Best Of All સામે ચૅમ્પિયન ચરોતર રૂખીની આસાન જીત

16 December, 2012 05:41 AM IST  | 

Best Of All સામે ચૅમ્પિયન ચરોતર રૂખીની આસાન જીત


મિડ- ડે કપ ૨૦૧૩ ટુર્નામેન્ટનું ગઈ કાલે શાનદાર ઉદ્ઘાટન થયું એ પહેલાં પ્રારંભિક દિવસના વિશેષ આકર્ષણ તરીકે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચરોતર રૂખી અને Best Of All વચ્ચે એક્ઝિબિશન મૅચ રમાઈ હતી, જેમાં ચરોતર રૂખીએ ૨૦ રનથી વિજય મેળવ્યો હતો.

મિડ-ડે કપની આ છઠ્ઠી સીઝન છે અને દર વર્ષની જેમ એનો પણ એક્સાઇટિંગ આરંભ થયો છે. Best Of Allની ટીમમાં મિડ-ડે કપની ગઈ સીઝનમાં ભાગ લેનાર ચરોતર રૂખી ઉપરાંતની ટીમોના સ્ટાર પ્લેયરોમાંથી પસંદ કરવામાં આવેલા ૧૧ ખેલાડીઓનો સમાવેશ હતો.



ચરોતર રૂખીએ ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. કિશોર ચૌહાણ અને જિતેશ પુરબિયા વચ્ચે ૨૩ રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. એ ટોટલ પર ચૌહાણની અને ૨૯મા રને પુરબિયાની વિકેટ પડ્યા પછી ૪૯મા રને બીજી બે વિકેટ પડી હતી. ચરોતર રૂખીની ટીમે હાલાઈ લોહાણાના કેતન ઠક્કરની પાંચમી એટલે પાવર ઓવરમાં મિડ-ડે કપના હટકે રૂલ્સની મદદથી ૧૭ રન બનાવ્યા હતા. ચરોતર રૂખીની ટીમ પરેશ વાલંત્રાના ૩૯ રનની મદદથી Best Of Allને ૯૯ રનનો ટાર્ગેટ આપી શક્યું હતું. પરેશ વાલંત્રાની ઇનિંગ્સની ખાસિયત એ હતી કે તેણે એક તબક્કે સાત બૉલમાં છ ફોર ફટકારી હતી. આમાંથી પહેલી બે ફોર તેણે સતત બે બૉલમાં ફટકારી હતી. ત્યાર પછીના બૉલમાં એક રન થયો હતો અને પછી તેણે લાગલગાટ ચાર બૉલમાં ચાર ચોક્કા માર્યા હતા. એમાં જ્યારે તેણે સતત ત્રીજી ફોર મારી ત્યારે મિડ-ડે કપના હટકે નિયમ મુજબ ચરોતર રૂખીની ટીમને ત્રીજી ફોરના ચારને બદલે ૧૦ રન મળ્યાં હતા.હાલાઈ લોહાણાના સ્પિનર વિરલ ઠક્કરનો બોલિંગ-પફોર્ર્મન્સ સૌથી સારો હતો. તેણે બે ઓવરમાં ફક્ત ચાર રનના ખર્ચે બે વિકેટ લીધી હતી.

૧૦ મિનિટના બ્રેક પછી Best Of Allની ઇનિંગ્સ શરૂ થઈ હતી. કપોળના જય મહેતાએ સિક્સર અને ફોર સાથે ધમાકેદાર શરૂઆત કરી હતી, પરંતુ તેની ઇનિંગ્સ બહુ લાંબી નહોતી ચાલી અને તે ૧૦ રનના તેના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. ત્યાર પછી Best Of Allના બૅટ્સમેનોમાં જોઈએ એવી આક્રમકતા નહોતી જોવા મળી અને તેઓ ટાર્ગેટની નજીક પહોંચી શકશે એવું ક્યારેય લાગ્યું જ નહોતું. Best Of Allની ટીમ ૧૦ ઓવરમાં ત્રણ વિકેટે ૭૮ રન બનાવી શકી હતી અને ૨૦ રનથી એનો પરાજિત થયો હતો.


ટૂંકો સ્કોર

ચરોતર રૂખી : ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૯૮ રન (પરેશ વાલંત્રા ૧૬ બૉલમાં ૭ ફોર સાથે ૩૯, વિરલ ઠક્કર ચાર રનમાં બે અને યોગેશ પડાયા પચીસ રનમાં બે વિકેટ)

Best Of All : ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૭૮ રન (યોગેશ પડાયા ૧૨ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે બાવીસ નૉટઆઉટ, વિનીત સાવલા ૧૯ બૉલમાં બે ફોર સાથે ૨૧ રન)

મૅન ઑફ ધ મૅચ : ચરોતર રૂખીનો પરેશ વાલંત્રા

મૅચ-શેડ્યુલ

આવતી કાલની મૅચો

સવારે ૯.૦૦

ચરોતર રૂખી (A1)

V/S

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ (A4)

સવારે ૧૧.૦૦

પ્રજાપતિ કુંભાર (A2)

V/S

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન (A3)

બપોરે ૧.૦૦

કચ્છ-વાગડ લેઉવા પટેલ (B1)

V/S

બાલાસિનોર (B4)

બપોરે ૩.૦૦

કચ્છી કડવા પાટીદાર (B2)

V/S

ગુર્જર ક્ષત્રિય કડિયા (B3)