શામ કો મિલ, તુઝે મારુંગા

25 October, 2015 08:47 AM IST  | 

શામ કો મિલ, તુઝે મારુંગા



અમ્પાયરને ધક્કો મારનાર દિલ્હીની રણજી ટીમના કૅપ્ટન ગૌતમ ગંભીરની આવી ધમકીનો જવાબ આપતાં બંગાળના કૅપ્ટન , મનોજ તિવારીએ પણ સામે કહ્યું કે અભી ચલ બાહર



દિલ્હીના ફિરોજશા કોટલા સ્ટેડિયમમાં દિલ્હીના કૅપ્ટન ગૌતમ ગંભીર અને બંગાળના કૅપ્ટન મનોજ તિવારી વચ્ચે ગઈ કાલે રણજી ટ્રોફી મૅચ દરમ્યાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભારતીય ટીમ વતી કેટલીયે મૅચો રમી ચૂકેલા આ બન્ને ખેલાડીઓએ એકબીજાને ધમકી પણ આપી હતી. બન્ને ખેલાડીઓને મૅચ-રેફરીએ સમગ્ર મામલે ખુલાસો આપવા માટે બોલાવ્યા હતા.

અમ્પાયરને માર્યો ધક્કો

બન્ને ખેલાડીઓ વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર થઈ ગયો હતો કે અમ્પાયર કે. શ્રીનાથે વચ્ચે પડવું પડ્યું હતું. ગંભીર તિવારીને મારવા માટે ગુસ્સાથી તેના તરફ ધસ્યો હતો. ગંભીરે અમ્પાયર શ્રીનાથને ધક્કો પણ માર્યો હતો જે વચ્ચે પડવાનો પ્રયાસ કરતા હતા. ક્રિકેટ-મૅચમાં અમ્પાયરને સ્પર્શ કરવો મોટો અપરાધ છે. આવું કરનાર સામે પ્રતિબંધ પણ મુકાઈ શકે છે.

આ મુદ્દે થઈ લડાઈ


આ ઘટના આઠમી ઓવર દરમ્યાન બની હતી, જ્યારે પાર્થસારથિ ભટ્ટાચાર્યને મનન શર્માએ આઉટ કર્યો હતો. તિવારી ચોથા ક્રમાંક પર બૅટિંગ માટે ઊતર્યો ત્યારે તેણે માથા પર કૅપ પહેરી હતી. તેણે બોલરને રોક્યો અને ડ્રેસિંગ રૂમમાંથી હેલ્મેટ લાવવાનો ઇશારો કર્યો. દિલ્હીના ખેલાડીઓને લાગ્યું કે તે જાણી જોઈને સમય બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરિણામે મનન અને તિવારી વચ્ચે બોલાચાલી થઈ. અચાનક પહેલી સ્લિપમાં ઊભેલો ગંભીર વચ્ચે આવી પડ્યો અને તિવારીને ગાળો ભાંડી. તિવારીએ પણ તેને સામે જવાબ આપ્યો. પરિણામે ઝઘડો ઉગ્ર બન્યો હતો.

ગંભીર અને તિવારીને દંડ

ગઈ કાલે દિલ્હીના ફિરોજશા કોટલા મેદાન પર રણજી ટ્રોફી મૅચમાં ઝઘડો કરવા બદલ દિલ્હીની ટીમના કૅપ્ટન ગૌતમ ગંભીરની ૭૦ ટકા અને બંગાળની ટીમના કૅપ્ટન મનોજ તિવારીની મૅચ-ફીની ૪૦ ટકા રકમ દંડપેટે કાપી લેવામાં આવશે. મૅચ-રેફરી વાલ્મીક બુચે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ આ નિર્ણય લીધો હતો. મનોજ તિવારી જાતે રેફરી સમક્ષ હાજર નહોતો રહ્યો.

મેં નહીં, મનોજે અમ્પાયરને ધક્કો માર્યો : ગંભીર


ગૌતમ ગંભીરે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે કેટલાંક મીડિયામાં મેં અમ્પાયરને ધક્કો માર્યો હોવાના સમાચારો આવ્યા હતા જે ખોટા છે. મનોજને દબાણમાં લાવવા માટે અમે તેની ફરતે ફીલ્ડરોને ગોઠવ્યા હતા, પરંતુ મનોજે બૉલ રમવામાં સામાન્ય કરતાં વધુ સમય લેતાં મારા ખેલાડીઓએ મનોજને એમ ન કરવા કહ્યું. ત્યારે હું વચ્ચે પડ્યો હતો. અમ્પાયરોએ વચ્ચે પડીને મામલો થાળે પાડવા સારી કામગીરી બજાવી. મેં ક્યારેય અમ્પાયરને ધક્કો નહોતો માર્યો કે મનોજને મારવાનો પ્રયાસ નહોતો કર્યો. મૅચ-રેફરીએ પણ સ્વીકાર્યું કે હું અમ્પાયરને ધક્કો મારી રહ્યાનો કોઈ વિડિયો-પુરાવો નહોતો, ઊલટું મનોજ અમ્પાયર પ્રદીપ સાંગવાનને ધક્કો મારી રહ્યાનો વિડિયો પુરાવો હોવાનું રેફરીએ મને કહ્યું હતું.

તેણે મને મારવાનો પ્રયાસ કર્યો : તિવારી

સમગ્ર વિવાદમાં મનોજ તિવારીએ પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘ગંભીર એક સિનિયર ખેલાડી છે. મને તેના પ્રત્યે ઘણું માન છે, પરંતુ તે તેની મર્યાદા તોડે તો મને સ્વાભાવિક રીતે સારું ન લાગે. મેં કંઈ જ નથી કર્યું. તેણે મને મારવાનો પ્રયાસ કર્યો હતો. જે કંઈ થયું એ વિડિયોમાં દેખાશે.’

કોહલી, અકમલ અને આફ્રિદી સાથે બાખડી ચૂક્યો છે ગંભીર


ગૌતમ ગંભીર ઘણો ઉગ્ર સ્વભાવનો છે. ઘણી વખત તેનો આ સ્વભાવ મેદાનમાં નજરે પડે છે. સાથીખેલાડી હોય કે સામેની ટીમનો ગંભીર કોઈની પણ સાથે ઝઘડો કરી બેસે છે. લેફ્ટી બૅટ્સમૅન ગંભીર ૨૦૧૩ની IPLની મૅચમાં બૅન્ગલોરના કૅપ્ટન વિરાટ કોહલી સાથે ઝઘડ્યો હતો. ત્યારે અમ્પાયરોએ મધ્યસ્થી કરીને બાજી સંભાળી હતી. ૨૦૦૭માં કાનપુર વન-ડે દરમ્યાન ગંભીર પાકિસ્તાની ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદી સાથે પણ ઝઘડ્યો હતો. એના ત્રણ વર્ષ બાદ ૨૦૧૦ના એશિયા કપમાં પાકિસ્તાની વિકેટકીપર કામરાન અકમલ સાથે પણ તેની બોલાચાલી થઈ હતી.