ગાવસકરનો આક્રોશ : દોષી પ્લેયરોને જેલભેગા કરો

19 November, 2014 03:30 AM IST  | 

ગાવસકરનો આક્રોશ : દોષી પ્લેયરોને જેલભેગા કરો





IPLમાં મૅચ-ફિક્સિંગના મૂકવામાં આવેલા આરોપોમાંથી સુપ્રીમ કોર્ટે એન. શ્રીનિવાસનને ક્લીન ચિટ આપી છે અને તેમના જમાઈ ગુરુનાથ મય્યપ્પનને સટ્ટાબાજી અને મૅચ-ફિક્સિંગમાં સામેલ હોવામાં દોષી માન્યો છે ત્યારે ભારતીય ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકરે શ્રીનિવાસનની ચુપકીદી પર સવાલ ઉઠાવ્યો છે અને ગુરુનાથ મય્યપ્પન સામે કાનૂની રીતે કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ વિશે તેમણે કહ્યું હતું કે ‘મુદગલ કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યા પ્રમાણે શ્રીનિવાસનને બેટિંગ અને ફિક્સિંગની ખબર હતી તો તેમણે શા માટે ચુપકીદી સેવી? તેમણે દોષી લોકો સામે પગલાં કેમ ન લીધાં એનો જવાબ આપવો જોઈએ.’

ઑસ્ટ્રેલિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગયેલા સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘ન્યુ ઝીલૅન્ડમાં બેટિંગ વિશે એક નવો કાયદો ઘડવામાં આવ્યો છે જેમાં દોષી ખેલાડીને જેલની સજા કરવામાં આવે છે. ભારતમાં પણ આવો કાયદો લાવવો જોઈએ.’

બેટિંગને કાનૂની બનાવો

જોકે તેણે ક્રિકેટ પરના બેટિંગને કાયદેસર બનાવવા માટે ભલામણ કરી છે એના વિશે ભારતમાં વિવાદ થવાની શક્યતા છે. ભારતમાં ક્રિકેટ પર ખેલવામાં આવતો સટ્ટો ગેરકાયદે છે.

ભારત સરકારે બેટિંગને કાયદેસર બનાવવા માટે વિચાર કરવો જોઈએ એ વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘બ્લૅક મનીથી સટ્ટો ખેલવામાં આવે છે, પણ જો બેટિંગને કાયદેસર બનાવવામાં આવે અને બેટિંગની શૉપ ખોલવામાં આવે તો સરકારને પણ આવક થશે. આ ચીજ દારૂબંધી જેવી છે. જો કોઈને ગેરકાયદે રીતે બેટિંગ કરવું છે તો તેઓ એમ કરશે. સરકારે હવે બેટિંગને કાયદેસર બનાવવા વિશે વિચાર કરવાની જરૂર છે.’

ખેલાડીને સજા નહીં

બેટિંગ કરતા ટીમના માલિકો અને ખેલાડીઓ વચ્ચેનો ભેદ પણ કરવો જોઈએ એ વિશે સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ખેલાડીઓ પર જો ટીમના માલિકો દબાણ લાવતા હોય તો તેમને સજા કરવામાં ન આવે.

ક્લીન ચિટ પછી પણ શ્રીનિવાસન સામે કાર્યવાહી થઈ શકે?

IPLમાં મૅચ-ફિક્સિંગના મૂકવામાં આવેલા આરોપોમાંથી સુપ્રીમ કોર્ટે એન. શ્રીનિવાસનને ક્લીન ચિટ આપી છે, પણ શું આ ખરેખર ક્લીન ચિટ છે એવો સવાલ છે, કારણ કે જમાઈ ગુરુનાથ મય્યપ્પન સટ્ટાબાજી અને મૅચ-ફિક્સિંગમાં સામેલ હોવાના આરોપ છે અને આ વાતની જાણ શ્રીનિવાસનને હોવા છતાં તેમણે કોઈ કાર્યવાહી કરી નહીં હોવાને કારણે તેમની સામે કાર્યવાહી થઈ શકે એમ છે. આ કેસમાં હવે ૨૪ નવેમ્બરે સુનાવણી થવાની છે.

મુદગલ કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શ્રીનિવાસન અને ક્રિકેટ બોર્ડના અન્ય ચાર પદાધિકારીઓને જાણ હતી કે વ્યક્તિ નંબર-૩ (જેના વિશે માહિતી ગુપ્ત રાખવામાં આવી છે) ખેલાડીઓના કોડ ઑફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરી રહ્યો છે. શ્રીનિવાસને તેની સામે પગલાં લીધાં નથી અને એથી આ મુદ્દે શ્રીનિવાસનને ફરીથી ઘેરી શકાય એમ છે. IPLની

ઍન્ટિ-કરપ્શન પૉલિસીની કલમ ૨.૫.૨ હેઠળ લીગથી જોડાયેલા કોઈ પણ ખેલાડી કે અધિકારીનો કોઈ સગો અથવા તેનો ગેસ્ટ કોઈ પણ પ્રકારની બેટિંગ કે ફિક્સિંગમાં સામેલ હોય તેને એની જાણકારી હોય તો તેણે તરત ઍન્ટિ-કરપ્શન યુનિટને જાણ કરવાની રહે છે. આમ નહીં કરવું પણ અપરાધ છે. ઍન્ટિ-કરપ્શન કોડની કલમ ૧.૧.૨ અનુસાર લોકોનો ક્રિકેટ પ્રતિ ભરોસો રહે એ માટે આ પૉલિસી બનાવી હતી. શ્રીનિવાસન સીધી રીતે બેટિંગ કે ફિક્સિંગમાં સામેલ ન હોય તો પણ તેમના જમાઈએ જે કર્યું છે એનાથી લોકોનો ક્રિકેટ પરનો ભરોસો ઊઠી ગયો છે. એથી આ કલમ હેઠળ પણ ચુપકીદી સેવવી એક અપરાધ છે.