લક્ષ્મણને વેરી વેરી સ્પેશ્યલ ગણવાની શ્રીકાન્તને સલાહ

10 August, 2012 08:19 AM IST  | 

લક્ષ્મણને વેરી વેરી સ્પેશ્યલ ગણવાની શ્રીકાન્તને સલાહ

 

 

(હરિત એન. જોશી)

 

મુંબઈ, તા. ૧૦

 

ભારતના પીઢ બૅટ્સમૅન વાન્ગીપુરપ્પુ વેન્કટ સાંઈ (વીવીએસ) લક્ષ્મણને કેટલીક બેનમૂન ઇનિંગ્સોને કારણે ઘણી વખત વેરી વેરી સ્પેશ્યલ (વીવીએસ) લક્ષ્મણ તરીકે ઓળખાવવામાં આવતો હોય છે. આજે તેના માટે ખાસ દિવસ છે એમ કહી શકાય.

 

ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડ સામે શરૂ થતી બે મૅચની ટેસ્ટસિરીઝ માટે સિલેક્ટરો આજે ટીમ નક્કી કરવા બેસશે ત્યારે સૌથી વધુ ચર્ચા વીવીએસ લક્ષ્મણને ટીમમાં સમાવવો કે નહીં એના પર થશે. આ પીઢ બૅટ્સમૅનની કરીઅરનો આધાર આજના સિલેક્શન પર છે.

 

૨૦૧૧માં ઇંગ્લૅન્ડના અને આ વર્ષે ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં તેણે જે નબળું પફોર્ર્મ કર્યું એને કારણે તેની આંતરરાષ્ટ્રીય કારકર્દિી ભયમાં મૂકાઈ છે. જોકે ૧૯૯૬માં અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમૅચ વખતે તેનું ભારતીય ટીમમાં પહેલી વાર સિલેક્શન થયું એ સમયની કમિટીના બે મેમ્બરો કિશન રુંગટા અને સંબરન બૅનરજીનો એવો મત છે કે સિલેક્ટરોએ લક્ષ્મણને કિવીઓ સામેની સિરીઝ માટે ટીમમાં સમાવવો જ જોઈએ.

 

રુંગટાએ ગઈ કાલે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘લક્ષ્મણની કરીઅરના આંકડા, તેની સિદ્ધિઓ તેમ જ તેની કાબેલિયત જોતાં ટેસ્ટ ટીમમાં તેનો સમાવેશ થવો જ જોઈએ. જો કૃષ્ણમાચારી શ્રીકાન્ત અને તેના સાથીઓ બેસ્ટ ટીમ સિલેક્ટ કરવા માગતા હોય તો એમાં લક્ષ્મણને સ્થાન હોવું જ જોઈએ. ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં તેનો પફોર્ર્મન્સ સારો નહોતો છતાં હું કહું છું કે લક્ષ્મણ ટીમમાં હોવો જ જોઈએ.’

 

લક્ષ્મણ તેના ફેવરિટ હરીફ ઑસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટમાં ૧૯.૩૮ની બૅટિંગઍવરેજે માત્ર ૧૫૫ રન બનાવી શક્યો હતો. એ પહેલાં ઇંગ્લૅન્ડ સામે તેનો પફોર્ર્મન્સ થોડો જ સારો હતો. એ સિરીઝમાં તેણે બે હાફ સેન્ચુરી સહિત કુલ ૧૮૨ રન બનાવ્યા હતા.

 

કૅરિબિયનો સામે ઘણું સારું રમ્યો હતો

 

આજે લક્ષ્મણને ભારતીય ટીમમાં સમાવવા માટેનો એક મજબૂત મુદ્દો એ છે કે છેલ્લે ઘરઆંગણે તે વેસ્ટ ઇન્ડીઝ સામેની જે સિરીઝ રમ્યો હતો એમાં તેનો પફોર્ર્મન્સ ઘણો સારો હતો. તેણે ત્રણ ટેસ્ટમાં ૯૯.૩૩ની બૅટિંગઍવરેજે ૨૯૮ રન બનાવ્યા હતા.

 

સંબરન બૅનરજીએ ગઈ કાલે ‘મિડ-ડે’ સાથેની ચર્ચામાં લક્ષ્મણની ફેવર કરતા કહ્યું હતું કે ‘રાહુલ દ્રવિડની નિવૃત્તિ પછી ભારતીય ટીમને લક્ષ્મણ જેવા અનુભવીની ખાસ જરૂર છે. તે મિડલ-ઑર્ડરમાં વિરાટ કોહલી અને સુરેશ રૈના જેવા યુવાન બૅટ્સમેનો માટે માર્ગદર્શક બની રહેશે. લક્ષ્મણ હજી એકાદ બે વર્ષ સારું પફોર્ર્મ કરી શકે એમ છે.’

 

હકાલપટ્ટી કરવામાં આદર બતાવજો

 

લક્ષ્મણને આજે ટીમમાં નહીં લેવામાં આવે તો તેની કરીઅરનો અંત બહુ નજીક આવી ગયો ગણાશે. આ સંબંધમાં બૅનરજીએ કહ્યું હતું કે ‘શ્રીકાન્ત અને તેના સાથીઓને મારી વિનંતી છે કે તમે જો લક્ષ્મણને ન લેવા વિચારતા હો તો પ્લીઝ તમે તેને હકાલપટ્ટી વિશે અગાઉથી જાણ કરીને તેના પ્રત્યે આદર બતાવજો.’

 

ઇરફાન લગભગ નક્કી : ઇશાન્ત કરતાં ડિન્ડાને વધુ ચાન્સ

 

ટેસ્ટની ટીમના મિડલ-ઑર્ડરમાં રાહુલ દ્રવિડના સ્થાને ચેતેશ્વર પૂજારાનો સમાવેશ લગભગ નિશ્ચિત જણાય છે. ઓપનિંગમાં વીરેન્દર સેહવાગ અને ગૌતમ ગંભીર ઉપરાંતના ત્રીજા ઓપનર તરીકે અજિંક્ય રહાણેના સમાવેશની શક્યતા છે.

 

શ્રીલંકા સામેની વન-ડે સિરીઝ અને T20માં સારું પફોર્ર્મ કરનાર ઇરફાન પઠાણને પણ ૧૫ પ્લેયરોની ટેસ્ટ ટીમમાં સ્થાન મળવાની સંભાવના છે. ઝહીર ખાન અને ઉમેશ યાદવ ફિક્સ છે, પરંતુ ઇશાન્ત શર્મા કરતાં અશોક ડિન્ડાનો ચાન્સ વધુ જણાય છે. સ્પિનરોમાં પ્રજ્ઞાન ઓઝા અને રવિચન્દ્રન અશ્વિનના સમાવેશની પાકી શક્યતા છે.

 

T20 વર્લ્ડ કપની ટીમમાં યુવી ફિક્સ?


આજે સિલેક્ટરો સપ્ટેમ્બરમાં શ્રીલંકામાં રમાનારા T20 વર્લ્ડ કપ માટેની ટીમ પણ નક્કી કરશે અને એમાં યુવરાજ સિંહના સમાવેશની સંભાવના પણ પાકી લાગે છે. ક્રિકેટ બોર્ડ તેની ફિટનેસથી સંતુષ્ટ છે.