એશિયાડમાં ગોલ્ડ જીતીને આવેલી હૉકી ટીમનું ભવ્ય સ્વાગત

06 October, 2014 05:51 AM IST  | 

એશિયાડમાં ગોલ્ડ જીતીને આવેલી હૉકી ટીમનું ભવ્ય સ્વાગત


વિજેતાનું સ્વાગત : કોચીના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર હૉકીની ફાઇનલ મૅચના હીરો ગોલકીપર પી. આર. શ્રીજેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રશંસકો સાથે ગોલકીપર શ્રીજેશ, તેની દીકરી અને પત્ની સાથે.


બલ્લે-બલ્લે : એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને આવેલી ભારતીય હૉકી ટીમના ખેલાડીઓનું દિલ્હી ઍરપોર્ટ પર ઢોલ-નગારાં વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રશંસકો સાથે ખેલાડીઓ પણ ભાંગરા ડાન્સમાં જોડાઈ ગયા હતા.



એશિયન ગેમ્સમાં હૉકીનો ગોલ્ડ મેડલ જીતીને આવેલી ટીમને આવકારવા માટે વહેલી સવારે દિલ્હીના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર મોટી સંખ્યામાં પ્રશંસકો હાજર હતા. તેઓ ઍરપોર્ટ પરથી બહાર નીકળ્યા કે તરત હાજર રહેલી ભીડે ભારે શોરબકોર વચ્ચે તમામ ખેલાડીઓ તથા સપોર્ટ-સ્ટાફનું સ્વાગત કર્યું હતું. ભારત ત્રીજી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યું હતું તેમ જ ૨૦૧૬ રિયો ઑલિમ્પિક્સમાં સીધી એન્ટ્રી મેળવી હતી.

ગોલકીપર પી. આર. શ્રીજેશ સાથે હાથ મિલાવવા લોકો વધુ તલપાપડ હતા. શ્રીજેશ ફાઇનલની મૅચનો હીરો હતો. પેનલ્ટી શૂટઆઉટ્સમાં તેણે બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. પરિણામે ભારત ૧૬ વર્ષ બાદ ગોલ્ડ જીતી શક્યું હતું. શ્રીજેશે કહ્યું હતું કે ‘પાકિસ્તાન સામેની મૅચમાં મારા પર કોઈ દબાણ નહોતું. અમને વિશ્વાસ હતો કે અમે જીતીશું. પહેલા ક્વૉર્ટરમાં ભલે પાકિસ્તાન આગળ હતું છતાં અમારા પર દબાણ નહોતું, કારણ કે અમને ખબર હતી કે હજી ત્રણ ક્વૉર્ટર બાકી છે. પેનલ્ટી શૂટઆઉટમાં સમગ્ર ટીમ ખૂબ જ રિલૅક્સ હતી જેને કારણે મારા આત્મવિશ્વાસમાં ઘણો વધારો થયો હતો.’ 

ઇમ્ફાલે કર્યું મૅરી કૉમનું જોરદાર સ્વાગત




એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને પાછી ફરેલી બૉક્સર મૅરી કૉમનું ઇમ્ફાલના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એશિયન ગેમ્સમાં બૉક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી.