બ્લૅક મૅન હોવા પર મને ગર્વ છે અને કોઈ મને નીચો પાડી શકે એમ નથી : ડૅરેન

29 August, 2020 10:29 AM IST  |  New Delhi | Agencies

બ્લૅક મૅન હોવા પર મને ગર્વ છે અને કોઈ મને નીચો પાડી શકે એમ નથી : ડૅરેન

ડૅરેન સમી

વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કૅપ્ટન ડૅરેન સમીનું માનવું છે કે જાતિવાદના મુદ્દા પર ચર્ચા થવી જરૂરી છે. મે મહિનાથી બ્લૅક લાઇવ્સ મૅટર્સ નામની પહેલ પણ ચાલી રહી છે. સમીનું કહેવું છે કે ‘જો કોઈ વિવાદ હોય અને એનાથી મારી ટીમ અથવા તો હું અસરગ્રસ્ત થઈશ તો એ વિશે હું મારો અવાજ ઊંચો કરીશ. કેટલાક લોકો બધાની સામે નથી બોલી શકતા અને જે લોકો સ્ટ્રૉન્ગ છે અને બોલી શકે છે તેમણે આગળ આવીને ન બોલી શકનાર વ્યક્તિનો અવાજ બનવો જોઈએ. મારા ખ્યાલથી આ મહત્વનો મુદ્દો છે જેના પર ચર્ચા થવી જરૂરી છે. સમાજમાં રંગભેદના મુદ્દાથી અનેક લોકો પરિચિત છે અને મારા મતે આ સમસ્યા દૂર થવી જરૂરી છે જેથી સૌકોઈને સમાનતાનો લાભ મળી શકે. આ તકલીફના નિવારણ માટે લોકોને એજ્યુકેશન આપવું જરૂરી છે. મેં આઇસીસીને પણ ઘણી વાર કહ્યું છે કે જે પ્રમાણે ઍન્ટિ કરપ્શન માટે કામ કરવામાં આવે છે એ પ્રમાણે ઍન્ટિ રેસિઝમ માટે પણ કામ થવું જોઈએ અને લોકોને તેમ જ પ્લેયરોને જાગ્રત કરવા જોઈએ.’

આઇપીએલ દરમ્યાન સમીને ‘કાલુ’ કહીને બોલાવવામાં આવતો હતો જે વાતની તેને જાણ થતાં તેને દુઃખ થયું હતું. આ વાતના સંદર્ભમાં સમીએ કહ્યું કે ‘મારા માટે આ પરિસ્થિતિ વિશે એ લોકો સાથે વાત કરવી જરૂરી છે જે લોકો મને જાણે છે. જો તેમને કોઈ તકલીફ હોય તો વાત કરીને એનો નિવેડો લાવવો જોઈએ, પણ હું જિંદગીમાં આગળ વધવામાં માનું છું. બ્લૅક મૅન હોવા પર મને ગર્વ છે અને કોઈ મને નીચો પાડી શકે એમ નથી. હું એમ નથી કહેતો કે કાળા માણસોને ઘણી સારી રીતે ટ્રીટ કરો, પણ તેમને પોતાના સમકક્ષ ગણો.’

darren sammy west indies cricket news sports news