‘હું હજી પણ ક્રિકેટ રમવાનો ભૂખ્યો છું’: જેમ્સ ઍન્ડરસન

11 August, 2020 12:31 PM IST  |  Southampton | Agencies

‘હું હજી પણ ક્રિકેટ રમવાનો ભૂખ્યો છું’: જેમ્સ ઍન્ડરસન

જેમ્સ ઍન્ડરસન

ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન રિટાયરમેન્ટ લઈ રહ્યો હોવાની વાતને તેણે ફગાવી દીધી છે. પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેને ફક્ત એક વિકેટ મળી હતી અને બીજી ઇનિંગમાં તેને એક પણ વિકેટ નહોતી મળી. આ વિશે વાત કરતાં જેમ્સ ઍન્ડરસને કહ્યું હતું કે ‘મારા માટે અંગત રીતે આ ખૂબમ ખરાબ અઠવાડિયું રહ્યું હતું. મેં સારી બોલિંગ નહોતી કરી અને હું રિધમ નહોતો મેળવી શક્યો. ૧૦ વર્ષમાં પહેલી વાર હું ફીલ્ડ પર ઇમોશનલ બની ગયો હતો. હું થોડો ફ્રસ્ટ્રેટ પણ થઈ ગયો હતો અને એની અસર પણ મારી બોલિંગ પર થઈ હતી. મને મારા શરૂઆતના દિવસો યાદ આવી ગયા હતા, જ્યારે તમે ગુસ્સે થાઓ અને સતત પ્રયત્ન કરતા રહો છતાં બોલિંગ સારી ન પડે.’

એક ખરાબ ગેમ પત્યા બાદ રિટાયરમેન્ટની વાતને ફગાવતાં ઍન્ડરસને કહ્યું કે ‘હું ઍશિઝ રમવા માગું છું. જોકે એ જ મારું ફોકસ નથી. મારાથી શક્ય હોય એટલું ક્રિકેટ હું રમવા માગું છું. ક્રિકેટ માટે હજી પણ હું ખૂબ ભૂખ્યો છું. આ અઠવાડિયે મેં જે પ્રમાણે બોલિંગ કરી એવી જ કરતો રહ્યો તો રિટાયરમેન્ટની તક મારા હાથમાંથી છીનવાઈ જશે, કારણ કે ત્યાર બાદ એ સિલેક્શન ઇશ્યુ બની જશે. દરેકની ગમે ત્યારે ખરાબ ગેમ જતી હોય છે. હું એને એ રીતે જ જોઉં છું. આગામી અઠવાડિયે મને ચાન્સ મળ્યો તો હું ફરી ખૂબ મહેનત કરીશ.’

james anderson cricket news sports news england pakistan