સિડની સ્ટેડિયમના એક ગેટને સચિન અને બીજા ગેટને લારાનું નામ

25 April, 2023 10:57 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

સચિને ૫૦મો જન્મદિન (જીવનની ગોલ્ડન જ્યુબિલી) ગોવામાં પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે ઊજવ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.

સિડની સ્ટેડિયમના એક ગેટને સચિન અને બીજા ગેટને લારાનું નામ

સચિનના ગઈ કાલે ૫૦મા જન્મદિન નિમિત્તે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી)માં એક ગેટને ‘સચિન તેન્ડુલકર’ નામ અને બીજા ગેટને ‘બ્રાયન લારા’ નામ આપવામાં આવ્યું છે. ગઈ કાલે આ બે ગેટનાં અનાવરણ કરવામાં આવ્યાં હતાં. તમામ પ્રવાસી ક્રિકેટરો લારા-તેન્ડુલકર ગેટ્સમાંથી એસસીજીમાં પ્રવેશ કરશે. આ બન્ને દિગ્ગજોનાં નામવાળા ગેટ મેમ્બર્સ પૅવિલિયન અને નોબલ બ્રૅડમૅન મેસેન્જર સ્ટૅન્ડની વચ્ચે છે. સચિને ગઈ કાલે જન્મદિનની મળી રહેલી શુભેચ્છાની વર્ષા વચ્ચે થોડો સમય કાઢીને સિડનીમાં ગેટને મળેલા નામ વિશે આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે ‘ભારતની બહાર એસસીજી મારા ફેવરિટ સ્ટેડિયમમાંનું એક છે. ૧૯૯૧માં ઑસ્ટ્રેલિયા ખાતેના મારા પહેલા પ્રવાસથી હું અહીં ઘણી યાદગાર ઇનિંગ્સ રમ્યો છું.’

સચિને સિડનીમાં પાંચ ટેસ્ટમાં ત્રણ સદી સહિત કુલ ૭૮૫ ટેસ્ટ-રન બનાવ્યા હતા, જેમાં અણનમ ૨૪૧ રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો. બ્રાયન લારાએ સિડનીમાં ૪ ટેસ્ટમાં ૨૭૭ રનના હાઇએસ્ટ સ્કોર સહિત કુલ ૩૮૪ રન બનાવ્યા હતા.

ટી ટાઇમ : ૫૦ નૉટઆઉટ

સચિન તેન્ડુલકરે ગઈ કાલે સવારે પોસ્ટ કરેલો ફોટો. તે પરિવાર સાથે ગોવા ગયો હોવાનું સોશ્યલ મીડિયામાં રવિવારથી જ વાઇરલ થઈ ગયું હતું. સચિને ૫૦મો જન્મદિન (જીવનની ગોલ્ડન જ્યુબિલી) ગોવામાં પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે ઊજવ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. જોકે પુત્ર અર્જુન અમદાવાદમાં હતો જ્યાં આજે મુંબઈ ઇન્ડિયન્સની ગુજરાત ટાઇટન્સ સામે મૅચ છે.

cricket news sports news sports brian lara sachin tendulkar sydney