શ્રીલંકાએ ભારના હોઠ સુધી આવેલો જીતનો કોળીયો છીનવી લીધો

15 August, 2015 08:36 AM IST  | 

શ્રીલંકાએ ભારના હોઠ સુધી આવેલો જીતનો કોળીયો છીનવી લીધો



કોલંબો : તા, 15 ઓગષ્ટ

ટીમ ઈન્ડિયાએ વિદેશની ધરતી પર હારનો સિલસિલો યથાવત રાખતા 3 મેચોની ટેસ્ટ શ્રેણીની પહેલી ગાલે ટેસ્ટ મેચમાં યજમાન શ્રીલંકાના હાથે 63 રને પરાજય ખાધો છે. શ્રીલંકાના રંગાના હેરાથે એકલા હાથે 7 વિકેટ ઝડપી ભારતના હોઠ સુધી આવેલો જીતનો કોળીયો છીનવી લીધો હતો. શ્રીલંકાએ શ્રેણીમાં 1-0થી સરસાઈ હાંસ કરી લીધી છે.

શ્રીંલંકાએ આપેલા 176 રનના લક્ષ્યાંક સામે ટીમ ઈન્ડિયાના કહેવાતા સ્ટાર બેટ્સમેનો માત્ર જાણે કોઈ ગલી ક્રિકેટ રમતા હોય તે પ્રકારે બેજવાબદાર રમત દાખવી હતી. ભારત તરફથી સૌથી વધારે રન અજીંક્ય રહાણે (36) એ બનાવ્યા હતાં. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પહેલી ઈનિંગમાં માત્ર 183 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બાદમાં ભારતે પહેલી ઈનિંગમાં શિખર ધવન (134) અને કોહલી (103)ની શાનદાર સદીની મદદથી 375 બનાવ્યા હતા અને 192 રનની લીડ લીધી હતી. બીજી ઈનિંગમાં પણ શ્રીલંકાની શરૂઆત કંગાળ રહી હતી અને માત્ર 95 રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આમ ભારતે મજબુત ગાળીયો કસતા શ્રીલંકા પર ઈનિંગથી પરાજયનો ખતરો મંડરાવવા લાગ્યો હતો પરંતુ દિનેશ ચાંડીમલે શાનદાર રમત દાખવી અણનમ 162 રન ફટકારતા શ્રીલંકાએ 367 રન બનાવ્યા હતાં અને ભારતને 176 રનની લીડ આપી હતી. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત કંગાળ રહી હતી. લોકેશ રાહુલ માત્ર 5 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ત્રીજા દિવસના રમતના અંતે ભારતનો સ્કોર 1 વિકેટે 23 રન હતો.

આજે ચોથા દિવસે 23/1 થી શિખર ધવન અને નાઈટ વોચમેન તરીકે ઉતરેલા ઈશાંત શર્માએ રમત આગળ ધપાવી હતી. પરંતુ માત્ર 7 રન જોડ્યા હતા ત્યાં હેરાથ ત્રાટક્યો હતો. તેણે ઈશાંત શર્માને 10 રને પેવેલિયન ભેગો કર્યો હતો. ચોથા નંબરે બેટિંગ કરવા ઉતરેલો રોહિત શર્મા હજી સેટ થાય તે પહેલા જ હેરાથે તેને 4 રનના અંગત સ્કોર બોલ્ડ કર્યો હતો. ગત મેચમાં સદી ફટકારીને લાંબા સમય બાદ ફોર્મમાં પરત આવેલા કેપ્ટન વિરાટ કોહલીનું સુરસુરીયુ થઈ ગયું હતું. વિરાટે 3 જ રન બનાવ્યા હતાં ત્યાં સ્પિનર કૌશલે તેને શિલ્વાના હાથે હેચ આઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ ગત મેચનો સદીવીર શિખર ધવન પણ 28 રને કૌશલનો ભોગ બન્યો હતો. આ સાથે જ ભારતનો સ્કોર 60/5 થઈ ગયો હતો. ભારત પર હારના વાદળો છવાઈ ગયા હતાં.

નિવૃત્ત એમ એસ ધોનીના સ્થાને ટીમમાં રમી રહેલો વૃદ્ધિમાન સહા ગજા બહારના આવી પડેલા દબાણને સહન કરી શક્યો ન હોય તેમ 2 રન બનાવી હેરાથનો શિકાર બન્યો હતો. હેરાથે કહેર વર્તાવવાનું જારી રાખતા હરભજન અને અશ્વિન કંઈ સમજે તે પહેલા બંનેને પેવેલિયન ભેગા કરી દીધા હતાં. જોકે અજીંક્ય રહાણેએ એક છેડો સાચવી રાખ્યો હતો. પરંતુ રહાણે શ્રીલંકા માટે ખતરારૂપ બને તે પહેલા જ હેરાથે તેને 36 રનના અંગત સ્કોરે કેપ્ટન મેથ્યુસના હાથે ઝિલાવી દીધો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાની હાર નિશ્ચિત બની ગઈ હતી. અમિત મિશ્રાને 15 રને આઉટ કરીને કૌશલે ભારતને ઓલઆઉટ કરી દીધું હતું. વરુન એરોન 1 રને અણનમ રહ્યો હતો. આમ ભારત 112 રનમાં જ ખખડી પડ્યું હતું. શ્રીલંકાએ 63 રને જીત મેળવી હતી.

સવારથી જ શ્રીલંકા જાણે તેના સિનિયર ખેલાડી કુમાર સંગાક્કારાને જીતની ભેટ આપી વિદાય આપવા માંગતુ હોય તેમ જીતનું ભુખ્યું બન્યું હતું. શ્રીલંક સ્પિનરોએ શરૂઆતથી જ ભારતીયે બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેમને ધારી સફળતા પણ મળી હતી. તેમાં પણ રંગાના હેરાથે શાનદાર પ્રદર્શનથી મેદાન પર છવાઈ ગયો હતો. હેરાથે 7 વિકેટ લઈ એકલા હાથે ભારતને ઘુંટણીયે પાડી દીધું હતું. હેરાથે 26 ઓવર કરી હતી. જેમાં તેણે 6 ઓવર મેડન ફેંકી હતી અને માત્ર 48 રન આપી 7 વિકેટ પોતાના નામે કરી હતી. કૌશલે પણ 3 વિકેટ અંકે કરી હતી. આમ તમામ વિકેટો સ્પિનરોના ફાળે ગઈ હતી.

આમ એક સમયે ઈનિંગ્સથી જીત તરફ અગ્રેસર ભારતને કારમો પરાજય હાથ લાગ્યો હતો. શ્રીલંકાએ નાટ્યાત્મક પ્રદર્શનના જોરે આખી મેચનું પાસુ જ પલટી નાખ્યું હ્તું અને ચોથા જ દિવસે 63 રને શાનદાર જીત મેળવી હતી. આ સાથે જ શ્રીલંકાએ 3 મેચોની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી સરસાઈ હાંસલ કરી હતી.