. તે એક એવી વ્યક્તિ છે જેની સાથે કામ કરવું ગમે. અમે બન્નેએ સાથે મળીને ભારતની અનેક જીત ઊજવી છે.’

ઇયાન ચૅપલને લાગે છે પંડ્યાની હાજરીથી ભારતને ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મૅચમાં મદદ મળશે

ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન ઇયાન ચૅપલને લાગે છે કે હાર્દિક પંડ્યાની હાજરીથી ભારતને વર્ષના અંતે યોજાનારી ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મૅચમાં મદદ મળશે. પંડ્યાની હાજરીથી ભારતને બૅટિંગ અને બોલિંગ બન્ને ડિપાર્ટમેન્ટમાં લાભ થશે.

ઇયાન ચૅપલનું કહેવું છે કે ‘છેલ્લાં ત્રણ વર્ષમાં ટેસ્ટ ક્રિકેટ રમવાના ચાન્સ પંડ્યા માટે ઘણા વધી ગયા છે. રિષભ પંત છઠ્ઠા નંબરે બૅટિંગ કરવા આવતો હોવાથી પંડ્યાને સાતમા નંબરે ઉતારવામાં આવતો હતો. વર્ષના અંતે રમાનારી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મૅચમાં જો હાર્દિક અવેલેબલ હશે તો ભારતીય ટીમને એનો ફાયદો જરૂર મળશે. જ્યારે ટીમના લીડિંગ ફાસ્ટ બોલરને રેસ્ટની જરૂર હશે અને સામેવાળી ટીમ પર પ્રેશર બનાવી રાખવું હશે ત્યારે પંડ્યાનો સારો એવો ઉપયોગ કરી શકાશે.’

હાર્દિક પંડ્યા અત્યાર સુધી ૧૧ ટેસ્ટ મૅચ રમી ચૂક્યો છે જેમાં તેણે એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાનું પરાક્રમ કર્યું છે અને તેણે સેન્ચુરી પણ ફટકારી છે. ઑગસ્ટ ૨૦૧૮માં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી ટેસ્ટ ક્રિકેટ સિરીઝમાં તેણે ૫૩૨ રન કરીને ટોટલ ૧૭ વિકેટ લીધી છે.

sports news sports cricket news hardik pandya