હું મારી અંદર વૉર્નરનું ભૂત લઈને ગયો હતો : અશ્વિન

22 May, 2022 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુક્રવારે રાતે ચેન્નઈ સામે રમાયેલી મૅચમાં રવિચન્દ્રન અશ્વિનની શાનદાર બૅટિંગ અને બોલિંગના દમ પર રાજસ્થાન પ્લે-ઑફ માટે ક્વૉલિફાય થઈ ગયું છે

હું મારી અંદર વૉર્નરનું ભૂત લઈને ગયો હતો : અશ્વિન

શુક્રવારે રાતે ચેન્નઈ સામે રમાયેલી મૅચમાં રવિચન્દ્રન અશ્વિનની શાનદાર બૅટિંગ અને બોલિંગના દમ પર રાજસ્થાન પ્લે-ઑફ માટે ક્વૉલિફાય થઈ ગયું છે. આ મૅચમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિનિંગ રન આવ્યા બાદ તેણે છાતી ઠોકીને ઉજવણી કરી હતી. મૅચ બાદ આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘મારી અંદર મેં ડેવિડ વૉર્નરના આત્માને પ્રવેશ આપ્યો હતો. હું રમતને સરખી રીતે સમજ્યો છું. હંમેશાં નવી-નવી વસ્તુ કરું છું. મારી પાસે વધુ પાવર નથી. આવી સ્થિતિમાં રાજામની અને ઝુબિન ભરૂચાને ક્રેડિટ જાય છે, જેઓ મને સમજ્યા. તેમને ખબર હતી કે હું દરેક મૅચમાં એકસરખી બૅટિંગ ન કરી શકું. તેમણે મને પ્રેરણા આપી હતી. મેં ઘણી પ્રૅક્ટિસ પણ કરી હતી. હું દરેક ટીમ માટે મારી શ્રેષ્ઠ રમત રમવા માગું છું. અમે પ્લે-ઑફમાં પહોંચતાં હું ઘણો ખુશ છું.’ 
શુક્રવારે રમાયેલી મૅચમાં તેણે ૪ ઓવર નાખી હતી, જેમાં ૭ના ઇકૉનૉમી રેટથી ૧ વિકેટ લીધી હતી. અશ્વિને ચેન્નઈના ઓપનર ડેવોન કૉન્વેને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો, તો બૅટિંગમાં તેણે ૨૩ બૉલમાં ત્રણ સિક્સર અને બે બાઉન્ડરીની મદદથી નૉટઆઉટ ૪૦ રન કર્યા હતા.

sports news cricket news rajasthan royals