હૉકી ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

12 December, 2014 05:34 AM IST  | 

હૉકી ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો


ભારતીય હૉકી ટીમે ગઈ કાલે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં બેલ્જિયમને ૪-૨થી હરાવીને ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે શનિવારે સેમી ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ગઈ કાલે થયેલી મૅચમાં શરૂઆતમાં પાછળ રહેનારી ભારતીય હૉકી ટીમે કમબૅક કરતાં બેલ્જિયમના બે ગોલના જવાબમાં બે ગોલ કરીને બરાબરી કરી હતી. ત્યાર બાદ લીડ વધારતાં બે વધુ ગોલ કર્યા હતા. અંતિમ દસ મિનિટ દરમ્યાન બેલ્જિયમના ખેલાડીઓએ ગોલ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ ગોલ કરી શક્યા નહોતા.

ગઈ કાલની જીતને કારણે હૉકીના સમર્થકો ઘણા ખુશ છે. આ અગાઉ રમાયેલી ત્રીજી મૅચમાં ભારતે નેધરલૅન્ડ્સને ૧૮ વર્ષ બાદ ૩-૨થી હરાવ્યું હતું. બીજી તરફ પાકિસ્તાને પણ પોતાની ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં નેધરલૅન્ડ્સને ૪-૨થી હરાવીને પહેલાં જ સેમી ફાઇનલમાં પ્રવેશ પાકો કરી લીધો હતો. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી સેમી ફાઇનલ મૅચ ઘણી હાઈ-વૉલ્ટેજ હશે. બીજી સેમી ફાઇનલ ઑસ્ટ્રેલિયા તથા જર્મની વચ્ચે રમાશે.