હનીમૂન ક્રિકેટ ઇલેવનમાં ૭ પ્લેયરો સામેલ, ૪ બાકી

15 November, 2011 10:20 AM IST  | 

હનીમૂન ક્રિકેટ ઇલેવનમાં ૭ પ્લેયરો સામેલ, ૪ બાકી



કલકત્તા: ટીમ ઇન્ડિયાનો ઑફ સ્પિનર અને ટેસ્ટ ટીમનો નવો સ્ટાર રવિચન્દ્રન અશ્વિન લગ્ન કરી લીધા પછી થોડા જ સમયમાં મેદાન પર રમવા ઉતરી આવ્યો હોય એવો ગઈ કાલે વિશ્વનો સાતમો પ્લેયર બન્યો હતો.

અશ્વિને ચેન્નઈમાં જ રહેતી પ્રીતિ નારાયણન સાથે રવિવારે ચેન્નઈમાં લગ્ન કર્યા હતા. બન્ને એકમેકને નાનપણથી જ ઓળખતા હતા. તેમણે મૅરેજના આગલા દિવસે (શનિવારે) યોજેલા રિસેપ્શનમાં તેમના પરિવારજનો તેમ જ ખાસ મિત્રોએ હાજરી આપી હતી. અશ્વિનના પહેલાં ૨૮ ઑક્ટોબરે ગૌતમ ગંભીરે દિલ્હીમાં લગ્ન કર્યા હતાં.

કયા પ્લેયરો હનીમૂનના પિરિયડ દરમ્યાન ક્રિકેટ રમ્યા?

ડૉન બ્રૅડમૅન : ઑસ્ટ્રેલિયાના આ મહાન ક્રિકેટરના એપ્રિલ ૧૯૩૨માં લગ્ન થયા હતા. જોકે મૅરેજ પછી પત્ની જેસી મેન્ઝિસ સાથે તેઓ હનીમૂનની ટૂર પર જવાને બદલે થોડા જ દિવસમાં એક પ્રાઇવેટ ટીમ સાથે રમવા અમેરિકા તથા કૅનેડાના પ્રવાસે ગયા હતા. જોકે તેઓ એ પ્રવાસમાં વાઇફ જેસીને પોતાની સાથે લઈ ગયા હતા અને એ ટૂરને તેમણે હનીમૂન ટૂર ગણી હતી.

ક્લાઇડ બટ્સ : વેસ્ટ ઇન્ડીઝના ૫૪ વર્ષની ઉંમરના ક્લાઇડ બટ્સ અત્યારે કૅરિબિયન ટીમના સિલેક્ટર છે. તેઓ ૧૯૮૫માં કરીઅરની પ્રથમ ટેસ્ટમૅચ ન્યુ ઝીલૅન્ડ સામે રમ્યા હતા. યોગાનુયોગ તેમણે અગાઉથી નક્કી કરી રાખેલા પોતાના લગ્ન મૅચની શરૂઆતના શનિવારે જ હતા, પરંતુ આ મૅચથી જ પોતાને કરીઅર શરૂ કરવા મળે એવું હતું એટલે તેમણે લગ્ન બે દિવસ મુલતવી રાખીને ટેસ્ટના રેસ્ટ ડેને દિવસે રાખ્યા હતા.

ઍન્દ્રે નેલ : સાઉથ આફ્રિકાના આ પેસબોલરે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટમૅચના ત્રીજા દિવસે મૅરેજ કર્યા હતા. એ દિવસની રમત પછી સાઉથ આફ્રિકન ટીમે પોતાની બસ નેલના લગ્નસમારંભના સ્થળે લઈ જવી પડી હતી જ્યાં સાઉથ પ્લેયરો બે કલાક સુધી હાજરી આપીને હોટેલ પર પાછા આવ્યા હતા.

રાહુલ દ્રવિડ : ભારતીય ટીમના આ મુખ્ય ટેસ્ટબૅટ્સમૅને ૨૦૦૩ના માર્ચમાં સાઉથ આફ્રિકામાં વર્લ્ડ કપ પૂરો થયા બાદ એપ્રિલમાં નાગપુરની ડૉ. વિજેતા પેંઢારકર સાથે લગ્ન કર્યા હતા. જોકે હનીમૂન માટે તે વિજેતા સાથે સ્કૉટલૅન્ડ ગયો હતો જ્યાં તે સ્કૉટલૅન્ડની ટીમ વતી થોડી મૅચો રમ્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોની : આ ભારતીય કૅપ્ટને ૪ જુલાઈ ૨૦૧૦ના દિવસે દેહરાદૂન નજીકના એક રિસોર્ટમાં સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા હતા અને હનીમૂન પર જવાનું મુલતવી રાખીને ૧૮ જુલાઈએ ધોની શ્રીલંકાના ગૉલમાં શ્રીલંકા સામેની ટેસ્ટમૅચમાં રમ્યો હતો.

ગૌતમ ગંભીર : આ ભારતીય ઓપનર ૨૮ ઑક્ટોબરે દિલ્હીમાં એ જ શહેરના એક જાણીતા બિઝનેસમૅનની પુત્રી નતાશા જૈન સાથે લગ્નગ્રંથિથી જોડાયો હતો. બીજા દિવસે તે કલકત્તામાં ઇંગ્લૅન્ડ સામેની એકમાત્ર વ્૨૦ મૅચમાં તો નહોતો રમ્યો, પરંતુ હનીમૂનની ટૂર પર જવાનું ટાળીને ૬ તારીખે તે દિલ્હીમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટથી પાછો રમવા આવી ગયો હતો.

રવિચન્દ્રન અશ્વિન : ટીમ ઇન્ડિયાની સ્પિન-બ્રિગેડના આ ઊભરતા બોલરના જેવો કિસ્સો કોઈનો નથી. ચેન્નઈમાં શનિવારે એટલે લગ્નના આગલા દિવસે તેના અને પ્રીતિ નારાયણનના મૅરેજનું રિસેપ્શન યોજાયું હતું, રવિવારે ચેન્નઈમાં હિન્દુ વિધિથી તેમના લગ્ન થયા હતા, રવિવારે સાંજે આ નવદંપતી કલકત્તા આવી ગયું હતું અને ગઈ કાલે સવારે ૯.૦૦ વાગ્યે અશ્વિન વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમૅચ રમવા ઈડન ગાર્ડન્સના મેદાન પર આવી ગયો હતો.

સચિન આ સ્પેશ્યલ ઇલેવનમાં કેમ નહીં?

સચિન તેન્ડુલકરે ૧૯૯૫ની ૨૪ મેએ ડૉ. અંજલિ મહેતા સાથે લગ્ન કર્યા હતાં. જોકે બન્નેએ હનીમૂન માણ્યું હતું અને ત્યાર બાદ સચિન ઇન્ટરનૅશનલ મૅચ છેક ૧૯૯૫ની ૧૮ ઑક્ટોબરના દિવસે રમ્યો હતો. બૅન્ગલોરમાં ન્યુઝીલૅન્ડ સામેની એ ટેસ્ટમૅચ ભારત જીતી ગયું હતું.