હાર્દિક-રાશિદની જોરદાર ફટકાબાજી

20 May, 2022 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅપ્ટન-વાઇસ કૅપ્ટને છેલ્લા ૧૫ બૉલમાં ફટકાર્યા ૩૬ રન

સુપર કૅચ ઃ ગઈ કાલે જૉશ હેઝલવુડની બોલિંગમાં ગ્લેન મૅક્સવેલે શુભમન ગિલનો ડાઇવ મારીને એક હાથે શાનદાર કૅચ પકડ્યો હતો.


ટીમ ઑફ ધ સીઝન ગુજરાત ટાઇટન્સે તેમની છેલ્લી લીગ મૅચમાં ગઈ કાલે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો સાહસભર્યો નિર્ણય લીધો હતો. કૅપ્ટન હાર્દિક પંડ્યા (અણનમ ૬૨, ૪૭ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ની કૅપ્ટન્સ ઇનિંગ્સના જોરે ગુજરાતે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૮ રન બનાવ્યા હતા. સામાન્ય શરૂઆત બાદ હાર્દિક અને ડેવિડ મિલર (૩૪) વચ્ચે ચોથી વિકેટ માટે ૪૭ બૉલમાં ૬૧ રનની અને છેલ્લે કૅપ્ટન-વાઇસ કૅપ્ટન હાર્દિક અને રાશિદ ખાન (અણનમ ૧૯, ૬ બૉલ, બે સિક્સર, એક ફોર) વચ્ચે માત્ર ૧૫ બૉલમાં અણનમ ૩૬ રનની પાર્ટનરશિપને લીધે ગુજરાત ૧૬૮ રનના ચૅલેજિંગ સ્કોર સુધી પહોંચી શક્યું હતું. હાર્દિકે સીઝનની ચોથી હાફ સેન્ચુરી ફટકારી હતી. 
પર્પલ કૅપ હસરંગાના શિરે
બૅન્ગલોર વતી હેઝલવુડે બે અને મૅક્સવેલ તથા વનિન્દુ હસરંગાએ ૧-૧ વિકેટ લીધી હતી. હસરંગાએ ડેવિડ મિલરનો પોતાની જ બોલિંગમાં વળતો શાર્પ કૅપ પકડીને પર્પલ કૅપ મેળવી હતી. સીઝનમાં હવે હસરંગા અને યુઝવેન્દ્ર ચહલની એકસરખી ૨૪ વિકેટ થઈ છે. 
હર્ષલની ઇન્જરી નડી
ગુજરાતે છેલ્લી બે ઓવરમાં ૩૪ રન કર્યા હતા. બૅન્ગલોરને તેના ડેથ-ઓવર સ્પેશ્યલિસ્ટ બોલર હર્ષલ પટેલની ગેરહાજરી વર્તાઈ હતી. હર્ષલ એક ઓવર નાખ્યા બાદ ઇન્જરીને લીધે મેદાન છોડીને જતો રહ્યો હતો. 

cricket news sports news