ઍબૉટ કદાચ ફરી ક્રિકેટ ન પણ રમે : ઇરફાન પઠાણ

30 November, 2014 05:28 AM IST  | 

ઍબૉટ કદાચ ફરી ક્રિકેટ ન પણ રમે : ઇરફાન પઠાણ




હરિત જોશી

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ર્બોડના CEO જેમ્સ સધરલૅન્ડે ફિલ હ્યુઝ સામે જીવલેણ બાઉન્સર નાખનાર શા: ઍબૉટે રાખેલી ધીરજની પ્રશંસા કરી હતી. જોકે ભારતના ઑલરાઉન્ડર ઇરફાન પઠાણને ડર છે કે ઑસ્ટ્રેલિયન મિડિયમ પ્રેસર કદાચ ફરી ક્યારેય ક્રિકેટ નહીં રમે.

અગ્નિપરીક્ષા

 એક પ્રમોશનલ ઇવેન્ટ માટે મુંબઈ આવેલા ઇરફાન પઠાણે ગઈ કાલે ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘એવી ઘણી બાબતો છે જે ઍબૉટને ફરી રમતો રોકશે. આ ભયાનક બનાવ બાદ કમબૅક કરવા માટે માનસિક રીતે ઘણા મજબૂત હોવું જરૂરી છે. એ એક અગ્નિપરીક્ષા છે. ક્રિકેટમાં આવું જવલ્લે જ બન્યું છે. એને માટે આ સરળ નહીં હોય.’

ઇરફાન પઠાણ ટીમ ઇન્ડિયામાં પાછો આવવા માટે ભારે મહેનત કરી રહ્યો છે. તેણે ૨૦૦૪માં બનેલા એક બનાવને યાદ કરતાં કહ્યું હતું કે ‘ઝિમ્બાબ્વેના એક બૅટ્સમૅન માર્ક વમ્યુર્લનના માથામાં મારો બૉલ વાગ્યો હતો. એ બનાવ બાદ હું ધ્રૂજી ઊઠ્યો હતો. હું એવી પ્રાર્થના કરતો હતો કે તેની આંખો ખરાબ ન થાય. મારા ઝિમ્બાબ્વેના એક મિત્ર થકી હું તે સાજો થયો કે નહીં એની તપાસ કરતો રહેતો હતો.’

ઍબૉટને ઘણો આઘાત લાગ્યો હશે

ઇરફાન પઠાણે વધુમાં કહ્યું હતું કે ‘ઍબૉટના મગજમાં શું ચાલી રહ્યું હશે એ હું સમજી શકું છું. આવો બનાવ ભાગ્યે જ બનતો હશે. તેને આ આઘાતમાંથી બહાર આવવા માટે થોડો વધુ સમય આપવો જોઈએ. તેને ખબર પડશે કે જે થયું એમાં તેનો કોઈ વાંક નથી.’