સચિન કેમ નથી બની શકતો વેજિટેરિયન?

03 November, 2012 07:40 AM IST  | 

સચિન કેમ નથી બની શકતો વેજિટેરિયન?



સચિન તેન્ડુલકરે મુંબઈમાં ક્રિકેટ-નિષ્ણાત બોરિયા મજુમદારના ‘કુકિંગ ઑન ધ રન’ ટાઇટલવાળા પુસ્તકના લોકાર્પણ વખતે પત્રકારોને ક્રિકેટની નહીં, પણ પોતે સવાબે દાયકાની કરીઅરમાં માણેલી વિવિધ વાનગીઓની, રસોઈ બનાવવાના પોતાના શોખની અને સાથીપ્લેયરોને તેમ જ ફૅમિલી-મેમ્બરોને ચટાકેદાર ડિશ બનાવીને ખવડાવવાની વાતો કરી હતી. તેણે વેજિટેરિયન બનવાની પોતાની અધૂરી ઇચ્છા પણ વર્ણવી હતી. તેણે કહ્યું હતું કે ‘ઘણી વાર મેં વેજિટેરિયન બનવાની ખૂબ કોશિશ કરી, પણ બની જ નથી શક્તો. નાનપણથી નૉન-વેજ ફૂડ ખાતો આવ્યો છું એટલે એ છોડી નથી શકતો.’

૨૦૦૩ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મૅચ પહેલાં સચિન જમ્યો નહોતો અને માત્ર આઇસ-ક્રીમ ખાધા બાદ વસીમ અકરમ, વકાર યુનુસ અને શોએબ અખ્તર જેવા બોલરોનો તેણે સામનો કયોર્ હતો. ભારતે એ મૅચ ૨૬ બૉલ બાકી રાખીને ૬ વિકેટે જીતી લીધી હતી. સચિને એ મૅચમાં ૭૫ બૉલમાં ૯૮ રન બનાવ્યા હતા અને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવ્યો હતો. તેણે મૅચ પહેલાંની અને પછીની રસપ્રદ વાતો પણ ઇન્ટરવ્યુમાં કરી હતી.

સચિન કહે છે કે એક વાર તેણે અજય જાડેજાના ઘરે આખી ટીમ માટે રીંગણાનો ઓળો બનાવેલો

મને નૉન-વેજ ફૂડ અત્યંત પ્રિય છે, પણ વેજિટેરિયન વાનગીઓ પણ ખૂબ ભાવે છે. મેં ઘણી વાર શાકાહારી બનવાનો પ્રયત્ન કયોર્, પણ બની જ નથી શકતો. નાનપણથી માંસાહારી ખોરાક લેવાની આદત છે એટલે વેજિટેરિયન બનવું મારા માટે મુશ્કેલ છે. જોકે મારી દરેક થાળીમાં નૉન-વેજ ફૂડ હોય જ એવું નથી. ભાવતી શાકાહારી વાનગીઓ મળી જાય તો માત્ર એનાથી ચલાવી લઉં છું, કારણ કે આવો ખોરાક સ્વાસ્થ્યપ્રદ અને પચવામાં હલકો હોય છે અને એનાથી શરીર પણ હળવુંફૂલ રહે છે.

હું લાંબી વિદેશી સફરેથી પાછો આવું ત્યારે ઘરે વરણ ભાત (મહારાષ્ટ્રિયન પરિવારોમાં બનતાં દાળ-ભાત) અચૂક ખાઉં છું. વરણ ભાતમાં થોડું ઘી રેડવાનું અને લીંબુના થોડા ટીપાં નાખવાનું ક્યારેય ન ચૂકું. આવા ચટાકેદાર ભાત ખાવાની મજા જ જુદી છે.

પચીસ વર્ષથી વિવિધ દેશોની સફર કરું છું અને એમાં મેં બધા જ પ્રકારની વાનગીઓનો ટેસ્ટ કયોર્ છે. ક્યારેક ડાયટની પરવા કર્યા વિના મનગમતું ખાઈ લેવામાં હું માનું છું.

મને ચટાકેદાર વાનગીઓ ખાવા ઉપરાંત સાથીઓ માટે બનાવવાનો પણ શોખ છે. ૧૯૯૭માં દિલ્હીમાં અજય જાડેજાના ઘરે આખી ટીમે ડિનર માટે જવાનું હતું. જોકે હું અડધો કલાક વહેલો પહોંચી ગયો હતો અને મેં બધા માટે રીંગણાનો ઓળો બનાવ્યો હતો.

વાઇફ અંજલિને મારા હાથની ફિશ કરી ખૂબ ભાવે છે. મારા હાથના બનેલા ઝીંગા મસાલા પણ ટેસ્ટી હોય છે. એ હું મારી મમ્મી પાસેથી શીખ્યો છું. પુત્રી સારા અને પુત્ર અજુર્ન માટે હું ક્યારેક બ્રેકફાસ્ટ બનાવી દઉં છું.

મને ઇંગ્લૅન્ડ તેમ જ પાકિસ્તાનની વાનગીઓ ખૂબ ભાવે છે. પાકિસ્તાનના પ્રવાસે જતો ત્યારે વધુપડતું ન ખવાઈ જાય એનું ખાસ ધ્યાન રાખતો હતો.

મને જૅપનીઝ વાનગીઓ પણ ખૂબ ભાવે છે. ત્રણ વર્ષ પહેલાં હું સુરેશ રૈનાને એક જૅપનીઝ રેસ્ટોરાંમાં લઈ ગયો હતો. તેણે ત્યાર પછી જૅપનીઝ વાનગીઓ ખાધી હતી કે નહીં એ તો મને ખબર નથી, પણ એ રેસ્ટોરાંની ડિશ તેને ભાવી હતી.

હું, ઝહીર ખાન, અજિત આગરકર અને યુવરાજ સિંહ ઘણી વાર નવી-નવી રેસ્ટોરાંમાં જઈને ત્યાંની અનોખી વાનગીઓનો સ્વાદ માણીએ છીએ.

૨૦૦૦ની સાલમાં ભારતીય ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસ દરમ્યાન અમે બધા પ્લેયરો જંગલની સફરે ગયા હતા જ્યાં અમે જાતે બનાવેલું ભૂંજેલું ચિકન ખાધું હતું.

૨૦૦૩ની સાલમાં સાઉથ આફ્રિકાના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની યાદગાર જીતવાળી મૅચ પહેલાં બપોરે હું કંઈ જ નહોતો જમ્યો. માત્ર પેટ ભરીને આઇસ-ક્રીમ ખાધું હતું. બધા જમતાં હતા અને હું કાન પર હેડફોન લગાવીને ગીતો સાંભળતો હતો. અમ્પાયરો મેદાન પર ઊતર્યા ત્યારે હું હેડફોન કાઢીને સાથીઓ સાથે મેદાન પર ગયો હતો. એ મૅચ જીતી ગયા પછી અમે સેન્ચુરિયનના સ્ટ્રીટ-ફૂડની ભરપૂર મોજ માણી હતી.