બુમરાહે ભારત માટે જે કરી બતાવ્યું છે એને ભૂલી ન શકાય : શમી

16 February, 2020 11:40 AM IST  |  Hamilton

બુમરાહે ભારત માટે જે કરી બતાવ્યું છે એને ભૂલી ન શકાય : શમી

શમી અને બુમરાહ

મોહમ્મદ શમીનું કહેવું છે કે જસપ્રીત બુમરાહે ભારત માટે જે કર્યું છે એને નજરઅંદાજ ન કરી શકાય. ઇન્ડિયન ટીમ હાલમાં ન્યુ ઝીલૅન્ડ ઇલેવન સામે ત્રણ દિવસની પ્રૅક્ટિસ મૅચ રમી રહી છે. ગઈ કાલે બીજા દિવસે ભારતીય બોલરોએ ધમાકેદાર બોલિંગ કરીને ન્યુ ઝીલૅન્ડ ઇલેવનને પહેલી ઇનિંગમાં માત્ર ૨૩૫ રનમાં ઑલઆઉટ કરી દીધા હતા. ન્યુ ઝીલૅન્ડનો કોઈ પણ પ્લેયર પહેલી ઇનિંગમાં હાફ સેન્ચુરી કરી શક્યો નહોતો પણ હેન્રી કૂપરે સૌથી વધારે ૪૦ રન બનાવ્યા હતા. ઇન્ડિયન ટીમ વતી સૌથી વધારે વિકેટ મોહમ્મદ શમીને મળી હતી જેણે ૧૦ ઓવરમાં ૧૭ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. આ ૧૦ ‍ઓવરમાં તેની પાંચ ઓ‍વર મેઇડન હતી. જસપ્રીત બુમરાહે પણ આ પ્રૅક્ટિસ-મૅચમાં બે વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. તેણે ૧૧ ઓવરમાં ૧૮ રન આપ્યા હતા, જેમાં ત્રણ ઓવર મેઇડન રહી હતી. ઈજા બાદ મૅચમાં કમબૅક કરનારા બુમરાહને ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં એક પણ વિકેટ મળી નહોતી જેને લીધે સોશ્યલ મીડિયામાં તેની ટીકા થઈ રહી હતી. તેનો બચાવ કરતાં શમીએ કહ્યું હતું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોમાં વન-ડેમાં બુમરાહ જે મૅચ-વિનિંગ પારી રમ્યો હતો એને કઈ રીતે ભૂલી શકાય? લોકો તેના વિશે જે વાત કરે છે એ હું સમજી શકું છું, પણ બે-ચાર ગેમમાં પર્ફોર્મ ન થઈ શકે એટલે કાંઈ આપણે એ પ્લેયરની મૅચ-વિનિંગ ક્ષમતાને ભૂલી ન શકીએ. ભારત માટે બુમરાહે જે મેળવી આપ્યું છે એને તમે નજરઅંદાજ ન કરી શકો. આ બાબતને જો તમે પૉઝિટિવ વિચારશો તો પ્લેયર માટે પણ એ સારી વાત છે અને તેનામાં કૉન્ફિડન્સ આવે એ અલગ.’

mohammed shami jasprit bumrah cricket news sports news