ભારતે ઇંગ્લૅન્ડને આસાનીથી હરાવ્યું : હરભજન મૅન ઑફ ધ મૅચ

24 September, 2012 03:07 AM IST  | 

ભારતે ઇંગ્લૅન્ડને આસાનીથી હરાવ્યું : હરભજન મૅન ઑફ ધ મૅચ



કોલંબો: T20ની શરૂઆત પહેલાંથી ભારતીય બોલિંગની ખૂબ ટીકા થતી હતી, પરંતુ ગઈ કાલે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ સામે ખાસ કરીને બોલરોએ ટીમ ઇન્ડિયાને ૯૦ રનથી શાનદાર જીત અપાવી હતી. હવે ભારતને રવિવારે ૨૦૦૯ના ચૅમ્પિયન પાકિસ્તાનને પણ હરાવવાનો મોકો મળશે.

ગઈ કાલે માત્ર ૧૨ રનમાં ૪ વિકેટ લેનાર હરભજન સિંહ આ મૅચનો હીરો હતો. જોકે ઇરફાન પઠાણે શરૂઆતની બે વિકેટ લઈને ભારતને જબરદસ્ત સ્ટાર્ટ અપાવ્યું હતું. ભારતે બૅટિંગ મળ્યાં પછી રોહિત શર્માના અણનમ પંચાવન રન, ગૌતમ ગંભીરના ૪૫ રન અને વિરાટ કોહલીના ૪૦ રનની મદદથી ૪ વિકેટે ૧૭૦ રન બનાવ્યા હતા. વીરેન્દર સેહવાગની ગેરહાજરીમાં ઇરફાન પઠાણને ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે ૮ રન બનાવી શક્યો હતો.

ઇંગ્લૅન્ડ ૧૪.૪ ઓવરમાં માત્ર ૮૦ રનના ટોટલ પર ઑલઆઉટ થયું હતું. પીયૂષ ચાવલાએ પણ બે વિકેટ લીધી હતી, જ્યારે ઝહીર ખાનને બદલે લેવામાં આવેલા અશોક ડિન્ડાને એક વિકેટ મળી હતી.

ક્રેગ કિઝવેટર (૩૫ રન, ૨૫ બૉલ, બે સિક્સર, ચાર ફોર) જેડ ડર્નબાક (૧૨ રન, ૭ બૉલ, બે ફોર) અને જૉસ બટલર (૧૧ રન, ૧૨ બૉલ, એક ફોર) સિવાય કોઈ પણ બૅટ્સમૅન ડબલ-ડિજિટમાં રન નહોતો બનાવી શક્યો.

ભજીએ ટ્રોફી મમ્મીને અર્પણ કરી

હરભજન સિંહે (૪-૨-૧૨-૪) ગઈ કાલે ભારતને જિતાડવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે મૅૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ સ્વીકાર્યા પછી કહ્યું હતું કે ‘લગભગ એક વર્ષે ભારત વતી પાછું રમવા મળ્યું અને પહેલી જ મૅચમાં આ અવૉર્ડ મળવાથી મને ઘણી ખુશી થઈ રહી છે. આ અવૉર્ડ હું મારી મમ્મીને અને મને સંઘર્ષના ટાઇમમાં સપોર્ટ કરનારાઓને અર્પણ કરું છું.’

ભારત-પાકિસ્તાન ટક્કર કેવી રીતે?

ગઈ કાલની પ્રથમ મૅચમાં ન્યુ ઝીલૅન્ડને હરાવીને પાકિસ્તાન ક્વૉર્ટર ફાઇનલમાં લગભગ પહોંચી ગયું હતું. આવતી કાલે પાકિસ્તાનને બંગલા દેશ જબરદસ્ત મોટા માર્જિનથી હરાવે તો જ પાકિસ્તાનને ક્વૉર્ટરથી વંચિત રાખી શકે. ન્યુ ઝીલૅન્ડ ગઈ કાલે એ રાઉન્ડમાં ઑલમોસ્ટ પહોંચી ગયું હતું.

રવિવારે સુપર એઇટ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. એ મૅચ પછીના દિવસે એટલે સોમવારે મહિલાઓના T20 વર્લ્ડ કપમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે.

વર્લ્ડ કપનું લેટેસ્ટ પૉઇન્ટ્સ-ટેબલ

ગ્રુપ

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

ભારત

+૨.૮૨૫

ઇંગ્લૅન્ડ

+૦.૬૫૦

અફઘાનિસ્તાન

-૩.૪૭૫

 

ગ્રુપ બી

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

ઑસ્ટ્રેલિયા

+૨.૧૮૪

વેસ્ટ ઇન્ડીઝ

-૧.૮૫૫

આયર્લેન્ડ

-૨.૦૯૨

 

ગ્રુપ સી

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

સાઉથ આફ્રિકા

+૩.૫૯૮

શ્રીલંકા

+૧.૮૫૨

ઝિમ્બાબ્વે

-૩.૬૨૪

 

ગ્રુપ ડી

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

ન્યુ ઝીલૅન્ડ

+૧.૧૫૦

પાકિસ્તાન

+૦.૬૫૦

બંગલા દેશ

-૨.૯૫૦

 

ઘણી મૅચોમાં વરસાદની આગાહી

T20 વર્લ્ડ કપમાં શનિવારની બન્ને મોટી મૅચો વરસાદને કારણે પૂરી ન રમાતાં આ ટુર્નામેન્ટ શ્રીલંકામાં ચોમાસાની મોસમમાં કેમ રાખવામાં આવી એ મુદ્દે આઇસીસીની ટીકા થઈ રહી છે. બીજી તરફ એવો અહેવાલ મળ્યો હતો કે ૭ ઑક્ટોબર સુધી ચાલનારા વર્લ્ડ કપની બીજી કેટલીક મૅચોમાં વરસાદને કારણે વિઘ્નો જોવા મળી શકે.

આઇસીસી = ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ