બુમરાહનો કોયડો કઈ રીતે ઉકેલશે ભારતીય ટીમ?

02 October, 2022 06:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકા સામે આજે ઘરઆંગણે સિરીઝ જીતવાનો પડકાર, ટી૨૦ વર્લ્ડ કપ પહેલાંની તૈયારીમાં જવાબથી વધુ સવાલો ઊભા થયા

બુમરાહનો કોયડો કઈ રીતે ઉકેલશે ભારતીય ટીમ?

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થતાં ભારતીય ટીમની ટી૨૦ વર્લ્ડ કપની યોજના પર બહુ મોટી અસર પડી છે. આજે ગુવાહાટીમાં ભારત સાઉથ આફ્રિકા સામે બીજી ટી૨૦માં ટકરાશે ત્યારે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે ટી૨૦ સિરીઝ જીતવાનું દુર્લભ લક્ષ્યાંક પાર પાડવાનું ધ્યેય પણ હશે. તિરુઅનંતપુરમમાં મૅચ રમાઈ ત્યારે આસપાસનું વાતાવરણ ઘણું શાંત હતું, પરંતુ દુર્ગા પૂજાની ભીડ, ફ્લાયઓવરના કામકાજ અને ગુવાહાટીના ટ્રાફિકના જૅમથી ભારતીય ટીમ મૅનેજમેન્ટની હાલત પણ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ઑસ્ટ્રેલિયામાં બુમરાહ મહત્ત્વની ભૂમિકા ભજવશે એવી આશા હતી, પરંતુ પીઠના દુખાવાને કારણે તે ટી૨૦ વર્લ્ડ કપમાં નહીં રમી શકે એવી શક્યતા વધી ગઈ છે. વર્લ્ડ કપ પહેલાં ટીમની તૈયારી માટે સાઉથ આફ્રિકાની સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ એણે જવાબ કરતાં વધુ સવાલો ઊભા કર્યા છે.

શમીને મળશે તક?

ઈજાને કારણે ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજને ટીમમાં સમાવવામાં આવ્યા છે, પણ તેઓ વર્લ્ડ કપ માટેની ટીમમાં હાલમાં નથી. અનુભવી મોહમ્મદ શમી સ્ટૅન્ડ-બાય તરીકે વર્લ્ડ કપ માટેની ટીમમાં છે, પરંતુ સાઉથ આફ્રિકાની સિરીઝમાં નથી, કારણ કે તે કોવિડમાંથી સાજો થઈ રહ્યો છે, પરંતુ એના અનુભવને જોતાં ઑસ્ટ્રેલિયામાં તે રમશે એવી શક્યતા વધુ છે. ૧૬ ઑક્ટોબરની ઑસ્ટ્રેલિયા સામેની વૉર્મ-અપ મૅચ પહેલાં તેની પાસે થોડો સમય હશે. સાઉથ આફ્રિકાની સિરીઝમાં ટીમ માટે દીપક ચાહર છે, જેને વર્લ્ડ કપની સ્ટૅન્ડ-બાયમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેણે અર્શદીપ સિંહ સાથે મળીને સાઉથ આફ્રિકાની નવ રનની અંદર જ પાંચ વિકેટ ઝડપી લીધી હતી, પરંતુ ચાહર પણ ભુવનેશ્વર કુમારની જેમ સ્વિંગ બોલર છે, જેણે એશિયા કપ બાદ ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પણ સારા એવા રન આપ્યા હતા. બીજી તરફ હર્ષલ પટેલ પણ છે. જોવાનું એ છે કે તેઓ આ કોયડાને કઈ રીતે ઉકેલે છે.

અક્ષરનું સ્થાન નિશ્ચિત

સ્પિન ડિપાર્ટમેન્ટમાં હાલત પ્રમાણમાં સારી છે. રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થતાં અક્ષર પટેલે આ તક ઝડપી લીધી છે. ઑસ્ટ્રેલિયા સામે તેણે સૌથી વધુ ૮ વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકા સામે પણ તે રવિચન્દ્રન અશ્વિન સાથે બોલિંગ કરી રહ્યો છે. રોહિતે કહ્યું હતું કે હું એને બૅ​ટિંગ કરતો પણ જોવા માગું છું. બૅટિંગ ડિપાર્ટમેન્ટમાં વિરાટ કોહલી અને લોકેશ રાહુલે પણ ફોર્મ મેળવતાં આ ડિપાર્ટમેન્ટ પણ સ્થિર જણાય છે. મિડલ ઑર્ડરમાં રૂષભ પંત અને દિનેશ કાર્તિકને સમય જ ઓછો મળે છે.

બવુમાની ટીમનો સંઘર્ષ

જો ભારત આજની મૅચ જીતશે તો પહેલી વખત ઘરઆંગણે સાઉથ આફ્રિકાને ટી૨૦ સિરીઝમાં હરાવવાનું શ્રેય મેળવશે, પરંતુ હાલ એનું વધારે મહત્ત્વ રહ્યું નથી. સાઉથ આફ્રિકાની ટીમ હંમેશાં 
વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન કરે છે, એ વાતમાં હવે કોઈ નવાઈ નથી. છેલ્લે ૨૦૧૬માં તેઓ સેમી ફાઇનલમાં પ્રવેશ્યા હતા. તો ૨૦૨૧માં નૉકઆઉટમાં પણ પ્રવેશ્યા નહોતા. 

કોચ દ્રવિડને આશા, જસપ્રીત વર્લ્ડ કપમાં રમશે

ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે ‘ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહ હાલ નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં છે તેમ જ ટીમ મૅનેજમેન્ટ અધિકારીક રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે ત્યાં સુધી અમે તે વર્લ્ડ કપમાં રમશે એવું માની રહ્યા છીએ.’ ૨૮ વર્ષનો ખેલાડી પીઠમાં થયેલી ઈજાને કારણે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. વળી તે ટી૨૦ વર્લ્ડ કપમાં પણ નહીં રમે એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દ્રવિડે કહ્યું હતું કે ‘હું મેડિકલ રિપોર્ટમાં ઊંડાણપૂર્વક જતો નથી, પરંતુ નિષ્ણાતોની વાતો પર ધ્યાન રાખું છું. તેઓ મને કહેશે કે શું છે?’ 

sports news cricket news indian cricket team