૫૩ વર્ષના ભૂતપૂર્વ વન-ડે પ્લેયર કેવિન કરનનું જૉગિંગ વખતે મૃત્યુ

11 October, 2012 06:21 AM IST  | 

૫૩ વર્ષના ભૂતપૂર્વ વન-ડે પ્લેયર કેવિન કરનનું જૉગિંગ વખતે મૃત્યુ



હરારે: ૧૯૮૩ના વર્લ્ડ કપમાં ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ કરનાર ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર કેવિન કરનનું ગઈ કાલે મૂટારે શહેરમાં સવારે જૉગિંગ દરમ્યાન મૃત્યુ થયું હતું. તેઓ દોડી રહ્યા હતા ત્યારે ઓચિંતા નીચે પડી ગયા હતા. મિત્રો તેમને તરત હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

૫૩ વર્ષના કરન ઝિમ્બાબ્વેની મશોનાલૅન્ડ ઇગલ્સ નામની નૅશનલ ટીમના કોચ હતા. તેઓ મોટા ભાગે ઇંગ્લૅન્ડમાં રહેતા હતા, પરંતુ એક T20 ટુર્નામેન્ટ માટે પોતાની ટીમને કોચિંગ આપવા તેઓ થોડા દિવસથી મૂટારેમાં રહેતા હતા.

ઑસ્ટ્રેલિયાને જોવડાવી હાર

કરન મિડલ-ઑર્ડર બૅટ્સમૅન અને ફાસ્ટ બોલર હતા. ૧૯૮૩ની ૯ જૂને વન-ડેના વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામેનો મુકાબલો કરનની કારકિર્દીની પ્રથમ મૅચ હતી. ટીમ ઇન્ડિયાના કોચ ડંકન ફ્લેચરની આગેવાનીમાં એ દિવસે ઝિમ્બાબ્વેએ ઑસ્ટ્રેલિયાને ૧૩ રનથી હરાવીને ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સરજ્યો હતો. ૬૦-૬૦ ઓવરની એ મૅચમાં ઝિમ્બાબ્વેએ ૬ વિકેટે ૨૩૯ રન બનાવ્યા હતા જેમાં ફ્લેચરના અણનમ ૬૯ અને કરનના ૨૭ રનનો સમાવેશ હતો.

ઑસ્ટ્રેલિયા ૭ વિકેટે ૨૨૬ રન બનાવી શક્યું હતું અને ૧૩ રનથી હારી ગયું હતું. મૅન ઑફ ધ મૅચ ફ્લેચરે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી, પરંતુ કરને મૅચની છેલ્લી પળોમાં ઍલન બોર્ડર (૧૭ રન)ની લીધેલી વિકેટથી ઝિમ્બાબ્વેની જીત આસાન થઈ ગઈ હતી. કેપ્લર વેસલ્સ, કિમ હ્યુઝ, રોડની માર્શ, ડેનિસ લિલી અને જેફ થૉમસન જેવા ખ્યાતનામ પ્લેયરો ઑસ્ટ્રેલિયન ટીમમાં હતા.

કપિલના ૧૭૫ પછી કરનના ૭૩


૧૯૮૩ના વર્લ્ડ કપમાં ભારત સામેની મૅચમાં પણ કરને બહુ સારું પફોર્ર્મ કર્યું હતું. એ મૅચમાં ભારતે કૅપ્ટન કપિલ દેવના અણનમ ૧૭૫ રનની મદદથી ૬૦ ઓવરમાં ૮ વિકેટે ૨૬૬ રન બનાવ્યા હતા. કરને એમાં કૃષ્ણમાચારી શ્રીકાન્ત (૦), સંદીપ પાટીલ (૧) અને મદન લાલ (૧૭)ની વિકેટ લીધી હતી. ત્યાર પછી કરને ૯૩ બૉલમાં બનાવેલા ૭૩ રન બનાવ્યા હતા, પરંતુ ઝિમ્બાબ્વે ૨૩૫મા રને ઑલઆઉટ થતાં ૩૧ રનથી હારી ગયું હતું.

વર્લ્ડ કપમાં ભારત સામેની મૅચ પછી વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં માલ્કમ માર્શલ અને જોએલ ગાર્નર સહિતના ખ્યાતનામ બોલરોની હાજરીમાં ૬૨ રન બનાવ્યા હતા. જોકે ઝિમ્બાબ્વે એ મૅચ હારી ગયું હતું.

કરને ૧૧ વન-ડેમાં ૨૮૭ રન બનાવ્યા હતા. તેમની ઇન્ટરનૅશનલ કરીઅર પીઠની ઈજાઓને કારણે વહેલી પૂરી થઈ ગઈ હતી. તેઓ ૨૦૦૫થી ૨૦૦૭ સુધી ઝિમ્બાબ્વેના કોચ હતા.