04 July, 2024 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરાયેલાં T20 ઑલરાઉન્ડર રૅન્કિંગ્સમાં હાર્દિક પંડ્યા ૨૨૨ રેટિંગ સાથે નંબર વન બની ગયો છે. તેણે બે સ્થાનની છલાંગ લગાવીને શ્રીલંકાના કૅપ્ટન વાનિન્દુ હસરંગાની બરાબરી કરી લીધી હતી. મેન્સ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર કોઈ ભારતીય ક્રિકેટર વર્લ્ડ નંબર વન T20 ઑલરાઉન્ડર બન્યો છે. T20 વર્લ્ડ કપ પહેલાં નંબર વન ઑલરાઉન્ડર રહેનાર અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીને સાધારણ પ્રદર્શનને કારણે ભારે નુકસાન થયું છે. તે ૨૦૫ રેટિંગ સાથે આ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે. જોકે તે હાલમાં વન-ડેનો નંબર-વન ઑલરાઉન્ડર છે અને રવીન્દ્ર જાડેજા હાલમાં ટેસ્ટ-ક્રિકેટમાં નંબર-વન ઑલરાઉન્ડરના સ્થાન પર બિરાજમાન છે.
ટીમ અને બૅટિંગ રૅન્કિંગ્સમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. બોલિંગમાં ઇંગ્લૅન્ડનો આદિલ રશિદ (૭૧૮) નંબર વન T20 બોલર છે. સાઉથ આફ્રિકાના એન્રિક નૉર્ખિયાએ ૭ સ્થાનની છલાંગ મારીને નંબર ટૂનું સ્થાન મેળવ્યું છે. આ લિસ્ટમાં અક્ષર પટેલ (૬૫૭) સાતમા અને કુલદીપ યાદવ (૬૫૪) ત્રણ સ્થાનની છલાંગ સાથે નવમા ક્રમે છે. ૧૨ સ્થાનની છલાંગ મારીને જસપ્રીત બુમરાહ (૬૪૦) બારમા ક્રમે અને અર્શદીપ સિંહ (૬૩૫) ચાર સ્થાનના ફાયદા સાથે તેરમા ક્રમે છે.