...અને વાનખેડેમાં ભજી ગુજરાતી યુવકને મારવા દોડ્યો

26 November, 2012 03:16 AM IST  | 

...અને વાનખેડેમાં ભજી ગુજરાતી યુવકને મારવા દોડ્યો



હરિત એન. જોશી

મુંબઈ, તા. ૨૬

વાનખેડે સ્ટેડિયમમાં રમાતી બીજી ટેસ્ટમૅચમાં ગઈ કાલે ઇંગ્લૅન્ડે ભારત સામે ૮૬ રનની લીડ લીધી અને એ સાથે ભારતીય ટીમ પ્રેશરમાં આવી ગઈ ત્યારે પૅવિલિયન તરફ સાથીઓ સાથે પાછો આવી રહેલો હરભજન સિંહ દિવેચા પૅવિલિયનના એક પ્રેક્ષક પર ગુસ્સે થઈને તેને મારવા દોડી ગયો હતો. સાથીપ્લેયરોએ છોડાવ્યા પછી ભજીએ નજીકમાં ઊભેલી પોલીસને ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસ પ્રેક્ષકને પોલીસ-સ્ટેશન લઈ ગઈ હતી.

મરીન લાઇન્સ પોલીસ-સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ આ પ્રેક્ષકનું નામ દિલીપ હરખચંદ વખારિયા હતું અને તેની ઉંમર ૪૨ વર્ષ છે. મલાડ (ઈસ્ટ)માં હાજી બાપુ રોડ પર રહેતા દિલીપને પોલીસે જોરદાર ઠપકો આપીને છોડી મૂક્યો હતો.

ઇંગ્લૅન્ડે પ્રથમ દાવમાં જે ૪૧૩ રન બનાવ્યા હતા એમાં છેક ૪૦૦ રનનો આંકડો પાર થયા પછી ભજીને પ્રથમ વિકેટ મળી હતી. સ્ટુઅર્ટ બ્રૉડના રૂપમાં મળેલી એ વિકેટ પછી તેણે જેમ્સ ઍન્ડરસનને આઉટ કર્યો હતો. જોકે એકંદરે ભજીને આ બે વિકેટ ૭૪ રનના ખર્ચે મળી હતી. ઇંગ્લૅન્ડની ઇનિંગ્સ પછી પાછા આવતી વખતે બાકીના ભારતીય પ્લેયરો ડ્રેસિંગરૂમની દિશામાં જઈ રહ્યા હતા, જ્યારે ભજી દિવેચા પૅવિલિયન તરફ અને મૅચ દરમ્યાન પોતાને ઉશ્કેરતી કમેન્ટ્સ કર્યા કરતા પ્રેક્ષક તરફ દોડ્યો હતો.

પ્રેક્ષકોએ શું કમેન્ટ્સ કરી?

મૅચનો આ અહેવાલ લખનાર સંવાદદાતાએ બે તોફાની પ્રેક્ષકોને ભજીની ફીલ્ડિંગ અને બોલિંગ વિશે આવું બોલતા સાંભળ્યાં હતા : એક પ્રેક્ષક બોલ્યો હતો, ‘તું અહીં આવીને કેમ બેસી નથી જતો? તું અહીં આવી જા, હું તારી જગ્યાએ ફીલ્ડિંગ કરવા ઊભો રહી જઈશ.’

બીજા પ્રેક્ષકે કમેન્ટ કરી હતી કે ‘ભજી વિકેટ લે... વિકેટ લે. ક્યા ડાલ રહા હૈ?’

પૅવિલિયન તરફ પાછા આવતી વખતે ભજીએ તે પ્રેક્ષકોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. તે તેમની તરફ દોડી ગયો હતો, પણ સાથીપ્લેયરો તેને સમજાવીને દૂર લઈ ગયા હતા.

ભજી દોડી ગયો પોલીસ પાસે

જોકે થોડી વાર પછી ભજી પોલીસ સાથે વાતચીત કરી રહેલો જોવા મળ્યો હતો. પોલીસે ભજી સાથેની વાતચીતના આધારે દિલીપ વખારિયાને ઓળખી કાઢ્યો હતો અને તેને મરીન લાઇન્સ પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જોકે એક કૉન્સ્ટેબલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રેક્ષકે ભજીને હલકો પાડતી કે તેને ઉતારી પાડતી કમેન્ટ નહોતી કરી. તેણે જાતિને લગતી ટકોર પણ નહોતી કરી એટલે તેને જાહેર સ્થળે વર્તન સારું રાખવાની કડક ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યો હતો.’

પોલીસ જેને પકડીને લઈ ગઈ હતી તે પ્રેક્ષકનો સાથી એવું બોલતો સાંભળવા મળ્યો હતો કે ‘ઇંગ્લૅન્ડના બૅટ્સમેનો સારું રમી રહ્યા હતા અને શરૂઆતથી સારી બોલિંગ ન કરી શકતો હોવાથી ભજી ખૂબ નારાજ હતો. તેણે પોતાનો ગુસ્સો અમારા પર કાઢ્યો હતો.’

ભજીની આ ૯૯મી ટેસ્ટમૅચ છે અને એમાં રવિવારે તે માત્ર બે પૂંછડિયાની વિકેટો લઈ શક્યો હતો.