વર્લ્ડ કપની ટીમમાંથી બ્રાવો અને પોલાર્ડને પડતા મૂકવાનો નિર્ણય મૂર્ખામીભર્યો છે : ગેલ

13 January, 2015 05:58 AM IST  | 

વર્લ્ડ કપની ટીમમાંથી બ્રાવો અને પોલાર્ડને પડતા મૂકવાનો નિર્ણય મૂર્ખામીભર્યો છે : ગેલ




વેસ્ટ ઇન્ડીઝની વર્લ્ડ કપની ટીમમાં ડ્વેઇન બ્રાવો અને કીરોન પોલાર્ડને બાકાત રાખવામાં આવતાં વેસ્ટ ઇન્ડીઝના ખેલાડી ક્રિસ ગેઇલે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ અને ક્લાઇવ લૉઇડના નેતૃત્વ હેઠળની સિલેક્શન કમિટી સામે રોષ પ્રગટ કર્યો છે. તેણે આ નિર્ણયને મૂર્ખામીભર્યો ગણાવ્યો હતો.

સાઉથ આફ્રિકા સામે ૪૧ બૉલમાં ૯૦ રન ફટકારીને T20 મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને જીત અપાવનારા આ ખેલાડીએ કહ્યું હતું કે ‘પોલાર્ડ અને બ્રાવો જેવા ખેલાડી વર્લ્ડ કપની ટીમમાં શા માટે નથી? ટ્રિનિદાદના આ બે ખેલાડીઓને અન્યાય કરવામાં આવ્યો હોવાનું મને લાગે છે. આ એક મૂર્ખામીભર્યો નિર્ણય છે. આ નિર્ણયથી મને દુ:ખ થયું છે. હવે તો ટીમની જાહેરાત થઈ ગઈ છે અને એથી અમે માત્ર અમારો રોષ જાહેર કરી શકીએ.’

આ બે ક્રિકેટરો વિના શા માટે ટીમ અધૂરી છે એ વિશે બોલતાં તેણે કહ્યું હતું કે ‘અમારી ટીમને જુઓ તો લાગે કે અમારી બૅટિંગ લાઇન સારી છે, પણ પચાસ ઓવરની મૅચમાં એ સારી ટીમ નથી, એમાં બ્રાવો અને પોલાર્ડ જેવા ખેલાડીઓની જરૂર છે. જો તે બન્ને હોય તો અમારી ટીમ સ્ટ્રૉન્ગ બને. તેઓ સારા ઑલરાઉન્ડર છે અને તેઓ સારી ફીલ્ડિંગ પણ કરે છે.’