ગુજરાતનો ધબડકો થવા છતાં મજબૂત સ્થિતિમાં, ચૅમ્પિયન રાજસ્થાન મુશ્કેલીમાં

03 November, 2012 10:14 PM IST  | 

ગુજરાતનો ધબડકો થવા છતાં મજબૂત સ્થિતિમાં, ચૅમ્પિયન રાજસ્થાન મુશ્કેલીમાં



ગ્રુપ ‘એ’

ગુજરાત V/S મધ્ય પ્રદેશ

ગુજરાત પહેલા દિવસના અંતે કૅપ્ટન પાર્થિવ પટેલની શાનદાર ૧૬૨ રનની ઇનિંગ્સ વડે પાંચ વિકેટે ૩૨૭ રનની મજબૂત સ્થિતિમાં હતું, પણ ગઈ કાલે મધ્ય પ્રદેશે વળતો હુમલો કરતાં ગુજરાતે ફક્ત ૨૮ રન ઉમેરીને બાકીની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને ૩૫૫ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ગુજરાતના આ ધબડકા માટે જવાબદાર હતો મધ્ય પ્રદેશનો પેસ બોલર આનંદ રાજન. આનંદ રાજને પહેલા દિવસે બે વિકેટ લીધી હતી અને ગઈ કાલે બાકીની પાંચ વિકેટ લઈને તરખાટ મચાવતાં તેણે કુલ ૭૭ રનમાં ૭ વિકેટ લીધી હતી. સન નેટવર્કે ડેક્કન ચાર્જર્સના જાળવી રાખેલા પ્લેયરોમાં આનંદનો સમાવેશ છે અને ગઈ કાલના પફોર્ર્મન્સ પછી તેમનો નિર્ણય યોગ્ય લાગી રહ્યો છે. જોકે મધ્ય પ્રદેશે જવાબમાં દિવસના અંત સુધી ૨૧૨ રનમાં ૮ વિકેટ ગુમાવી દેતાં નાજુક પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. મધ્ય પ્રદેશના નમન ઓઝાનો ૭૧ રન હાઇએસ્ટ સ્કોર હતો અને ઉદિત બિરલાએ ૪૯ રન બનાવ્યા હતા. ગુજરાત વતી પેસ બોલર અમિત સિંહે ૪૪ રનમાં સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. મેહુલ પટેલ અને રાકેશ ધ્રુવે બે-બે વિકેટ લીધી હતી.

હૈદરાબાદ V/S પંજાબ

હૈદરાબાદે ૭ વિકેટે ૨૪૪ રનના પહેલા દિવસના સ્કોરમાં ફક્ત ૧૪ રન ઉમેરીને બાકીની ૩ વિકેટ ગુમાવી દેતાં ૨૫૮ના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું. પંજાબ વતી મનપ્રીત ગોનીએ સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. સંદીપ શર્મા અને અમિતોઝ સિંહે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. કૅપ્ટન હરભજન સિંહને જોકે ૨૧ ઓવરમાં એક પણ વિકેટ નહોતી મળી. દિવસના અંત સુધી પંજાબના ઓપનરો જીવનજોત સિંહ (અણનમ ૧૧૬ રન, ૨૬૭ બૉલ, ૧૯ ફોર) અને કરણ ગોયલે (અણનમ ૧૦૬ રન, ૨૨૯ બૉલ, બે સિક્સ, ૧૨ ફોર) ૨૪૩ રનની અણનમ ઓપનિંગ પાર્ટનરશિપ સાથે પંજાબને મજબૂત સ્થિતિમાં મૂકી દીધું હતું.

બેન્ગાલ V/S રાજસ્થાન

પહેલા દિવસના ૪ વિકેટે ૧૮૭ રનથી આગળ રમતાં બેન્ગાલ ૨૫૮ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. રાજસ્થાન વતી પેસબોલર પંકજ સિંહે ૫૦ રનમાં પાંચ વિકેટ લઈને સૌથી શ્રેષ્ઠ પફોર્ર્મ કર્યું હતું. રિતુરાજ સિંહે ૧૧૬ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. પહેલા સેશનમાં રાજસ્થાનના બોલરોના જોરદાર પફોર્ર્મન્સ પર જોકે પછી બૅટ્સમેનોએ પાણી ફેરવી નાખ્યું હતું. દિવસના અંતે ચૅમ્પિયન રાજસ્થાને ૬૩ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. એમાં ગઈ સીઝનનો હાઇએસ્ટ સ્કોરર રૉબિન બિસ્ત (૧૧ રન) અને કૅપ્ટન હૃષિકેશ કાનિટકર (૧૦)નો પણ સમાવેશ હતો. સૌરવ સરકાર અને લક્ષ્મી રતન શુક્લાએ બે-બે વિકેટે લીધી હતી.

ગ્રુપ ‘બી’

દિલ્હી V/S ઉત્તર પ્રદેશ

ગાઝિયાબાદના સ્ટેડિયમમાં પહેલા દિવસે વીરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીના ફ્લૉપ શો સાથે દિલ્હી ૨૩૫ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ગઈ કાલે ઉત્તર પ્રદેશે દિવસના અંત સુધી ૬ વિકેટે ૨૯૨ રન બનાવીને મહત્વપૂર્ણ લીડ લીધી હતી. ઉત્તર પ્રદેશને લીડ અપાવવામાં લેફ્ટી ઓપનર મુકુલ ડાગરની આકર્ષક સેન્ચુરી (૧૧૬) અને સિનિયર ખેલાડી મોહમ્મદ કૈફના ૯૧ રનની ઇનિંગ્સે મહત્વનો ભાગ ભજવ્યો હતો. દિવસના અંતે કૅપ્ટન સુરેશ રૈના ૧૯ અને આમિર ખાન ૪ રન સાથે અણનમ હતા. દિલ્હી વતી સુમીત નારવાલે ત્રણ અને ઇશાન્ત શર્માર્એ બે વિકેટ લીધી હતી. મૅચ દરમ્યાન સેહવાગને જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી.

બરોડા V/S કર્ણાટક

બરોડા ૪ વિકેટે ૩૦૮ રનના પહેલા દિવસના સ્કોરથી આગળ રમતાં ૪૦૬ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું હતું. પહેલા દિવસના બન્ને અણનમ સેન્ચુરિયન બૅટ્સમેનો આદિત્ય વાઘમોડે ૧૨૯ અને ઇરફાન પઠાણ ૧૨૧ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. કર્ણાટકના સ્ટુઅર્ટ બિન્નીએ સૌથી વધુ ૬૫ રનમાં પાંચ વિકેટ લીધી હતી. કર્ણાટકે દિવસના અંત સુધી બે વિકેટે ૧૪૮ રન બનાવ્યા હતા. રૉબિન ઉથ્થપા ૬૭ અને મનીષ પાન્ડે ૧૦ રન સાથે અણનમ હતા.

તામિલનાડુ V/S ઓડિશા

કટકના બારામતી સ્ટેડિયમની આ મૅચનો બીજો દિવસ પણ વરસાદને લીધે ધોવાઈ ગયો હતો. પહેલા દિવસે ફક્ત ૩૧ ઓવર જ શક્ય બની હતી, જેમાં તામિલનાડુએ બે વિકેટે ૬૬ રન બનાવ્યા હતા.

ગ્રુપ ‘સી’

ગ્રુપ ‘સી’માં સર્વિસની ટીમે આંધ્ર પ્રદેશ સામે ૮ વિકેટે ૨૫૬ રન બનાવ્યા હતા. તો કેરલના ૨૨૯ રનના જવાબમાં હિમાચલ પ્રદેશે દિવસના અંત સુધી ૪ વિકેટ ગુમાવીને ૨૫૦ રન બનાવ્યા હતા. જમ્મુ ઍન્ડ કાશ્મીરના ૧૯૫ રનના જવાબમાં ઝારખંડે ૮ વિકેટે ૩૫૪ રન બનાવ્યા હતા અને આસામે ધીરજ જાદવની ૨૪૩ રનની લાજવાબ ઇનિંગ્સ વડે ૪૫૦ રન બનાવ્યા હતા, જ્યારે દિવસના અંતે ત્રિપુરા ૭૨ રનમાં ૩ વિકેટ ગુમાવી બેઠું હતું.