ગિલે ઑસ્ટ્રેલિયાને જવાબ આપ્યો

12 March, 2023 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતે ત્રણ વિકેટે બનાવ્યા ૨૮૯ રન, હજી ૧૯૧ રન પાછળ : મૅચમાં બન્ને પક્ષ એકસરખા મજબૂત

અમદાવાદમાં સેન્ચુરી પૂરી કર્યા બાદ શુભમન ગિલ.

અમદાવાદની નિર્ણાયક ટેસ્ટ મૅચમાં શુભમન ગિલની શાનદાર સદી છતાં ભારતીય ટીમ ઘરઆંગણે રમાતી મૅચમાં પૂરતો લાભ ઉઠાવી શકી નથી અને ઑસ્ટ્રેલિયા સામે ત્રીજા દિવસના અંતે ૩ વિકેટે ૨૮૯ રનનો સ્કોર કર્યો હતો. મૅચનો સમય પૂરો થયો ત્યારે વિરાટ કોહલી (૫૯) અને રવીન્દ્ર જાડેજા (૧૬) રમતમાં હતા. શુભમન ગિલે ૬ કલાક સુધી બૅટિંગ કરીને ૨૩૫ બૉલમાં ૧૨૮ રન બનાવ્યા હતા, જેમાં ૧૨ ફોર અને એક સિક્સરનો સમાવેશ હતો. જોકે ૯૦ ઓવરમાં ભારતીય ટીમ ૨૫૬ રન જ બનાવી શકી હતી. 

...તો ભારત ડબ્લ્યુટીસીની ફાઇનલમાં
યજમાન ટીમ ઑસ્ટ્રેલિયાના ૪૮૦ રનના સ્કોર કરતાં હજી ૧૯૧ રન પાછળ છે. ભારત આ સિરીઝમાં ૨-૧થી આગળ છે, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિય​નશિપની ફાઇનલ માટે ક્વૉલિફાય થવા માટે ભારતે આ સિરીઝ ૩-૧થી જીતવી પડશે. જો ભારત અને ઑસ્ટ્રેલિયાની મૅચ ડ્રૉ જાય અને શ્રીલંકા ન્યુ ઝીલૅન્ડ સામે ૨-૦થી જીતવામાં નિષ્ફળ રહે તો ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે જૂનમાં ઓવલમાં ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમાશે. 

ટાર્ગેટ ૧૫૦ રનની લીડ
હવે તમામ આશા કોહલી પર છે, જેણે બે કલાકની રમતમાં ઘણો આત્મવિશ્વાસ દેખાડ્યો છે. વળી ટેસ્ટમાં ૨૯મી હાફ-સેન્ચુરી ફટકારી છે. કોહલી જાડેજા સાથે મળીને કેટલી ઝડપથી રન બનાવે છે એના પર તમામ વાતો નિર્ભર છે. ભારતીય ટીમ આજે આખો દિવસ બૅટિંગ કરીને ૧૫૦ રનની લીડ મેળવવાનો પ્રયત્ન કરશે અને છેલ્લા દિવસે સ્પિનરની મદદથી વિકેટ ઝડપવાની યોજના બનાવશે. હજી સુધી પિચે કરામત બતાવી નથી એથી ૯૩ ઓવર સુધી સ્ટીવ સ્મિથે નવો બૉલ લીધો નહોતો, જેથી ભારતીય ટીમને ઝડપથી રન બનાવતાં રોકી શકાય.

ગિલ શાનદાર ફૉર્મમાં
જોકે સમગ્ર દિવસ ગિલના નામે હતો, જે છેલ્લા ત્રણ મહિનાથી શાનદાર ફૉર્મમાં છે. તેણે ત્રણેય ફૉર્મેટમાં કુલ પાંચ સદી ફટકારી છે. ગઈ કાલે તેણે ખોટું જોખમ લીધા વગર શાનદાર રમત બતાવી હતી. શરૂઆતના ૪૦થી ૪૫ રન તેણે ઝડપથી બનાવ્યા હતા. નર્વસ નાઇન્ટી સુધી પહોંચ્યો અને ૯૭ રન પર હતો ત્યારે તેણે લાયનના બૉલમાં બાઉન્ડરી ફટકારીને સેન્ચુરી પૂરી કરી હતી. પિચ સાથે તાલમેલ બેસાડવાની તેની ક્ષમતાને કારણે તે અન્ય ખેલાડીઓ કરતાં આગળ વધી શક્યો છે. રોહિત શર્મા પણ શાનદાર ફૉર્મમાં હતો. જોકે મૅટ કુનમૅનની ઓવરમાં ​આઉટ થનાર કૅપ્ટન ચોક્કસ નિરાશ થયો હશે, કારણ કે બૉલમાં ખાસ કોઈ દમ નહોતો. ચેતેશ્વર પુજારાએ પણ શાનદાર ૪૨ રન કર્યા હતા. પૂજારા સાથે ગિલ રમતો હતો ત્યારે એવું લાગતું હતું કે ભારત ચોક્કસ દિવસના અંતે ૩૦૦ કરતાં વધુ રન કરશે. 

sports news sports cricket news australia