“ફિટનેસ માટે રામદેવને નહીં, વિરાટને ફૉલો કરું છું”

24 February, 2017 04:33 AM IST  | 

“ફિટનેસ માટે રામદેવને નહીં, વિરાટને ફૉલો કરું છું”



પુણેમાં દેશનો પહેલો સ્પોર્ટ્સ લિટરેચર ફેસ્ટિવલ ચાલી રહ્યો છે જેમાં સુનીલ ગાવસકર, વીરેન્દર સેહવાગ, વીવીએસ લક્ષ્મણ, શેન વૉર્ન જેવા દિગ્ગજ ક્રિકેટરો સાથે હભરજન સિંહ પણ સામેલ થયો છે. ભારતનો અનુભવી અને દિગ્ગ્જ સ્પિનર હરભજન મેદાન પરના તેના પ્રદર્શન ઉપરાંત મેદાન બહારની તેની મસ્તી માટે પણ ચર્ચામાં રહેતો હોય છે. ફેસ્ટિવલમાં સવાલ-જવાબના એક સેશન દરમ્યાન હરભજન સિંહે મસ્તીભર્યા જવાબો આપીને પ્રેક્ષકોને ખૂબ હસાવ્યા હતા.

હરભજન સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ૨૦૧૯ના વર્લ્ડ કપમાં રમતો જોવા માગે છે? જવાબમાં હરભજને પળવારનો પણ સમય લીધા વગર કહ્યું હતું કે ‘મારે પણ ૨૦૧૯ના વર્લ્ડ કપમાં રમવું છે. જો ધોની ટીમનો બૅકબોન રહ્યો હતો તો હું પણ ટીમનું એકાદ બોન તો રહ્યો જ હતો. હું ફિટનેસ પર ખાસ ધ્યાન આપી રહ્યો છું અને એ માટે વિરાટ કોહલીને અનુસરું છું. ફિટનેસ માટે લાકો બાબા રામદેવને ફૉલો કરે છે, પણ હું વિરાટને કરું છું. હું ૨૦૧૯નો વર્લ્ડ કપ રમવા તૈયાર છું. ધોની વિશે હું કંઈ ન કહી શકું. ભારતીય ટીમમાં ધોનીનું મોટું યોગદાન છે અને જો તે ૨૦૧૯માં ટીમમાં નહીં રમતો હોય તો પણ ટીમની ભલાઈ વિશે જ વિચારતો હશે.’

T20ની સફળતા બાદ ટેસ્ટ-ક્રિકેટનું સ્તર કથળ્યું

હરભજન સિંહ માને છે કે T20 ક્રિકેટ જેમ-જેમ લોકપ્રિય થઈ રહ્યું છે એમ-એમ ટેસ્ટ-ક્રિકેટનું સ્તર કથળતું જાય છે. હરભજને કહ્યું હતું કે ‘T20માં ટીમ ૧૦ ઓવરમાં ચારથી પાંચ વિકેટ ઝડપી લે છે અને વન-ડેમાં પણ એવી ઉમ્મીદ કરવામાં આવતી હોય છે. ટેસ્ટમાં બે વિકેટ લેવા ૩૦થી ૩૫ ઓવરની રાહ જોવી પડે છે. જોકે હવે T20 ટુર્નામેન્ટો વધુ ને વધુ લોકપ્રિય થઈ રહી છે અને એનું નુકસાન ટેસ્ટ-ક્રિકેટને થઈ રહ્યું છે.’