મિડ-ડે કપનો ફટકાબાજી સાથે આરંભ : એક જ બોલરની ચાર બૉલમાં ચાર વિકેટ

18 December, 2012 06:17 AM IST  | 

મિડ-ડે કપનો ફટકાબાજી સાથે આરંભ : એક જ બોલરની ચાર બૉલમાં ચાર વિકેટ



મિડ-ડે કપ ૨૦૧૩ ટુર્નામેન્ટની ગઈ કાલે પરેલ (ઈસ્ટ)ના સેન્ટ્રલ રેલવે ગ્રાઉન્ડમાં ધમાકેદાર શરૂઆત થઈ હતી. છેલ્લા બે વર્ષથી ટ્રોફી જીતી રહેલી ચરોતર રૂખીના બૅટ્સમેનોએ ચોક્કા-છગ્ગાની રમઝટ બોલાવી હતી જેના કારણે એ ટીમે વિજયી શ્રીગણેશ કર્યા હતા, જ્યારે હરીફ ટીમ નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણના કૅપ્ટન હેમલ ઓઝાએ પહેલા જ દિવસે હૅટ-ટ્રિક લઈને સ્પર્ધાને જબરદસ્ત સ્ટાર્ટ અપાવ્યું હતું. એટલું જ નહીં, તેણે હૅટ-ટ્રિક પછીના ચોથા બૉલમાં પણ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.

મૅચ ૧

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. ચરોતર રૂખીએ પહેલી જ ઓવરમાં કિશોર ચૌહાણની વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બીજી ઓવરથી જિતેશ પુરબિયા અને ચેતન સોલંકીએ ફટકાબાજી શરૂ કરી હતી. જિતેશ પુરબિયાના ૪૦ રનમાં પાંચ ફોર હતી જેમાંથી એક તબક્કે તેણે ત્રણ બૉલમાં ત્રણ ફોર ફટકારતાં ચરોતર રૂખીને ત્રીજી ફોરના ચારને બદલે ૧૦ રન મળ્યાં હતા. ચેતન સોલંકીએ સતત બે બૉલમાં બે સિક્સર ફટકારતાં ટીમને બીજી સિક્સરના છને બદલે ૧૫ રન મળ્યાં હતા.

કૅપ્ટન ખીમજી મકવાણાએ પણ ઉપરાઉપરી બે બૉલમાં બે સિક્સર ફટકારીને ટીમને બીજી સિક્સરના ૧૫ રન અપાવ્યા હતા. નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણના હેમલ ઓઝાએ પોતાની બીજી ઓવરમાં હૅટ-ટ્રિક લીધી હતી જેના કારણે ચરોતર રૂખીની ટીમના ટોટલમાંથી ૨૦ રન કપાઈ ગયા હતા. હેમલે પછી ચોથા બૉલમાં પણ વિકેટ લીધી હતી. જોકે તેની ઓવરમાં સતત ત્રીજો વાઇડ પડતાં ચરોતર રૂખીની ટીમના ટોટલમાં ત્રીજા વાઇડના એકને બદલે પાંચ રન ઉમેરાઈ ગયા હતા.

ચરોતર રૂખીએ આપેલા ૧૪૨ રનના તોતિંગ ટાર્ગેટના બોજ નીચે નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણની ટીમ દબાઈ ગઈ હતી અને ૧૦ ઓવરમાં ચાર વિકેટે ફક્ત ૬૩ રન બનાવી શકતાં ૭૮ રનથી પરાજિત થઈ હતી.

ટૂંકો સ્કોર : ચરોતર રૂખી : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૧૪૧ રન (ચેતન સોલંકી ૨૧ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૪૨ રન, જિતેશ પુરબિયા ૧૯ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૪૦ રન, ખીમજી મકવાણા ૧૩ બૉલમાં ત્રણ સિક્સર અને ત્રણ ફોર સાથે ૩૭ રન, હેમલ ઓઝા ૪-૨-૨૯-૪)

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ : ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૬૩ રન, પાર્થિવ મહેતા ૨૧ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૯ રન)

મૅન ઑફ ધ મૅચ : હેમલ ઓઝા (નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ)

મૅચ ૨

ઘોઘારી વીસા શ્રીમાળી જૈને બૅટિંગ આપતાં પ્રજાપતિ કુંભારની ટીમ ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૬૯ રન બનાવી શકી હતી. એકમાત્ર હરેશ શિંગાડિયા ૧૫ રનનો આંકડો પાર કરી શક્યો હતો. તેણે ૨૯ રન બનાવ્યા હતા. રોનક પારેખ, દ્રુપેશ સાવડિયા અને કૅપ્ટન મલકેશ ગાંધીએ બે-બે વિકેટ લેવા ઉપરાંત બૅટ્સમેનોને કન્ટ્રોલમાં પણ રાખ્યા હતા.

ઘોઘારી વીસા શ્રીમાળી જૈને ૭૦ રનનો ટાર્ગેટ મળ્યાં પછી પ્રથમ ઓવરમાં એક વિકેટ ગુમાવી હતી, પરંતુ પછી મલકેશ ગાંધી તથા બીજા બૅટ્સેમેનોએ ગઢ સાચવી લીધો હતો અને આ ટીમે આઠમી ઓવરમાં લક્ષ્યાંક મેળવી લીધો હતો.

ટૂંકો સ્કોર : પ્રજાપતિ કુંભાર : ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૬૯ રન (હરેશ શિંગાડિયા ૨૩ બૉલમાં પાંચ ફોર સાથે ૨૯ રન, રોનક પારેખ ૨-૦-૮-૨, દ્રુપેશ સાવડિયા ૧-૦-૯-૨, મલકેશ ગાંધી

૨-૦-૧૦-૨)

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન : ૭.૩ ઓવરમાં ૪ વિકેટે ૭૧ રન (મલકેશ ગાંધી ૧૪ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૩ રન, હરેશ શિંગાડિયા ૨-૦-૯-૨)

મૅન ઑફ ધ મૅચ : મલકેશ ગાંધી (ઘોઘારી વીસા શ્રીમાળી જૈન)

મૅચ ૩

મિડ-ડે કપના નિયમ મુજબ દરેક ટીમે પોતાની મૅચ પહેલાં પોતાના પ્લેયરોના જ્ઞાતિના પુરાવા રાખવા જરૂરી છે. ગઈ કાલે ગ્રુપ ‘બી’ની મૅચ પહેલાં બાલાસિનોરની ટીમે હરીફ ટીમ કચ્છ-વાગડ લેઉવા પટેલ પાસે એના પ્લેયરોના આવા પુરાવા માગ્યા હતા, પરંતુ કચ્છ-વાગડ લેઉવા પટેલની ટીમ એ પુરાવા ન આપી શક્તાં બાલાસિનોરની ટીમને વૉકઓવર આપી દેવામાં આવ્યું હતું અને એ સાથે એને બે પૉઇન્ટ પણ આપી દેવામાં આવ્યા હતા.

મૅચ ૪

મિડ-ડે કપમાં પહેલી જ વાર રમવા આવેલી ગુર્જર ક્ષત્રિય કડિયાની ટીમે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. જોકે આ ટીમે બૅટિંગમાં ખાસ કોઈ આક્રમકતા નહોતી બતાવી. આ ટુર્નામેન્ટમાં કમબૅક કરી રહેલી કચ્છી કડવા પાટીદારની ટીમના બોલરોએ શરૂઆતથી બૅટ્સમેનોને અંકુશમાં રાખ્યા હતા.

ગુર્જર ક્ષત્રિય કડિયાની ટીમે બીજી જ ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યાર પછી પણ રનમશીન ફાસ્ટ નહોતું થયું. પાંચમી ઓવર પાવર ઓવર હતી જેમાં પણ એક વિકેટ પડતાં ટીમના સ્કોરમાં ૧૦ રનની બાદબાકી થઈ ગઈ હતી. ત્યાર પછી દરેક ઓવરમાં એક-એક વિકેટ પડતી ગઈ હતી અને ૧૦ ઓવરના અંતે ટીમનું ટોટલ ૮ વિકેટે માત્ર ૩૮ રન હતું. કચ્છી કડવા પાટીદારના કૅપ્ટન ભાવિક ભગતે બે ઓવરમાં ફક્ત બે રનના ખર્ચે બે વિકેટ લીધી હતી.

કચ્છી કડવા પાટીદારના ઓપનિંગ બૅટ્સમેનોએ પહેલી જ ઓવરમાં ૨૮ રન બનાવીને ટીમને જીતની લગોલગ લાવી દીધી હતી. સુકાની ભાવિક ભગતે બે બૉલમાં બે સિક્સર ફટકારી એ બદલ ટીમને બીજી સિક્સરના છને બદલે ૧૫ રન મળ્યાં હતા. તેણે ત્રીજા બૉલમાં પણ છગ્ગો માર્યો હતો, પરંતુ પછી ઑર એક ઊંચા શૉટમાં વિકેટ ગુમાવી દીધી હતી. કચ્છી કડવા પાટીદારની ટીમે બીજી ઓવરની સમાપ્તિ પહેલાં જ ૩૯ રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

ટૂંકો સ્કોર : ગુર્જર ક્ષત્રિય કડિયા : ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૩૮ રન (તેજસ મનાણી ૧૨ બૉલમાં બે ફોર સાથે ૯ રન, રમેશ જબુવાણી ૨-૦-૧૯-૩, ભાવિક ભગત ૨-૦-૨-૨, શૈલેશ માવાણી ૨-૦-૧૧-૨)

કચ્છી કડવા પાટીદાર : ૧.૫ ઓવરમાં ૧ વિકેટે ૩૯ રન (ભાવિક ભગત ૪ બૉલમાં ત્રણ સિક્સર સાથે ૧૮ રન)

મૅન ઑફ ધ મૅચ : ભાવિક ભગત (કચ્છી કડવા પાટીદાર)

આજની મૅચો

સવારે ૯.૦૦

કપોળ (C૧)

V/S

રાજપૂત ક્ષત્રિય (C૪)

સવારે ૧૧.૦૦

ખંભાત વીસા

શ્રીમાળી જૈન (C૨)

V/S

કચ્છી વીસા

ઓસવાળ જૈન (C૩)

બપોરે ૧.૦૦

નવગામ વીસા નાગર વણિક (D૧)

V/S

સોરઠિયા મુસ્લિમ ઘાંચી (D૪)

બપોરે ૩.૦૦

સત્તરગામ શ્વેતામ્બર

મૂર્તિપૂજક જૈન (D૨)

V/S

માહ્યાવંશી  (D૩)

આવતી કાલની મૅચો

સવારે ૯.૦૦

કચ્છી લોહાણા (E૧)

V/S

લુહાર સુથાર (E૪)

સવારે ૧૧.૦૦

વીસા સોરઠિયા વણિક (E૨)

V/S

વિરુદ્ધ સઈ સુથાર વાંઝા નાઘેર (E૩)

બપોરે ૧.૦૦

વાગડ વીસા ઓસવાળ જૈન (F૧)

V/S

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ (F૪)

બપોરે ૩.૦૦

દશા સોરઠિયા વણિક (F૨) વિરુદ્ધ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) (F૩)