અમદાવાદના ૧.૩૨ લાખ પ્રેક્ષકોને ખુશ કરવા આવી ગઈ ગુજરાતની ડૅશિંગ ત્રિપુટી

26 May, 2022 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્દિક, મિલર અને રાશિદે ગુજરાત ટાઇટન્સને પહોંચાડી દીધી ટાઇટલની લગોલગ

મંગળવારે કલકત્તામાં દિલધડક મુકાબલો જીત્યા બાદ (ડાબેથી) ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન. બીસીસીઆઇ / આઇપીએલ

મંગળવારે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં આઇપીએલની નવી, લીગ રાઉન્ડની નંબર-વન તેમ જ સૌથી ઓછા સુપરસ્ટાર્સ હોવા છતાં નવો ઇતિહાસ સર્જવાની તૈયારી કરી રહેલી ગુજરાત ટાઇટન્સ ટીમને લીગ રાઉન્ડમાં મોટા ભાગે મોખરે જાળવી રાખવામાં મુખ્ય બોલર મોહમ્મદ શમી, ઓપનર શુભમન ગિલ, મૅચ-ફિનિશર રાહુલ તેવતિયા, વિકેટકીપર-બૅટર વૃદ્ધિમાન સાહા તેમ જ અન્ય બોલર્સ યશ દયાલ, લૉકી ફર્ગ્યુસન અને અલ્ઝારી જોસેફનાં મહત્ત્વનાં યોગદાનો હતાં, પરંતુ પરમ દિવસની પ્રથમ પ્લે-ઑફ (ક્વૉલિફાયર-વન)માં ટીમના ટોચના ત્રણ ખેલાડીઓ કૅપ્ટન હાર્દિક પંડ્યા, પિંચ-હિટર ડેવિડ મિલર અને ઑલરાઉન્ડર રાશિદ ખાને જે પર્ફોર્મ કર્યું એ કરોડો ક્રિકેટપ્રેમીઓને હંમેશાં યાદ રહેશે.
ગુજરાત ટાઇટન્સ એક તો સાવ નવી ટીમ અને એમાં પણ પ્લે-ઑફમાં પહોંચવામાં પ્રથમ રહ્યા બાદ હવે પહેલા જ પ્રયાસમાં ફાઇનલમાં પહોંચી ગયેલી એવી ટીમ છે જેને ૧૫મી સીઝનની ટ્રોફી જીતવા માટે ફેવરિટ ગણવાનું કોઈ નહીં નકારે.
મિલરનો ૯ વર્ષે ફરી મૅજિક
સાઉથ આફ્રિકાનો બૅટર ૨૦૧૩ પછી પહેલી વાર આઇપીએલ ખરા અર્થમાં એન્જૉય કરી રહ્યો છે. જેમ ૨૦૧૬ના ટી૨૦ વર્લ્ડ કપની કલકત્તા ખાતેની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝના કાર્લોસ બ્રેથવેઇટે બ્રિટિશ બોલર બેન સ્ટૉક્સના ૪ બૉલમાં ૪ સિક્સર (૬, ૬, ૬, ૬) ફટકારેલી એનું મંગળવારે કલકત્તામાં રિરન થયું. પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને કૅપ્ટન સંજુ સૅમસને ૨૦મી ઓવરની જવાબદારી સોંપી હતી. ગુજરાતને જીતવા માટે ૧૬ રનની જરૂર હતી અને મિલરે પહેલા બૉલથી જ ફટકાબાજી શરૂ કરી અને પ્રથમ ત્રણ બૉલમાં ત્રણ સિક્સર (૬, ૬, ૬) ફટકારી ગુજરાતની જીત વધુ આસાન કરી હતી. કૅપ્ટન હાર્દિક (અણનમ ૪૦, ૨૭ બૉલ, પાંચ ફોર) સાથે મિલર (અણનમ ૬૮, ૩૮ બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) છેક સુધી ક્રીઝ પર રહ્યો હતો, તેની સાથે ૧૦ ઓવરમાં ૧૦૬ રનની અતૂટ ભાગીદારી કરી હતી અને બન્નેએ ૧૯૧/૩ના ટીમ-સ્કોર સાથે ગુજરાતને ૩ બૉલ બાકી રાખીને લક્ષ્યાંક અપાવી દીધો હતો.
મિલરે જૂની ટીમ રાજસ્થાનને હરાવી
ડેવિડ મિલર અગાઉ રાજસ્થાન રૉયલ્સની ટીમમાં હતો અને મંગળવારે તે રાજસ્થાનને જ ભારે પડ્યો હતો. ૮૫મા રને મૅથ્યુ વેડની ત્રીજી વિકેટ પડ્યા બાદ હાર્દિક સાથે મિલર જોડાયો હતો અને ૫૬ મિનિટ સુધી ક્રીઝ પર રહી તેણે કુલ આઠ વાર બૉલને બાઉન્ડરીની બહાર મોકલી અણનમ ૬૮ રન સાથે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો હતો. વિજય બાદ મિલરે ટ્‍વિટર પર પોતાની ભૂતપૂર્વ ટીમ રાજસ્થાનના ચાહકોને ‘સૉરી’ કહ્યું તો એના જવાબમાં રૉયલ્સે મસ્તીભર્યું મીમ પોસ્ટ કર્યું જેમાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના એક સીન સાથે લખેલું હતું, ‘દુશ્મન ન કરે દોસ્ત ને વો કામ કિયા હૈ.’
રાશિદે બટલરને કાબૂમાં રાખેલો
અફઘાનિસ્તાનના સ્ટાર-સ્પિનર રાશિદ ખાન (૪-૦-૧૫-૦)નો રાજસ્થાનના બ્રિટિશ બૅટર જૉસ બટલર સામે સારો રેકૉર્ડ છે. રાશિદ તેને અગાઉ ચાર વાર આઉટ કરી ચૂક્યો છે અને રાશિદ સામે બટલરનો માત્ર ૬૦.૦૦નો સ્ટ્રાઇક-રેટ છે. મંગળવારે બટલરે ૮૯ રન બનાવ્યા બાદ છેલ્લી ઓવરમાં રનઆઉટ થયો હતો, પરંતુ એ પહેલાં રાશિદે તેને અંકુશમાં રાખ્યો હતો જેને લીધે જ બટલર આ સીઝનની ચોથી સેન્ચુરી નહોતો ફટકારી શક્યો.

sports news hardik pandya ipl 2022 gujarat titans