09 December, 2023 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ. શ્રીસાન્ત
સુરતના લાલભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમમાં તાજેતરમાં રમાયેલી લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી)ની એક મૅચ દરમ્યાન ભૂતપૂર્વ સાથી ભારતીય ખેલાડી ગૌતમ ગંભીર સાથે મેદાન પર જે ઝઘડો થયો એની કથની સોશ્યલ મીડિયામાં લઈ જનાર ભૂતપૂર્વ પેસ બોલર એસ. શ્રીસાન્તને આ સ્પર્ધાના આયોજકોએ કાનૂની નોટિસ મોકલી છે. શ્રીસાન્ત આ ઝઘડો ઇન્સ્ટાગ્રામ સુધી લઈ આવ્યો હતો જેમાં તેણે ગંભીર વિશે ઘણું કહ્યું હતું અને પછી તો શ્રીસાન્તની પત્ની ભુવનેશ્વરીએ પણ ગંભીર વિશે ઇન્સ્ટા પર કટાક્ષ કરવાનો મોકો ઝડપી લીધો હતો.
એલએલસીના આયોજકોનું કહેવું એ છે કે શ્રીસાન્ત શા માટે મેદાન પરના ઝઘડાને સોશ્યલ મીડિયા સુધી લઈ આવ્યો.
કાનૂની નોટિસમાં એવું પણ જણાવાયું હતું કે શ્રીસાન્તે કૉન્ટ્રૅક્ટનો ભંગ કર્યો છે. નોટિસમાં એવું પણ કહેવાયું છે કે ગંભીરને વખોડતો વિડિયો શ્રીસાન્ત મીડિયામાંથી કાઢી નાખશે એ પછી જ તેને મીટિંગ માટે બોલાવવામાં આવશે. અમ્પાયર્સે આ વિવાદ વિશે પોતાનો રિપોર્ટ આપ્યો છે, પરંતુ ગંભીરે ‘ફિક્સર’ કહ્યો હોવાનો જે આક્ષેપ શ્રીસાન્તે વિડિયોમાં કર્યો છે એ બાબતમાં અમ્પાયરે કોઈ ઉલ્લેખ નથી કર્યો.
શ્રીસાન્તે મૅચ પછી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા બે વિડિયોમાં ગંભીરને ઝઘડાખોર તરીકે ઓળખાવીને દાવો કર્યો હતો કે ‘મેં ગંભીરને કંઈ જ ઉશ્કેરણીજનક નહોતું કહ્યું છતાં તેણે મારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન ચાલુ જ રાખ્યું હતું અને મને ફિક્સર કહીને ચીડવતો હતો.’
ગંભીર આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયા કૅપિટલ્સનો કૅપ્ટન હતો અને ગુરુવારે તેની ટીમ ક્વૉલિફાયર-ટૂમાં મણિપાલ ટાઇગર્સ સામે હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. શ્રીસાન્ત ગુજરાત જાયન્ટ્સ ટીમમાં હતો.
લેજન્ડ્સ લીગમાં આજે રૈના-હરભજનની ટીમ વચ્ચે ફાઇનલ ટક્કર
દેશ-વિદેશના નિવૃત્ત થઈ ગયેલા અને પોતાની નૅશનલ ટીમ વતી રમવાનો મોકો હવે ન મેળવી શકનાર ખેલાડીઓ વચ્ચે ભારતમાં રમાતી લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી)માં આજે (સાંજે ૬.૩૦ વાગ્યાથી) અર્બનરાઇઝર્સ હૈદરાબાદ (યુઆરએચ) અને મણિપાલ ટાઇગર્સ (એમટી) વચ્ચે ફાઇનલ રમાવાની છે. સુરેશ રૈના યુઆરએચનો અને હરભજન સિંહ એમટીનો કૅપ્ટન છે. રૈનાની ટીમ યુઆરએચે મંગળવારે ક્વૉલિફાયર-વનમાં એમટીને ૭૫ રનથી હરાવીને સીધી ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ભજ્જી એ મૅચમાં ન હોવાથી મોહમ્મદ કૈફે સુકાન સંભાળ્યું હતું. ગુરુવારે ભજ્જીના સુકાનમાં એમટીએ ગૌતમ ગંભીરની ઇન્ડિયા કૅપિટલ્સને ૮ બૉલ બાકી રાખીને ૬ વિકેટના માર્જિનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે આજે એમટીના ખેલાડીઓ યુઆરએચને ફાઇનલમાં હરાવીને મંગળવારની ક્વૉલિફાયર-વનની હારનો બદલો લઈ શકશે. ભજ્જીની ટીમમાં મોહમ્મદ કૈફ ઉપરાંત ઍન્જેલો પરેરા, કૉલિન ડિગ્રૅન્ડમ, થિસારા પરેરા, અમિતોઝ સિંહ, અમિત વર્મા, મિચલ મૅક્લેનઍગન અને પરવિન્દર અવાના વગેરે પ્લેયર્સ છે. રૈનાની ટીમમાં ડ્વેઇન સ્મિથ, માર્ટિન ગપ્ટિલ, ગુરકીરત સિંહ માન, અસગર અફઘાન, સ્ટુઅર્ટ બિન્ની, ક્રિસ ઍમ્પૉફુ, પવન સુયલ વગેરે સામેલ છે.
મેદાન પરની તૂતૂમૈંમૈંને સોશ્યલ મીડિયામાં લવાય જ નહીં ઃ પ્રવીણકુમાર
ભારત વતી ૬ ટેસ્ટ અને ૬૮ વન-ડે રમનાર ભૂતપૂર્વ પેસ બોલર પ્રવીણકુમારે ગઈ કાલે આઇ.એ.એન.એસ.ને શ્રીસાન્ત-ગંભીર વિવાદ વિશે ‘ગ્રાઉન્ડ પર હો જાતી હૈ તૂતૂમૈંમૈં, બહાર જા કર સબ ઠીક’ એવું કહીને ઉમેર્યું હતું કે ‘આ વિવાદને હવે વધુ આગળ ન લઈ જવા હું બધાને વિનંતી કરું છું. આવા બનાવ તો રમતનો હિસ્સો કહેવાય. મેદાન પર આવું તો બન્યા કરે એટલે ઝઘડો મેદાન પર મૂકીને જ બહાર અવાય, એને સોશ્યલ મીડિયામાં ચગાવવો ન જોઈએ. આ કંઈ દુશ્મનાવટ જેવું નથી, કાંઈ ગોળી નથી છોડવામાં આવી.’