હું ક્રિકેટનો ભગવાન નથી : સચિન તેન્ડુલકર

12 November, 2014 06:02 AM IST  | 

હું ક્રિકેટનો ભગવાન નથી : સચિન તેન્ડુલકર




તેના પ્રશંસકો ભલે તેને ગૉડ ઑફ ક્રિકેટ કહેતા હોય, પરંતુ સચિન તેન્ડુલકરના મતે પોતે એક સામાન્ય વ્યક્તિ છે. ગઈ કાલે BBC સ્પોર્ટ્સ દ્વારા રજૂ કરાયેલા એક ઇન્ટરવ્યુમાં સચિને કહ્યું હતું કે ‘હું ક્રિકેટનો ભગવાન નથી. મેં મેદાનમાં ઘણી ભૂલો કરી છે. મને ક્રિકેટ રમવાનું ગમે છે, પરંતુ હું એક સામાન્ય સચિન છું અને એવો જ રહેવા માગું છું. મને લોકો પસંદ કરે છે એ મારું સદ્ભાગ્ય છે. ઈશ્વર મારા પ્રત્યે ઘણા દયાળુ રહ્યા છે.’

BBC રેડિયોને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે રિટાયર થયા પછીના જીવનને ઘણું વ્યસ્ત ગણાવતાં કહ્યું હતું કે ‘મને જીવનની બીજી બાજુ જોવા મળી છે. ૨૪ વર્ષ દરમ્યાન મેં માત્ર ક્રિકેટ પર જ ધ્યાન આપ્યું હતું. ૨૪ વર્ષ દરમ્યાન મારું એક સપનું હતું વલ્ર્ડ કપ જીતવાનું. મારા જીવનની સેકન્ડ ઇનિંગ્સ દરમ્યાન હું મને શુભેચ્છા આપનારા લોકો માટે કંઈક કરવા માગું છું.’

૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ચેન્નઈમાં ઇંગ્લૅન્ડ સામે મારેલી સદીને તેણે વિશેષ ગણાવી હતી, કારણ કે એનાથી લોકોને થોડા સમય માટે બીજું કંઈક વિચારવાનો સમય આપ્યો હતો. શું તારા વારસાને તારો દીકરો આગળ લઈ જશે એના જવાબમાં સચિને કહ્યું હતું કે ‘ક્રિકેટ તમારા હૃદયમાં હોવું જોઈએ. ત્યાર બાદ તે તમારા મગજમાં આવે છે. મારો પુત્ર પણ ક્રિકેટના પ્રેમમાં છે.’