યશ કંટારિયાએ ચાર ગોલ ફટકારીને પોતાની સ્કૂલની ટીમને જિતાડી દીધી

05 October, 2012 05:12 AM IST  | 

યશ કંટારિયાએ ચાર ગોલ ફટકારીને પોતાની સ્કૂલની ટીમને જિતાડી દીધી



સુંદરી ઐયર

મુંબઈ, તા. ૫

માટુંગાના ડૉન બૉસ્કો ગ્રાઉન્ડ પર ચાલી રહેલી બૉય્ઝ અન્ડર-૧૪ ડિવિઝન-ફોર ઇન્ટર સ્કૂલ ફૂટબૉલ ટુર્નામેન્ટમાં ગઈ કાલે ગુજરાતી બૉય યશ કંટારિયા છવાઈ ગયો હતો. આઠમા ધોરણમાં ભણતા ૧૩ વર્ષના યશે એકલાહાથે પહેલી વાર રમી રહેલી તેની દાદરની સ્કૂલની ટીમ નાનક હાઈ સ્કૂલને ગ્રાન્ટ રોડની સ્કૂલ બ્રાઇટ સ્ટાર્ટ સામે એકતરફી જીત અપાવી હતી. નાનક સ્કૂલે ૫-૦થી મેળવેલી જીતમાં યશે ચાર ગોલ ફટકાર્યા હતા.

૧૫ મિનિટમાં ૩ ગોલ

દાદરમાં રહેતા અને રોહિદાસ વંશી સોરઠિયા જ્ઞાતિના યશે ગઈ કાલે ૧૫ મિનિટમાં ૩ ગોલ ફટકારીને હરીફ ટીમને સ્તબ્ધ કરી દીધી હતી. મૅચની પાંચમી જ મિનિટમાં યશે પહેલો ગોલ ફટકાર્યો હતો, નવમી મિનિટમાં બીજો અને ત્યાર બાદ ત્રીજો એમ ઉપરાઉપરી ૩ ગોલ ફટકાર્યા હતા. ચોથો ગોલ તેણે મૅચની અંતિમ ક્ષણોમાં ફટકાર્યો હતો.

આખી ટીમ જીતની હકદાર

યશે જોકે જીતનું શ્રેય પોતાની ટીમને આપ્યું હતું અને કહ્યું હતું કે ‘મારી ટીમના ખેલાડીઓએ મને યોગ્ય સમયે ગોલ પાસ કરીને ગોલ કરવાની તક તૈયાર કરી આપી હતી અને એથી જ હું આટલા ગોલ કરી શક્યો હતો. આથી મારી સાથે તેઓ બધા પણ એટલા જ આ જીતના હકદાર છે. મેં આ પહેલાં ક્યારેય કોઈ મૅચમાં ચાર ગોલ નહોતા કર્યા. હું ખૂબ ખુશ છું.’