મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટેના ભવ્ય ક્રિકેટજલસાની ૧૫મી સીઝન ૨૮ જાન્યુઆરીથી

08 December, 2022 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિડ-ડે કપ TEN10-2023 માટે ટીમને એન્ટ્રી મોકલવાનું આમંત્રણ

ફાઇલ તસવીર

મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટે ‘મિડ-ડે’ દ્વારા દર વર્ષે યોજાતી ક્રિકેટ-સ્પર્ધાની ૧૫મી સીઝન ૨૮ જાન્યુઆરીથી શરૂ થશે. આ ભવ્ય ક્રિકેટજલસા માટે દરેક જ્ઞાતિની ટીમને એન્ટ્રી મોકલવાનું આમંત્રણ છે.  રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ૨૦ ડિસેમ્બર છે.

ટી૨૦ ક્રિકેટની જેમ જ લેધરના બૉલથી રમાતી ૧૦-૧૦ ઓવરની આ એક્સાઇટિંગ ક્રિકેટ-ઇવેન્ટે છેલ્લા દોઢ દાયકામાં મુંબઈના ગુજરાતીઓમાં અનેરું સ્થાન બનાવ્યું છે. આ સ્પર્ધા પાછી ક્યારે આવશે એની કાગડોળે રાહ જોવાતી હોય છે અને એ ઇંતેજાર હવે વહેલી તકે પૂરો થવાનો છે.

આ સ્પર્ધા છેલ્લાં ચાર વર્ષની જેમ આ વખતે પણ કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાના ગ્રાઉન્ડમાં રમાશે અને એમાં ભાગ લેવા માગતી દરેક જ્ઞાતિએ પોતાના સમાજની કેન્દ્રીય એટલે મુખ્ય સંસ્થાના લેટરહેડ પર પ્રમુખ અથવા સેક્રેટરીની સહી તથા કૉન્ટૅક્ટ-નંબર સાથે અરજી કરવાની હોય છે, જેથી એ જ જ્ઞાતિની એક કરતાં વધુ ટીમની એન્ટ્રી ન આવી જાય. અરજીમાં કૅપ્ટન કે કો-ઑર્ડિનેટરનો નંબર અચૂક લખવો. આ એન્ટ્રી gmdcricket10@gmail.com પર ઈ-મેઇલ કરવી અને સબ્જેક્ટમાં ‘મિડ-ડે કપ TEN10 2023’ અચૂક લખવું. વધુ વિગત માટે દિનેશ સાવલિયાનો ૯૮૨૦૨૨૯૮૯૬ નંબર પર સંપર્ક કરવો.  

આ સ્પર્ધા લીગ-કમ-નૉકઆઉટ ધોરણે રમાશે અને દરેક ટીમને કમસે કમ ત્રણ મૅચ રમવા મળશે. લીગ રાઉન્ડના અંતે દરેક ગ્રુપમાંથી બે ટીમ નેક્સ્ટ રાઉન્ડ અર્થાત્ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જશે. 
આ સ્પર્ધા માટેના જે નિયમો છે એમાંનો મુખ્ય એ છે કે એમાં વેસ્ટર્નમાં વિરાર સુધીના તથા સેન્ટ્રલમાં શહાડ તથા પનવેલ સુધીના ખેલાડીઓ જ હોવા જોઈશે. જોકે દરેક જ્ઞાતિ તેમની ટીમમાં એક ખેલાડી મુંબઈ એરિયાની લિમિટની બહારનો પણ સામેલ કરી શકે છે. જોકે એ ખેલાડી તેમની જ્ઞાતિનો હોવો જોઈએ. આ સ્પર્ધા માટેની એન્ટ્રી-ફી ૨૫,૦૦૦ રૂપિયા છે. જેટલી એન્ટ્રી આવશે એમાંથી ટીમના સિલેક્શનમાં મિડ-ડેનો નિર્ણય ફાઇનલ ગણાશે.

sports news cricket news gujarati mid-day