હરમનપ્રીત કૌર બિગ બૅશની સર્વશ્રેષ્ઠ પ્લેયર

25 November, 2021 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ લીગમાં ભારત માટે સર્જાયો નવો ઇતિહાસ

હરમનપ્રીત કૌર

ઑસ્ટ્રેલિયામાં રમાતી મહિલાઓની બિગ બૅશ ટુર્નામેન્ટમાં ભારતની ટી૨૦ કૅપ્ટન હરમનપ્રીત કૌરે ભારત માટે નવો ઇતિહાસ સર્જ્યો છે. તે વિમેન્સ બિગ બૅશની પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ ઘોષિત થઈ છે. તેણે એ સાથે આશા વ્યક્ત કરી છે કે હવે ભારતમાં મહિલાઓની પણ આઇપીએલ શરૂ કરાશે એવી આશા પ્રબળ બની છે.
હરમનપ્રીતે આ વર્ષની બિગ બૅશમાં મેલબર્ન રેનેગેડ્સ વતી ૬૬.૫૦ની સરેરાશ અને ૧૩૫.૨૫ના સ્ટ્રાઇક-રેટ સાથે તેમ જ ત્રણ મૅચ-વિનિંગ હાફ સેન્ચુરીની મદદથી કુલ ૩૯૯ રન બનાવ્યા છે. તે આ ટીમની ટોચની રન બનાવનાર અને સૌથી વધુ ૧૫ વિકેટ લેનાર ખેલાડી છે. બે દિવસ પહેલાં જ તેનો સમાવેશ આ વખતની બિગ બૅશની ‘ટીમ ઑફ ધ ટુર્નામેન્ટ’માં સમાવેશ કરાયો હતો. તે આ વખતે ત્રણ વાર પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી છે અને અમ્પાયરોના મતદાનમાં તેને સૌથી વધુ ૩૧ વોટ મળ્યા હતા. તેને બીજા નંબરે આવેલી પર્થ સ્કૉર્ચર્સની બેથ મૂની અને સૉફી ડિવાઇનથી ત્રણ વધુ મત મળ્યા છે.

ઑસ્ટ્રેલિયન સ્પિનરની ૮ રનમાં પાંચ વિકેટ : નવો વિક્રમ

ઑસ્ટ્રેલિયામાં ૭ વર્ષથી રમાતી મહિલાઓની બિગ બૅશ ટી૨૦ ટુર્નામેન્ટમાં ઍડીલેડ સ્ટ્રાઇકર્સ ટીમની લેગ-સ્પિનર આમન્ડા-જેડ વૅલિંગ્ટને બ્રિસબેન હીટ્સ સામે ગઈ કાલે ફક્ત ૮ રનમાં પાંચ વિકેટ લઈને આ ટુર્નામેન્ટમાં નવો ઇતિહાસ સર્જ્યો હતો. ૪-૧-૮-૫ તેની બોલિંગ ઍનેલિસિસ હતી. હરીફોની આઠમાંથી પાંચ વિકેટ તેણે લીધી હતી. એ સાથે તેણે પોતાની ટીમને પ્લે-ઑફનો હિસ્સો ગણાતા ચૅલેન્જરમાં મોકલી હતી. બ્રિસબેન હીટે ૮ વિકેટે ૧૧૪ રન બનાવ્યા પછી ઍડીલેડ સ્ટ્રાઇકર્સે ૧૬.૩ ઓવરમાં બે વિકેટે ૧૧૮ રન બનાવ્યા હતા.

sports news cricket news