ભૂતપૂર્વ ટેસ્ટપ્લેયર રંજનેનું અવસાન

23 December, 2011 06:46 AM IST  | 

ભૂતપૂર્વ ટેસ્ટપ્લેયર રંજનેનું અવસાન


પુણે: ૧૯૫૮થી ૧૯૬૪ દરમ્યાન ૭ ટેસ્ટમૅચ રમનાર પેસબોલર વસંત રંજનેનું ગઈ કાલે લાંબી માંદગી બાદ પુણેમાં અવસાન થયું હતું. તેઓ ૭૪ વર્ષના હતા. તેમના પુત્ર સુભાષ ફસ્ર્ટ-ક્લાસ મૅચો રમ્યા હતા અને હવે સુભાષનો પુત્ર શુભમ્ મહારાષ્ટ્રની અન્ડર-૧૯ ટીમમાં છે.

વસંત રંજનેએ ૧૯૫૬માં મહારાષ્ટ્ર વતી રણજીમાં સૌરાષ્ટ્ર સામેની મૅચથી ધમાકેદાર ફસ્ર્ટ-ક્લાસ કરીઅર શરૂ કરી હતી. એ મૅચના પ્રથમ દાવમાં તેમણે ૩૫ રનમાં હૅટ-ટ્રિક સહિત ૯ વિકેટ લીધી હતી અને સેકન્ડ ઇનિંગ્સમાં ૩૬ રનમાં ૪ શિકાર કર્યા હતા. તેમને બે વર્ષ પછી ટેસ્ટકારકર્દી શરૂ કરવા મળી હતી જેમાં તેઓ વેસ્ટ ઇન્ડીઝની એક જ વિકેટ લઈ શક્યા હતા. ત્યાર પછી તેમને ત્રણ વર્ષે બીજી ટેસ્ટ રમવા મળી હતી. ઇંગ્લૅન્ડ સામેની એ સિરીઝ પછી કૅરિબિયનો સામેની ટેસ્ટમાં તેમણે ગૅરી સોબર્સ તથા કૅપ્ટન ફ્રૅન્ક વૉરેલની એક-એક વખત અને રોહન કન્હાઈની બે વખત વિકેટ લેવાની સાથે મૅચમાં કુલ ૬ વિકેટ લીધી હતી. એ મૅચમાં મન્સૂર અલી ખાન પટૌડી કૅપ્ટન હતા. રંજનેએ કુલ ૭ ટેસ્ટની ૯ ઇનિંગ્સમાં ૧૯ વિકેટ લીધી હતી. તેમણે બે વખત દાવમાં ચાર-ચાર વિકેટ લીધી હતી. તેમણે ક્રિકેટ-કરીઅર બાદ ભારતીય રેલવેમાં નોકરી કરી હતી અને ૧૯૯૪માં નિવૃત્ત થયા હતા.