પુણ્યતિથિના પ્રસંગમાંથી પાછા આવતાં હાર્ટ-અટૅકથી અવસાન

23 October, 2012 05:36 AM IST  | 

પુણ્યતિથિના પ્રસંગમાંથી પાછા આવતાં હાર્ટ-અટૅકથી અવસાન



ભોપાલ: રેલવેના ભૂતપૂર્વ રણજી ખેલાડી અને મધ્ય પ્રદેશ વતી રમી ચૂકેલા જાણીતા ફસ્ર્ટ-ક્લાસ ક્રિકેટર રાજા અલીનું રવિવારે રાત્રે તેના શહેર ભોપાલમાં હૃદયરોગના હુમલા બાદ વિચિત્ર સંજોગોમાં અવસાન થયું હતું.

૩૬ વર્ષનો રાજા અલી મોડી રાત્રે પોતાની ભૂતપૂર્વ ક્લબના અધિકારીની પુણ્યતિથિના એક પ્રસંગમાં હાજરી આપીને બાઇક પર ભોપાલના બહુ જાણીતા અને લોકો તથા વાહનોની ભારે અવરજવરવાળા વીઆઈપી રોડ પરથી પાછો આવી રહ્યો હતો ત્યારે તે હાર્ટ-અટૅકનો ભોગ બન્યો હતો અને રસ્તા પર તેણે છેલ્લા શ્વાસ લીધા હતા.

મિત્ર જે. પી. યાદવ શોકમગ્ન

રાજા અલીનો નજીકનો મિત્ર અને ભારતનો ભૂતપૂર્વ ખેલાડી જયપ્રકાશ યાદવ આ ઘટનાની થોડી વાર પહેલાં તેની સાથે હતો. પોલીસે આપેલી વિગતોને યાદવે પત્રકારો સુધી પહોંચાડતાં કહ્યું હતું કે ‘રાજા અગાઉ જે ક્રિકેટ ક્લબમાં હતો એમાં હું પણ મેમ્બર હતો. અમે અમારા ભૂતપૂર્વ અધિકારીની પુણ્યતિથિને લગતા પ્રસંગમાં હાજરી આપીને મોડી રાત્રે પાછા આવ્યા હતા. રાતના અગિયાર વાગ્યે રાજાએ મને મારા ઘરની બહાર ડ્રૉપ કર્યો અને તે તેના ઘર તરફ જવા રવાના થયો હતો. ત્યાર બાદ થોડી વાર પછી મને સમાચાર મળ્યાં કે રાજાને હાર્ટ-અટૅક આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે હાજર કેટલીક વ્યક્તિઓ પાસેથી મળેલી વિગતના આધારે કહ્યું હતું કે રાજા બાઇક ચલાવી રહ્યો હતો ત્યારે તેને હૃદયરોગનો હુમલો થયો હોવાનો એહસાસ થતાં તે બાઇક ઊભી રાખીને રસ્તા પર ફસડાઈ પડ્યો હતો. જોકે તેને આ સ્થિતિમાં જોઈ રહેલા લોકોમાંથી કોઈએ પણ તેને મદદ નહોતી કરી અને તેણે ત્યાં જ છેલ્લા શ્વાસ લીધા હતા. જો કોઈએ તેની મદદ કરી હોત તો મારો આ ખાસ મિત્ર અત્યારે જીવતો હોત.’

રાજા અલી પર હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની જાણ પોલીસને થતાં જ તરત બે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તેને હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

બે રણજી ફાઇનલમાં યોગદાન

રાજા અલી લેફ્ટી બૅટ્સમૅન હતો. તે ૧૯૯૬થી ૨૦૦૮ દરમ્યાન ૮૭ ફસ્ર્ટ-ક્લાસ મૅચ રમ્યો હતો જેમાં તેણે નવ સેન્ચુરી અને બાવીસ હાફ સેન્ચુરીની મદદથી ૪૩૩૭ રન બનાવ્યા હતા. તેણે ૨૦૦૧ અને ૨૦૦૪ની રણજી ફાઇનલમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. ૨૦૦૧ની એ નિર્ણાયક મૅચ બરોડા સામે હતી જેમાં તેણે ૬૬ રન અને ૨૦૦૪ની પંજાબ સામેની મૅચમાં ૮૦ રન બનાવ્યા હતા.

સાથીપ્લેયરોનો સંકટમોચન

જે. પી. યાદવે રાજા અલીના અવસાન બદલ શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે ‘તે રેલવે માટે બૅટિંગમાં ઘણી વાર આધારસ્તંભ બની જતો હતો. તેણે રેલવેની ટીમને ઘણી વાર મુસીબતમાંથી ઉગારી હતી એટલે અમે બધા તેને સંકટમોચન કહીને બોલાવતા હતા. તે પ્લેયર તરીકેની કરીઅર પછી વેસ્ટ સેન્ટ્રલ રેલવેનો કોચ બન્યો હતો અને થોડા સમયથી તેણે પોતાની ઍકૅડેમી પણ શરૂ કરી હતી. ગઈ કાલે ચેન્નઈમાં ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનની દુલીપ ટ્રોફીની ફાઇનલમાં પ્લેયરો રાજા અલીને અંજલિ આપવા હાથ પર કાળી પટ્ટી પહેરીને રમ્યા હતા.’