23 December, 2025 12:11 PM IST | Gurugram | Gujarati Mid-day Correspondent
માસ્ટર્સ યુનિયન સંસ્થાના દીક્ષાંત સમારોહમાં રોહિત શર્મા
માસ્ટર્સ યુનિયન સંસ્થાના દીક્ષાંત સમારોહમાં રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું છે. ચીફ ગેસ્ટ તરીકે પોતાની સ્પીચ આપતી વખતે રોહિત શર્માએ કહ્યું હતું કે ‘૨૦૨૩ની વર્લ્ડ કપ ફાઇનલ પછી હું સંપૂર્ણપણે વિચલિત થઈ ગયો હતો અને મને લાગ્યું હતું કે હું હવે આ રમત રમવા નથી માગતો, કારણ કે એણે મારું બધું છીનવી લીધું હતું. મને લાગ્યું હતું કે મારી પાસે કાંઈ બચ્યું નથી.’
તેણે આગળ કહ્યું હતું કે ‘એ મારા માટે વ્યક્તિગત રીતે ખૂબ મુશ્કેલ સમય હતો, કારણ કે મેં એ વર્લ્ડ કપમાં બધું લગાવી દીધું હતું. ફક્ત બે કે ત્રણ મહિના પહેલાં નહીં, ૨૦૨૨માં મેં કૅપ્ટન્સી સંભાળી ત્યારથી મારું એકમાત્ર લક્ષ્ય વર્લ્ડ કપ જીતવાનું હતું, પછી ભલે એ T20 વર્લ્ડ કપ હોય કે 2023 વર્લ્ડ કપ. ૨૦૨૩ની વર્લ્ડ કપ ફાઇનલ પછી હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો અને મારા શરીરમાં કોઈ ઊર્જા બચી નહોતી. મને સ્વસ્થ થવામાં થોડા મહિના લાગ્યા હતા. ધીમે-ધીમે હું પોતાને યાદ કરાવતો રહ્યો હતો કે મેં શરૂઆતમાં ક્રિકેટ રમવાનું શા માટે શરૂ કર્યું હતું.’
રોહિત શર્માએ પોતાની ક્રિકેટ કરીઅરના ભવિષ્ય વિશે વાત કરી કે, શરૂઆતમાં મારું જીવન ખૂબ મુશ્કેલ હતું, પરંતુ એક વાર હું પ્લેનમાં ચડી ગયો પછી એ પ્લેન એવી ઊંચાઈએ પહોંચ્યું કે હજી સુધી નીચે નથી આવ્યું. હું નથી ઇચ્છતો એ પ્લેન જલદી લૅન્ડ થાય. હું ઉપર જ રહેવા માગું છું.